સ્પોટ લાઈટ: ‘એક મિનિટ’ – એક નવી એન્ટ્રી
મહેશ્વરી
રંગલાલ નાયક સાથેની મુલાકાત અંધારામાં દીવાની ટમટમતી જ્યોત સાબિત થઈ. દીવાની જ્યોત હોય છે તો સાવ નાની અમથી, પણ અંધકારને ચીરી માર્ગ દેખાડવાની શક્તિ ધરાવે છે અને એની મદદથી માણસ વધુ ઉજાસની દિશામાં આગળ વધી શકે છે. અંધારું – અજવાળું છેવટે તો નિરાશા – આશાના જ પ્રતીક છે ને. રંગભૂમિના અત્યંત વ્યસ્ત દોરમાં કેટલાક વર્ષ કામ કર્યા પછી સાવ નવરી- કામ વગરની થઈ ગઈ એ ઉજાસમાંથી અંધકારની જ અવસ્થા હતી. રંગલાલભાઈ નામની જ્યોત મને વિનુભાઈના ‘સંપત્તિ માટે’ સુધીનો મારગ ચીંધી ઉજાસની દિશા દેખાડી રહી હતી. ઊંડા અંધારેથી પરમ તેજે પહોંચવાની આશા જાગી હતી. કવિ ન્હાનાલાલની પંક્તિ ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’નો અનુભવ કરી રહી હતી.
આ પણ વાંચો: પતિ હાથ જોડી ઘરમાં બેઠા ને પત્નીને હાથ ફેલાવી કામ શોધવા આદેશ આપ્યો
વિનયકાંત દ્વિવેદી રોબર્ટ મની સ્કૂલમાં રિહર્સલ કરી રહ્યા હતા. આજની પેઢી કદાચ આ સ્કૂલથી માહિતગાર નહીં હોય, પણ ૧૮૩૫માં મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલી આ શાળા એક સમયે ટેક્નિકલ શિક્ષણ માટે ખ્યાતનામ હતી. સાતેક વર્ષ પહેલા એ બંધ પડી એ વાત મને રંગભૂમિના જ કોઈ સહયોગીએ કરી હતી. સાંભળી વ્યથિત થઈ હતી અને અનેક સંસ્મરણો તાજા થયા હતા. આ સ્કૂલમાં અનેક નાટ્યકર્મીઓએ રિહર્સલ કર્યા છે. રંગભૂમિના અનેક રોચક પ્રસંગોની સાક્ષી આ શાળા રહી છે. કામ મળશે એ ઉત્સાહનો સંચાર થવાથી હું રીતસરની દોડતી દોડતી જ રંગલાલ ભાઈ સાથે સ્કૂલમાં પહોંચી ગઈ.
આ પણ વાંચો: પ્રવીણ જોશી સાથે કામ કરવાની તક ન મળી એનો મને રંજ છે
સ્કૂલમાં જઈને જોયું તો મેઘના રોય, પુષ્પા શાહ, જયંત વ્યાસ જેવા મહારથી રિહર્સલ કરી રહ્યા હતા. બહુ જ મોટા સેટઅપમાં કામ થઈ રહ્યું છે એનો અંદાજ મને આવી ગયો. વિનુભાઈને મળી અને ઔપચારિકતા પતાવી મેં પેટ છૂટી વાત કરી દીધી કે ‘વિનુભાઈ, મને કામ જોઈએ છે. કામ માગવા તમારી પાસે હું આવી છું.’ પ્રભુલાલ દ્વિવેદીના પુત્ર વિનયકાંત દ્વિવેદી નાટ્ય જગતનું કેવું મોટું નામ છે એ વાચકો જાણતા જ હશે. મારું એક વાક્ય અને એમાં રહેલું કંપન તેઓ તરત પામી ગયા. વિશેષ કશું પૂછ્યા વિના એટલું જ બોલ્યા કે ‘હમણાં હું જે નાટક કરી રહ્યો છે તેમાં મોટાભાગના પાત્રોમાં કલાકારો ફિટ થઈ ગયા છે. એટલે હમણાં તો કશું નહીં થઈ શકે’ અગાઉ ‘સંપત્તિ માટે’ નાટકમાં હું જે રોલ કરતી હતી એ મેઘના રોય કરી રહી હતી અને બીજો એક મહત્ત્વનો રોલ પુષ્પાબહેન કરી રહ્યાં હતાં. હું નિરાશ થઈ ગઈ. પણ કહે છે ને કે બધા દરવાજા બંધ થાય ત્યારે ઈશ્ર્વર એક બારી ઉઘાડી દેતો હોય છે. આ ભાવનાનો સાક્ષાત્કાર એ દિવસે મને થયો. હું નિરાશ થઈ નીચું માથું રાખી પાછી વળી રહી હતી ત્યાં વિનુભાઈ બોલ્યા ‘એક મિનિટ…’ આ બે શબ્દ (‘એક મિનિટ’) ઈશ્ર્વરે બારી ઉઘાડી હોય એવા મને લાગ્યા.
