આખેઆખા ગામમાં વસતિ માત્ર એક માણસની…! હેં… ખરેખર?!
રાજસ્થાન એટલે અનેક આશ્ચર્યથી ભરપૂર પ્રદેશ. અહીં એક ગામ છે જે અપરાધ, પ્રદૂષણ, ઘોંઘાટ, ગંદકી, કાનૂની લડાઈ સહિતની અનેક સમસ્યાઓથી સંપૂર્ણપણે મુક્ત છે. નથી અહીં ટ્રાફિક જામ કે ભીડ – ગર્દી, નથી ધક્કા-મુક્કી કે કાન ફાડી નાખતો કોલાહલ.
આ ગામનું નામ છે શ્યામ પાંડિયા. યુરુ જિલ્લાના તારાનગર તાલુકાના નેઠવા ગ્રામ પંચાયત હેઠળના આ ગામની વસતિ છે એક માણસની. હા, મેં લખવામાં કે આપે વાંચવામાં ભૂલ નથી કરી. ૨૦૧૧ની સત્તાવાર વસતિ ગણતરી મુજબ આ ગામમાં માત્ર, ફક્ત અને ઓન્લી એક માણસ રહેતો હોવાનું નોંધાયું હતું. આ ગામનો વિસ્તાર કે ફેલાવો ૫૨૧ વીઘા સરકારી જમીન પર છે. આશ્ર્ચર્યની વાત એ છે કે અહીં માનવ વસાહત માટે દોઢ એકર જમીન નેઠવા પંચાયતે મુકરર કરેલી છે. એટલે શ્યામ પાંડિયા એક મંદિર સિવાય કોઈ ઘર કે એકેય બાંધકામ નથી.
ટૂંકમાં, શ્યામ પાંડિયા બાબા શ્યામ મંદિરનું પ્રાચીન મંદિર છે અને આના પૂજારી જ્ઞાનદાસ એટલે આ ગામની પૂરેપૂરી વસતિ. પૂજારીજી શિક્ષિત છે એટલે સરકારી ચોપડે આ ગામમાં સો ટકા સાક્ષરતા નોંધાયેલી છે.
પૂજારી જ્ઞાનદાસને પોતાનો જીવન-નિર્વાહ કરવા આજુબાજુના ગામે જઈને અનાજ સહિતની સામગ્રી લાવવી પડે છે. શ્યામ પાંડિયાથી થોડે દૂર આવેલા સાહબા નામના ગામમાં ચૌદેક હજારની વસતિ છે, જ્યાં જવું જ્ઞાનદાસજીને વધુ અનુકૂળ પડે છે.
ક્યારેક ગામ પાસેથી પસાર થતા પ્રવાસી મંદિરના દર્શનાર્થે આવે અથવા એક વ્યક્તિના ગામને જોવા કુતૂહલ પ્રેમી આવે એ સિવાય પૂજારી જ્ઞાનદાસને માનવ-મોઢું જોવા ન મળે. પણ તેઓ એકલતાથી ટેવાઈ ગયા છે. એમાંય સાંજે સાત પછી તો ભેંકાર એકલતા, જાણે કર્ફ્યુનો બાપ હાજર થઈ જાય.
હા, હિન્દુ મહિના ભાદરવાની અમાસે અહીં બહુ મોટો મેળો ભરાય ત્યારે મોટી મેદની ઊમટી પડે. એ સિવાય દિવાળી, હોળી કે જન્માષ્ટમી હોય, જ્ઞાનદાસજીએ એકલપંડે બધી ઉજવણી કરવાની આવે.
જ્ઞાનદાસજી માટે મંદિર, એની બાજુમાં આવેલી પોતાની ઝૂંપડી અને અમાપ એકલતા જ એમનો સથવારો અને ખજાનો. જ્ઞાનદાસજી અગાઉના પૂજારી રાજેશ ગિરિ પણ આ રીતે જ જીવ્યા હતા. એમના સ્વર્ગવાસ બાદ જ્ઞાનદાસ પૂજારી બન્યા હતા. ત્યારથી તેઓ પણ સવાર-સાંજ મંદિરમાં પૂજા – અર્ચના કરી રહ્યા છે. બાબા શ્યામ મંદિર લગભગ ૩૦૦ ફૂટ ઊંચી ટેકરી પર છે.
વચ્ચે આ ગામને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની કવાયત હાથ ધરાઈ હતી ખરી. એને પગલે હવે દર વર્ષે સેંકડો પર્યટક અહીં આવે છે.
અહીંનું મંદિર દ્વાપર યુગમાં બન્યું હોવાનું મનાય છે. એની સાથે અત્યંત રસપ્રદ દંતકથા સંકળાયેલી છે. જે કથા ખૂબ લોકપ્રિય છે.
મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવોને પરાસ્ત કર્યા પછી યુધિષ્ઠિરની તિલકવિધિ માટે શ્યામ પાંડિયા સ્થિત મંદિરના પૂજારી સંત શ્યામ પાંડિયાના આશીર્વાદ લેવા માટે ગદાધારી ભીમ અહીં આવ્યા હતા. એટલે જ સેંકડો વર્ષ જૂના શ્યામ પાંડિયા ધામ મંદિરમાં લોકોને ભારે શ્રદ્ધા છે.
ભવ્ય અને રસપ્રદ દંતકથા છતાં કલ્પના કરી જુઓ કે જ્યાં બાળકોની દોડધામ નથી, દોડાદોડી નથી, હૉસ્પિટલ નથી, વાહનોની અવરજવર નથી, કોઈ વાત કરવાવાળું નથી, જોવાવાળું નથી, ઝઘડવાવાળું નથી, ગોસિપિંગ કરવાવાળું નથી, સંમત થવાવાળું નથી, દલીલ કરવાવાળું નથી… ત્યાં માણસ સમય કેવી રીતે પસાર કરે? અરે જીવી કેવી રીતે શકાય એવો સવાલ આપણા જેવા ટીવી-મોબાઈલમાં ગળાડૂબ માનવ મશીનોને થયા વગર ન રહે. છેલ્લાં તેર વર્ષથી પૂજારી જ્ઞાનદાસજી અહીં એકલા જીવી રહ્યા છે. એમને જાત સાથે સંવાદ સાધવાનો, પોતાની સાથે રહેવાનો અધધ સમય મળતો હશે. જીવન-સાથી, પરિવાર અને દોસ્તો (કે ફોર ધેટ મેટર દુશ્મનો) વગર રહેવું જરાય આસાન નથી. બરાબરને?
પૂજારી જ્ઞાનદાસજી અને શ્યામ પાંડિયા ગામ વિશે જાણીને રોજ એકાદ કલાક સાવ, ખરેખર એકદમ, એકલા રહેવાનો પ્રયોગ ન કરવો જોઈએ? અને મેળ ખાય તો રાજસ્થાનની આગામી ટુર વખતે શ્યામ પાંડિયા ગામ જવાનું નક્કી કરીએ?