બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : બ્રાન્ડની સફળતા એટલે લાંબા-ટૂંકા ગાળાનું સચોટ સંકલન
-સમીર જોશી
માર્કેટિંગની વાત આવે ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા હોય છે કે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે અને સમય માંગી લે તેવી છે. લોકોને ટૂંકા ગાળાના લાભમાં રસ હોય છે. લાંબા અને ટૂંકા ગાળાને વધુ સારી રીતે સમજવાની આપણે અહીં કોશિશ કરીએ.
લાંબા ગાળાની બ્રાન્ડ બિલ્ડિંગ એ તમારી બ્રાન્ડની ઓળખ અને પ્રતિષ્ઠાને વિકસાવવાની અને મજબૂત કરવાની પ્રક્રિયા છે. બ્રાન્ડ જાણીતી બને છે, જેથી ગ્રાહકો સરળતાથી તેને ઓળખી શકે અને તેની સાથે કનેક્ટ થઈ શકે. લાંબા ગાળાના બ્રાન્ડ બિલ્ડિંગના ફાયદામાં એ છે કે બ્રાન્ડ બિલ્ડિંગમાં રોકાણ કરવાથી તમે ગ્રાહકની વફાદારી વધારી શકો છો, બ્રાન્ડ જાગૃતિ વધારી શકો છો અને બજારનો વધુ નોંધપાત્ર હિસ્સો સુરક્ષિત કરી શકો છો.
બીજી બાજુ, ટૂંકા ગાળાની વૃદ્ધિ, તાત્કાલિક લાભો અને મર્યાદિત સમયમર્યાદામાં ચોક્કસ વ્યવસાય હેતુઓ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ઘણી વખત મર્યાદિત સમયની ઓફરો શરૂ કરવા, રેફરલ બોનસ ઓફર કરવા અને લક્ષિત સોશિયલ મીડિયામાં જાહેરાતો ચલાવવા જેવી યુક્તિઓનો સમાવેશ કરે છે.
ટૂંકા ગાળાનાં પરિણામ હાંસલ કરવાનું દબાણ ઘણીવાર લાંબા ગાળાના બ્રાન્ડ નિર્માણના મહત્વને ઢાંકી દે છે. વેપારમાં તમારે ટૂંકા ગાળામાં પરિણામ જરૂરથી આપવાના છે, પરંતુ લાંબા ગાળે પણ પરિણામો મેળવવાના છે. લાંબા ગાળાનાં પરિણામ માટે લોકોની એક ગેરસમજ છે કે ટૂંકા ગાળાનાં પરિણામોનો ઉમેરો થતા લાંબા ગાળે ટકી જશુ. ટૂંકા ગાળાનાં પરિણામ તત્પૂરતા છે અને તેથી તે લાંબા ગાળાનો વેપાર કે બ્રાન્ડ કદી ના બનાવી શકે. લાંબા ગાળાનાં પરિણામ માટે બ્રાન્ડ બનાવવી આથી આવશ્યક થઇ પડે છે.
લોકો બીજી એક સામાન્ય વાત અવગણે છે કે મજબૂત બ્રાન્ડ ધરાવતી કંપનીઓ આવક વૃદ્ધિ, માર્કેટ શૅર અર્થાત્ બજાર હિસ્સો અને ગ્રાહક વફાદારીના સંદર્ભમાં એમના સ્પર્ધકોને પાછળ રાખવાનું વલણ ધરાવે છે. મોટી બ્રાન્ડ્સ પણ ટૂંકા ગાળાનાં પરિણામો જોઈ શકે છે, છતાં એ શા માટે લાંબા ગાળાની માર્કેટિંગ વ્યૂહરચનામાં રોકાણ કરે છે? ઘણી કંપની, ખાસ કરીને નાની અથવા સ્ટાર્ટઅપ કંપનીઓ, તેમના માર્કેટિંગને ફક્ત ટૂંકા ગાળાના વેચાણની આસપાસ કેન્દ્રિત કરે છે. જો કે, વાસ્તવિકતા એ છે કે તમારા મોટાભાગના સંભવિત ગ્રાહકો અત્યારે ખરીદવાની સ્થિતિમાં નથી. કદાચ એ આવતા અઠવાડિયે, આવતા મહિને અથવા આવતા વર્ષે હશે, પરંતુ શું એ ત્યારે તમને યાદ કરશે? આપણે જાણીયે છીએ કે; ઇ૨ઇ માર્કેટમાં, વેચાણની મુસાફરી જટિલ છે