મિજાજ મસ્તી: પ્રેત પિયુ ને પંચનામા… જો જો હસતા નહીં !
ટાઇટલ્સ:
મુત્યુ-સત્ય, ભૂત-અર્ધસત્ય છે. (છેલવાણી)
એક પતિ-પત્ની કાર એક્સિડન્ટમાં ગુજરી ગયા. પછી પતિ ભયાનક દેખાતો ભૂત બની ગયો ને
પત્ની ડાકણ. એકવાર બંને સ્મશાનના રસ્તે સામસામે મળી ગયા. પતિએ કહ્યું : અરે વાહ! તું તો
ડાકણ બનીને પહેલાં કરતાં વધુ સુંદર દેખાય છે.’
પત્નીએ કહ્યું : હા, પણ તમે જરા ય બદલાયા નથી. એવા ને એવા જ છો,
હોં! ’
પ્રેતકથાઓમાં મોત બાદ લોકોને ભૂત નડતા હોય છે , પણ આપણને તો જીવતાજીવત મોંઘવારી,
રાજકારણ, સોશિયલ મીડિયા, ફેમસ થવાનાં ભૂત… સતત નડે જ રાખે છે.
હમણાં અલ્હાબાદ હાઇ કોર્ટમાં એક એવો ભૂતિયા કેસ આવ્યો કે લોકોનાં હોશ ભૂતની જેમ ઊડવા માંડ્યા. અલ્હાબાદનાં એક પોલીસ સ્ટેશનમાં ૨૦૧૪માં શબ્દપ્રકાશે જમીનના ઝગડાને માટે એક પરિવારના ૫ લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરેલી. પોલીસે ચાર્જશીટ ટ્રાયલ કોટમાં દાખલ કરેલી, પણ કેસ જ્યારે હાઇ કોર્ટમાં આવ્યો ત્યારે જજે આ કેસને સાંભળતા વેંત જ રદ્દ કરી નાખ્યો કારણ કે પેલા શબ્દપ્રકાશનું મૃત્યુ તો છેક ૨૦૧૧માં થઇ ગયેલું! તો પછી મરેલા શબ્દપ્રકાશે ૨૦૧૪માં પુરષોત્તમસિંહને એના પરિવારના બીજા ૪ લોકો પર છેતરપિંડીના મામલે એફ.આઈ.આર. કઇ રીતે નોંધાવેલી? અને ૨૦૨૩માં હાઇ કોર્ટમાં અરજીનો વિરોધ કરતી ઍફિડેવિટ પર એણે સહી કઇ રીતે કરેલી? જજ સૌરભસાહેબે પોલીસને ધમકાવતા કહ્યું કે કોઇ ભૂત કઇ રીતે એફ.આઈ.આર. લખાવીને નિર્દોષ લોકોને ફસાવી શકે? આવું તો અદાલતનાં ઇતિહાસમાં પહેલીવાર બન્યું, પણ જો જો હસતા નહીં, નહીંતર અદાલતનાં આપમાનના ગુનામાં તમને અંદર કરી મૂકશે!
અલબત્ત, આપણાં ભારતમાં કંઇ પણ શક્ય છે. મરેલા માણસો સરકારી નોકરીમાં વરસો સુધી પગાર લઇ શકે છે, સરકારી એવોર્ડ જીતી શકે છે ને ઘણીવાર તો મરેલાઓ ચૂપચાપ ઘરે પાછાં આવીને નોર્મલ લાઇફ ફરી જીવવા પણ લાગે છે! વળી બીજી બાજુ, ભૂત-પ્રેતની માન્યતાને લીધે આજે ય કોઇ લાચાર સ્ત્રીને ‘ચૂડેલ’ તરીકે ખપાવીને આખેઆખા ગામ દ્વારા મારી પણ નાખવામાં આવે છે! અન હેલો, માત્ર ભારતમાં જ નહીં, સ્ત્રીને વિચ કે ડાકણ ગણવાની ઘટનાઓ આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં પણ આજે ય બને રાખે છે.
અરે, ત્યાં સુધી કે અમેરિકામાં પણ એવી અંધશ્રદ્ધા છે કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું ભૂત આજે ય વ્હાઈટ-હાઉસ આંટા મારે છે! ‘ક્લીવલેન્ડ પ્લેન ડીલર’ અખબાર મુજબ ખુદ લિંકને કબૂલેલું કે- હા, હું પ્રેતાત્માવાદી છું! એ વિશે મેં જે કંઈ અનુભવ કર્યો છે, એ બહુ ઓછા લોકોએ કર્યો હશે!’
આજથી ૧૫૯ વરસ અગાઉ, અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ કરનાર લિંકન ખુદ ભ્રમણાં, ડર ને
સંશયના ગુલામ હતા! પ્રેતાત્માવાદીના માધ્યમથી મૃત લોકો સાથે સંપર્ક કરતા. ‘ડેનિયલ વેવસ્ટર’ નામના
પ્રેતાત્મા દ્વારા લિંકનને એમની હત્યાનો ઇશારો કે પૂર્વ-સંકેત સપનાંઓ દ્વારા કરાવવામાં આવેલો. પ્રેતાત્મા ડેનિયલ વેવસ્ટરનો ફોટો, લિંકનની ઓફિસમાં હંમેશા રહેતો. લિંકને, ખુદની હત્યાનાં થોડા દિવસ અગાઉ મિત્રોને કહેલું, મને સપનામાં વ્હાઇટ હાઉસના ખાલી રૂમમાં કોઈકનો પોક મૂકીને રડવાનો ભયાનક અવાજ સંભળાયો ને ત્યાં જઈને જોયું તો અમુક લોકો રોયલ વસ્ત્રોથી સજજ થઇને એક લાશ સામે રડી રહ્યા હતા. એ લાશ કોની હતી?’ મિત્રોએ પૂછ્યું. રાષ્ટ્રપતિ લિંકનની!’ લિંકને કહ્યું!
