કવર સ્ટોરી : કાશ્મીરમાં જીતીને ભાજપ ઈતિહાસ રચી શકશે ?
કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. પહેલા તબક્કાનું તો મતદાન પણ પતી ગયું. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કુલ ૯૦ બેઠકો છે. ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં ૨૪ બેઠક પર મતદાન થયું તેમાં નોંધપાત્ર ૫૯ ટકા મતદાન થયું.
આ પણ વાંચો : Jammu Kashmirમાં ગૃહ મંત્રી અમિત શાહના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું … કાશ્મીર આપણું છે
હવે ૨૫ સપ્ટેમ્બરે બીજા તબક્કામાં ૨૬ બેઠક અને ૧ ઓક્ટોબરે ત્રીજા તબક્કામાં ૪૦ બેઠક પર મતદાન થશે અને ૮ ઓક્ટોબરે મતગણતરી થશે.
આ મતગણતરીમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર છે કેમ કે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અને કાશ્મીરના નાગરિકોને વિશેષાધિકાર આપતી કલમ ૩૫ એની નાબૂદી પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી છે.
જમ્મુ અને કાશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન થયું તેના કારણે જમ્મુ અને કાશ્મીરમાં રચાનારી નવી વિધાનસભા અને સરકાર પાસે મર્યાદિત સત્તાઓ હશે. એમ છતાં પણ આ ચૂંટણી મહત્ત્વની છે કેમ કે આ ચૂંટણીના કારણે જમ્મુ અને કાશ્મીરમાં ફરીથી લોકશાહીની સ્થાપના થશે.
જમ્મુ અને કાશ્મીરમાં અત્યારે પણ લોકશાહી નથી એવું નથી, પણ છેલ્લાં પાંચ વર્ષથી રાષ્ટ્રપતિશાસન છે અને ત્યાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી. લોકશાહીનો અસલી અર્થ જ લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા લોકો માટે ચાલતું શાસન છે. રાષ્ટ્રપતિશાસન દ્વારા રાજ્યનો વહીવટ ચાલે એ સંપૂર્ણ લોકશાહી ના કહેવાય. આ ચૂંટણી દ્વારા એ ખોટ પૂરી થશે તેથી જમ્મુ અને કાશ્મીર માટે આ ચૂંટણી ઐતિહાસિક છે.
આ ચૂંટણી દ્વારા ભારત પાકિસ્તાન અને તેના પીઠ્ઠુઓના મોં પર તમાચો મારી રહ્યું છે. પાકિસ્તાન સતત એવો પ્રચાર કરી રહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરને ભારતે બંદૂકના જોરે પોતાની સાથે જોડેલું રાખ્યું છે. ભારત લશ્કરના જોરે કાશ્મીર પર કબજો કરીને બેઠું છે એવું પાકિસ્તાન સતત કહ્યા કરે છે. પાકિસ્તાને પોતાની વાતને સાચી કરવા આતંકવાદીઓને છૂટા મૂકી દીધા છે.
જમ્મુ – કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી સફળતાપૂર્વક કરાવીને ભારતે આતંકવાદીઓને જોરદાર લપડાક મારી પછી વિધાનસભાની ચૂંટણી રોકવા માટે આતંકવાદીઓએ પૂરી તાકાત લગાવી દીધી છે ને છતાં પહેલા તબક્કામાં ૫૯ ટકા મતદાન થયું. આમ પ્રથમ તબક્કે તો લોકોએ જ પાકિસ્તાનને કુપ્રચારનો જડબાતોડ જવાબ આપી દીધો છે. પાકિસ્તાન સતત એવું કહે છે કે, ભારતે એક પક્ષીય રીતે કલમ ૩૭૦ અને કલમ ૩૫ એને નાબૂદ કરી દીધાં ને કાશ્મીરીઓ તેના કારણે નારાજ છે. લોકો ખરેખર નારાજ હોય તો ભારત સરકારની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ જ ના લે. ૬૦ ટકા લોકો મતદાન કરવા માટે બહાર નીકળે અને ચૂંટણીમાં ભાગ લે તેનો અર્થ એ થાય કે, લોકોને લોકશાહીમાં રસ છે અને લોકો ડરીને નહીં, પણ લોકશાહીમાં વિશ્ર્વાસ રાખીને જીવી રહ્યા છે.
રાજકીય રીતે આ ચૂંટણી મહત્ત્વની છે અને ભાજપ માટે વધારે મહત્ત્વની છે. લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી તેના કારણે નરેન્દ્ર મોદીની અંગત પ્રતિષ્ઠા ધોવાઈ છે અને ભાજપનાં વળતાં પાણી થવા માંડ્યાં હોવાના સંકેત દેખાઈ રહ્યા છે. રાજકારણમાં ધારણાઓ મહત્ત્વની હોય છે કેમ કે બહુમતી લોકો ધારણાઓને આધારે કોને મત આપવો એ નક્કી કરતા હોય છે. ભાજપ માટે અત્યારે નકારાત્મક ધારણાઓ બની રહી છે, પણ જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ જીતી જાય તો પિક્ચર જ બદલાઈ જાય. આ કારણે ભાજપ કોઈ સંજોગોમાં જમ્મુ અને કશ્મીરમાં જીતવા માગે છે.