આ પણ વાંચો: હીરોઈનના રોલ કર્યા એ જ નાટકમાં સાઈડ રોલ કરવાનો વારો આવ્યો
એ ઉઘડેલી બારીમાંથી પ્રકાશનું એક કિરણ પ્રવેશી અંધારાની તાકાત ઓછું કરી રહ્યું હોય એમ વિનુભાઈ બોલ્યા કે ‘નર્સનો એક નાનકડો રોલ છે જેના માટે મેં હજી કોઈ કલાકાર નક્કી નથી કર્યો.’ આ એક વાક્ય સાંભળી હું ટટ્ટાર થઈ ગઈ. દરવાજા તરફ જઈ રહેલા પગ પાછા વળ્યાં અને મોઢું ઊંચું રાખી આંખોમાં આશા સાથે મેં વિનુભાઈ સામે જોયું. મારી આંખોમાં ચમક જોઈ વિનુભાઈના ચહેરા પર સ્મિત રેલાયું અને એ નાનકડા રોલ વિશે મને વાત કરી. નાટકમાં નાદારના ઉપનામથી ઓળખાતા ઉન્નતલાલ નામના ધનિક યુવાનની પત્ની તનુલતાનું એક પાત્ર હતું જેને વારે ઘડીએ એનો પતિ માંદી ઠેરવ્યા કરતો હોય છે. આ તનુ સાથે એક નર્સ એની દેખભાળ માટે રાખી હોય છે એવું એ પાત્ર હતું. રોલ સાવ નાનો હતો પણ ’ડૂબતો માણસ તરણું પકડે’ એ ન્યાયે મેં હા પાડી દીધી. એ બહાને સ્ટેજ પર એન્ટ્રી મળશે અને એક શોના દોઢસો રૂપિયા પણ મળશે એ ગણતરી સંતોષ આપનારી હતી. બારી ઉઘડી અને પ્રકાશના એક કિરણે અંધારાને ચીરવાની શરૂઆત તો કરી દીધી. ઉત્સાહ સાથે રિહર્સલ શરૂ કરી દીધા. નાટક બરાબર બેસી ગયું અને જે દિવસે ટીવી માટે શૂટિંગ કરવાનું હતું એ દિવસે એવું બન્યું કે જાણે બારી જ નહીં જાણે બધા દરવાજા ઉઘડી ગયા હોય અને પ્રકાશના કિરણો અજવાળું વેરવા થનગની રહ્યા હોય…
મૂંગા પણ બહુ ‘બોલકા’ પાત્રો
નાટક કોનું? લેખકનું, એ ભજવનાર કલાકારોનું, કેવી રીતે ભજવવું એ શીખવનાર દિગ્દર્શકનું કે પછી પ્રેક્ષકોનું? નાટક અંતે તો ટીમવર્ક છે. બધા મણકા પરોવાયા પછી માળા તૈયાર થઈ શોભા વધારે એવું. નાટ્ય ભજવણીમાં નેપથ્યનું યોગદાન વિશેષ હોય છે જે દેખીતું નથી. નાટક સર્વાંગ સુંદર બને એમાં નેપથ્યનો ફાળો મહત્ત્વનો હોય છે. સંનિવેશની આ કલામાં છેલ- પરેશ, ગૌતમ જોશી, મનસુખ જોશી, નારણ મિસ્ત્રી, સુરેશ વ્યાસ વગેરે માતબર નામો છે. મહારથી જેવા તેમના યોગદાન રહ્યા છે. આઈએનટીના ‘કુમારની અગાશી’માંનાટકના અંતિમ તબક્કામાં એન્ટ્રી લેતા કુમારના પાત્ર પર જે રીતે પ્રકાશનું આયોજન થયું હતું એ જોઈ પ્રેક્ષકો આફરીન પોકારી ગયા હતા. કાંતિ મડિયા તો નવીનતા લાવવામાં માહેર હતા. તેમના ‘મુઠ્ઠી ઊંચેરો માનવી’ નાટકમાં સ્ટેજ પર સમુદ્રનું તોફાનનું વાતાવરણ ઊભું કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ‘અમે બરફના પંખી’ તેમજ ‘આતમને ઓઝલમાં રાખ મા’ પણ તેમના પ્રયોગોએ નાટકને વધુ ઊંચાઈએ બેસાડી દીધા હતા. ‘હિમ અંગારા’ નાટકમાં સ્ટેજ પર પસાર થતી ટ્રેન જોઈ પ્રેક્ષકો અવાચક થઈ ગયા હતા. જૂની રંગભૂમિમાં પણ હેરતભર્યા પ્રયોગો થયા છે. નેપથ્યના કસબીઓ નાટકના મૂંગા પણ બહુ ‘બોલકા’ પાત્રો છે એ વિશે સૌ કોઈ સહમત
થશે.
(સંકલિત)