અને એનાં નિર્ણય વધુ સમય લે છે. તેથી, ટૂંકા ગાળાના, પુનરાવર્તિત ‘હમણાં ખરીદો’ જેવા મેસેજો એમને માટે યોગ્ય નથી અને એ કામ ન પણ કરે. તેના બદલે, બ્રાન્ડ અવેરનેસ જો હશે તો એ સુનિશ્ર્ચિત કરશે કે જ્યારે કોઈ કંપની ખરીદીનો નિર્ણય લેવા માટે તૈયાર હોય ત્યારે તમે એમના કન્સિડરેશન સેટ અર્થાત તમારી બ્રાન્ડ એ જાણતા હોય. ટૂંકા અને લાંબા ગાળાની વ્યૂહરચનાઓનું સંતુલન ઇ૨ઈ ગ્રાહકો માટે પણ કામ કરે છે. ગ્રાહકો હંમેશા તમારી બ્રાન્ડ વિશે વિચારતા નથી. લાંબા ગાળાનું વિચારી સતત એમના સંપર્કમાં રહો તો સમય આવશે ત્યારે એ તમારી બ્રાન્ડને જરુર યાદ કરશે…
લાંબા ગાળાના બ્રાન્ડ બિલ્ડિંગ અને ટૂંકા ગાળાના વેચાણને જે ન્યાય આપે છે તે બ્રાન્ડ સૌથી વધુ સફળ થાય છે. આ બે અભિગમ શ્રેષ્ઠ રીતે કામ કરે છે એ હકીકત આ તમામ ઉદ્યોગ ક્ષેત્ર માટે સાચું છે.
બીજા શબ્દોમાં કહીએ તો જો એકલા ટૂંકા ગાળાની વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવે તો તે અલ્પજીવી છે અને લોકો તમારી બ્રાન્ડને તરત ભૂલી જશે. અને જયારે તમારી બ્રાન્ડ ઝડપથી ભુલાય જાય ત્યારે તેને ફરી જાગૃત કરવાની જરૂર પડે છે. લાંબા ગાળાની વ્યૂહરચના લાંબા ગાળાની વૃદ્ધિ તરફ દોરી જાય છે. તે તમારી બ્રાન્ડ માટે અવેરનેસ તથા વફાદારી વધારશે. આનો મોટો ફાયદો તે છે કે લાંબા ગાળાનો વિચાર શ્રેષ્ઠ ખરીદી માટેનું વાતાવરણ તૈયાર કરે છે અને આગળ જતા માલના વેચાણની શક્યતા વધી જાય છે. લાંબા ગાળાના બ્રાન્ડ નિર્માણ અને ટૂંકા ગાળાની વેચાણ પ્રવૃત્તિનું આ શ્રેષ્ઠ સંતુલન હાંસલ કરવાથી વ્યવસાય વૃદ્ધિને વેગ મળશે.
ઉચ્ચ-ગુણવત્તાવાળું ક્ધટેન્ટ (બ્રાન્ડ વિશે માહિતી આપતી સામગ્રી ) એ અસરકારક માર્કેટિંગનો આધાર છે. તે માત્ર તાત્કાલિક ધ્યાન આકર્ષિત કરતું નથી, પણ તમારા ઉદ્યોગમાં તમારી બ્રાન્ડને એક સત્તા તરીકે સ્થાપિત કરે છે. જે ક્ધટેન્ટ શિક્ષિત કરે છે- જાણ કરે છે અને મનોરંજન કરે છે તે તમને તમારા ગ્રાહકો સાથે કેક્ટ કરવામાં-જોડવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત ટૂંકા અને લાંબા ગાળાના તમારા માર્કેટિંગ કેમ્પેઇનની સફળતાને માપવું પણ આવશ્યક છે. જ્યારે વેબસાઇટ ટ્રાફિક, લીડ જનરેશન અને વેચાણ જેવા ટૂંકા ગાળાના મેટ્રિક્સ નિર્ણાયક છે ત્યારે બ્રાન્ડ જાગૃતિ, ગ્રાહક વફાદારી અને માર્કેટ શેર લાંબા ગાળાના. લાંબા ગાળાની, બ્રાન્ડ-બિલ્ડિંગ માર્કેટિંગ પ્રવૃત્તિમાં ટૂંકા ગાળાની અસરો હોય છે, પરંતુ ટૂંકા ગાળાની યુક્તિઓમાં લાંબા ગાળાની બ્રાન્ડ અસર હોતી નથી. આથી લાંબા ગાળાની બ્રાન્ડ બિલ્ડિંગ સાથે ટૂંકા ગાળાના વિકાસને સંતુલિત કરવું તે સ્થાયી વ્યવસાયિક સફળતા માટે જરૂરી છે.
Also Read –