અહીં મહત્ત્વની વાત એ છે કે, અત્યારે જે સમીકરણો છે તેમાં ભાજપ જીતી જાય એવી શક્યતા વધુ પણ છે. આ વાતને સમજવા જમ્મુ અને કાશ્મીરની ભૂગોળ અને રાજકીય સમીકરણોને સમજવા જરૂરી છે.
જમ્મુ અને કાશમીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન થયુ ંએ પહેલાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની કુલ ૧૧૧ બેઠકો હતી ને તેમાંથી ૨૪ બેઠકો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ની ગણીને ખાલી રખાય છે કેમકે પીઓકે પણ ભારતનો જ ભાગ છે. બાકીની ૮૭ બેઠકોમાંથી બહુમતી મળે તેની સરકાર રચાય એવી વ્યવસ્થા હતી. લદ્દાખમાંથી વિધાનસભાની ચાર બેઠકો જ્યારે કાશ્મીર ખીણમાંથી ૪૬ અને જમ્મુમાં ૩૭
બેઠકો હતી. આ વ્યવસ્થામાં ભાજપ એકલા હાથે સરકાર રચી શકે એવી સ્થિતિમાં નહોતો, કેમ કે ૫૦ ટકાથી વધારે બેઠકો ભાજપનો કોઈ પ્રભાવ જ નથી એવી કાશ્મીર ખીણમાં હતો. કાશ્મીર ખીણમાં ૯૬ ટકા વસતિ મુસ્લિમોની છે, જે ભાજપને બહુ પસંદ કરતા નથી. કૉંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ એ ત્રણ મોટા પક્ષ કાશ્મીર ખીણમાં જીતે છે તેથી ભાજપ માટે તક નહોતી.
આ સાથે લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો એટલે તેની ૪ બેઠક ઓછી થઈ જ્યારે જમ્મુ અને કાશ્મીરના વિભાજનના ખરડા પ્રમાણે ૭ બેઠકનો વધારો થતાં કુલ બેઠકો વધીને ૧૧૧ થઈ ગઈ. નવા સીમાંકનમાં પીઓકેની ૨૪ બેઠકો ખાલી રાખવામાં આવી છે, જ્યારે બાકીની ૯૦ બેઠકો પર મતદાન છે. આ પૈકી કાશ્મીર ખીણની ૪૭ અને જમ્મુની ૪૩ બેઠક છે. જમ્મુમાં હિંદુ અને શીખોની બહુમતી હોવાથી જમ્મુ વિભાગની તમામ ૪૩ બેઠકો જીતી શકે તેમ છે.
ભાજપ જમ્મુમાં સફાયો બોલાવી દે તો સરકાર રચવા ૩ જ ધારાસભ્યનો ટેકો જોઈએ. ભાજપ ૪૩ બેઠકો જીત્યો હોય તો ૩ ધારાસભ્યોનો ટેકો મેળવવો અઘરો નથી. ભાજપે કાશ્મીર ખીણમાં તમામ બેઠક પર ચૂંટણી લડવાને બદલે અપક્ષો તથા નાના પક્ષોને ટેકો આપવાની નીતિ અપનાવી છે. આ પૈકી ત્રણેક ઉમેદવાર જીતી જાય તો ભાજપને બીજા કોઈના ટેકાની જરૂર ના પડે અને ભાજપ પોતાની તાકાત પર સરકાર રચીને ઈતિહાસ રચી શકે.
આ વાત કાગળ પર શક્ય લાગે છે, પણ સામે સ્પર્ધા ય જોરદાર છે. નેશનલ કોન્ફરન્સ અને કૉંગ્રેસે જોડાણ કર્યું છે અને મહેબૂબા મુફતીની પીડીપી પણ મજબૂત છે. આ પક્ષો જમ્મુ અને કાશ્મીરને ભારતનાં બીજાં રાજ્યોની સમકક્ષ ગણવા તૈયાર નથી. તેમને જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો જોઈએ છે, જમ્મુ અને કાશ્મીરના લોકોને વિશેષ અધિકારો જોઈએ છે, જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પણ જોઈએ છે.
ટૂંકમાં જમ્મુ અને કાશ્મીર પહેલાં જે વિશેષાધિકારો ભોગવતું એ બધા વિશેષાધિકારો જોઈએ છે. કાશ્મીરીઓને આ એજન્ડા વધારે આકર્ષક લાગે એવી પૂરેપૂરી શક્યતા છે.
પીડીપી કાશ્મીર ખીણમાં જ્યારે કૉંગ્રેસ અને નેશનલ જમ્મુમાં મજબૂત છે તેથી ભાજપ માટે કપરાં ચઢાણ છે. જમાત એ ઈસ્લામી અને રાશિદ એન્જિનિયર જેવાં કટ્ટરવાદી પરિબળો પણ મેદાનમાં હોવાથી ભાજપ
માટે જીત સરળ નથી. આમ છતાં ભાજપ જીતી જાય તો આ જીત ભાજપના ઈતિહાસની સૌથી મોટી
જીત હશે.