ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ, ગોળીબારમાં ત્રણ ઘાયલ

ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગઈ કાલે સોમવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન ગોળીબાર પણ થયો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગોળીઓ યુનિવર્સિટીના નોર્થ હોલ હોસ્ટેલમાં ચલાવવામાં આવી હતી.

આ અથડામણમાં એક હોમિયોપેથિક ડોક્ટર સહિત ત્રણ લોકોને ગોળી વાગી હતી. તમામની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. ફાયરિંગની માહિતી મળતા જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રોક્ટર પ્રો. વસીમ અહેમદ, પ્રોક્ટોરલ ટીમ અને સિવિલ લાઈન્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાત્રે 11 વાગ્યાની આસપાસ કેટલાક વિદ્યાર્થીઓ AMUના વી.એમ. હોલ પાસે બેઠા હતા. ત્યારબાદ એક જૂથના કેટલાક લોકો ત્યાં આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. આ તમામ લોકોએ પોતાના ચહેરા ઢાંકેલા હતા. આ પછી કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. આ પછી અન્ય જૂથના લોકો પણ ત્યાં પહોંચી ગયા અને મારામારી શરુ થઇ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ લડાઈમાં અનેક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી.

યુનિવર્સિટી કેમ્પસમાં મારામારીની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટીના પ્રોક્ટર પ્રો. વસીમ અહેમદે વિદ્યાર્થીઓને શાંત કર્યા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ શાંત થયા હતા.

ઘટના બાદ સિવિલ લાઇન્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીઓની ઓળખ કરવા માટે કેમ્પસમાં અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે વિદ્યાર્થીઓને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button