હદ તો ત્યારે થઇ કે થોડા જ દિવસ બાદ ‘ફોર્ડ્સ થિયેટર’માં લિંકનની હત્યા થઇ. લિંકનની લાશ એ જ રૂમમાં રાખવામાં આવી, જે લિંકનને સપનામાં દેખાયેલી.
લાશની સામે બેઠેલા લોકો પણ એ જ રીતે પોક મૂકીને રડતા હતા, જે લિંકનને સપનામાં દેખાયેલા!
ઇંટરવલ:
મોતની ય બાદ તારી ઝંખના કરતો રહ્યો,
કે તું જન્નતમાં મળે, એવી દુઆ કરતો રહ્યો. (બેફામ)
વેલ, આજે ૨૦૨૪માં ય વિચિત્ર ભૂતકથાઓ અટકવાનું નામ જ નથી લેતી. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦માં ૪૫ વર્ષીય શેર-દલાલ જીજ્ઞેશ દોશી અને ૪૪ વર્ષની તેની પત્ની કાશ્મીરા એમના કાંદિવલીનાં ઘરમાં મૃત હાલતમાં મળી આવેલાં. છેલ્લા ૪ વર્ષથી આ કેસ નોંધવામાં આવ્યો નહોતો, કારણ કે મહાન મુંબઇ પોલીસને ફોરેન્સિક રિપોર્ટ મળ્યો જ નહોતો! પણ પોલીસ તપાસ મુજબ, જીજ્ઞેશે ચિઠ્ઠીમાં લખેલું: આર્થિક તંગીના કારણે અમે આ પગલું ઉઠાવીએ છીએ. અમારા મોત માટે બીજું કોઇ જવાબદાર નથી પોલીસને શંકા થઇ કે જીજ્ઞેશે પહેલાં કપડાંથી ગળું દબાવી પત્નીની હત્યા કરી હશે ને પછી પોતાનાં ડાબા હાથનું કાંડું કાપવામાં એ સફળ ન થયો એટલે પછી ખુદને ફાંસી આપી હશે. હવે ૪ વર્ષ પછી જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં આવ્યું કે જીગ્નેશના મૃત્યુનો સમય, એની પત્નીના મુત્યુનાં સમય પછીનો છે એટલે મૃત્યુનાં સમયના આધારે પોલીસે, સ્વ.જીજ્ઞેશ સામે હત્યાનો કેસ નોંધ્યો છે! બોલો, ધન્ય છેને આપણી સિસ્ટમ? તો હવે શું પોલીસ જીગ્નેશનાં ભૂતને બોલાવીને ફરી ફાંસી આપીને લટકાવશે? જે ઓલરેડી ફાંસી ખાઇને મરી ગયો છે?!
હોલિવૂડની બિનધાસ્ત, સેક્સ-સિંબોલ અભિનેત્રી-લેખિકા મે વસ્ટે ૧૯૩૦-૪૦ના દાયકામાં બેબાક લાઇફ કે ગુદગુદાત્મક બયાનો વડે સમગ્ર અમેરિકાને હલાવી નાખેલું. પછી મે વેસ્ટ, અચાનક પોતાનું ધીખતું સ્ટારડમ છોડીને મેલીવિદ્યા શીખવા માંડેલી! એ દરમિયાન મે વેસ્ટનાં મેનેજર-કમ-મિત્ર, જિમ ટિમોનીનું મૃત્યુ થઈ ગયું. મે વેસ્ટે પોતાના મેનેજર ટિમોનીના આત્મા સાથે સંપર્ક કર્યો અને પછી ટિમોનીનું ભૂત હંમેશાં પેલીની આસપાસ રક્ષકની જેમ ફરતું. મે વેસ્ટ, ત્યાં સુધી માનવા માંડેલીકે ટિમોનીના ભૂતે જ એને નાટ્ય-લેખિકા બનાવી ને અનેક વાર્તાઓની પ્રેરણા આપેલી! જોકે, પેલા ટિમોનીએ જીવતાજીવત, ડાયરીમાં કરિયાણાનાં હિસાબ જેવું એક વાક્ય પણ લખ્યું નહોતું! ફિલ્મોમાં પૈસા માટે ભાડૂતી લેખકને ‘ઘોસ્ટ-રાઇટર’ કહેવાય છે, પણ આ તો ખરેખર ઘોસ્ટ હતો , જે રાઇટર સાબિત થયો!
( એક ચોખવટ: આ લેખ કોઈ ઘોસ્ટ કે ઘોસ્ટ-રાઇટરે લખ્યો નથી ! )
એન્ડ -ટાઇટલ્સ:
આદમ: મર્યા પછી યાદ કરીશને?
ઈવ: કોને?