રાજકોટમાં પ્રાણીઓ નથી સુરક્ષિતઃ ઢોરના ડબ્બામાં 700 પશુઓના થયા મોત
રાજકોટઃ ઢોર ડબ્બામાં ત્રણ મહિનામાં 756 પશુના મોત થયાનું રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ આંકડો બહાર આવ્યા બાદ રાજકોટ પાલિકા સામે માલધારી સમાજમાં ભારે રોષ છે ત્યારે ગૌપ્રેમીઓ હવે કેમ કંઈ નથી બોલતા તેવી ફરિયાદો પણ તેઓ કરી રહ્યા છે.
રાજકોટમાં ગતરોજ જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ઢોર ડબ્બાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં રાજકોટનાં ઢોર ડબ્બામાં ત્રણ મહિનામાં 756 પશુઓનાં મોત થયાનો મનપા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેમજ આ સમયગાળા દરમિયાન જીવદયા ટ્રસ્ટને ઢોરનાં નિભાવ માટે રૂ. 17.86 લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે, ચોમાસાને કારણે વધુ પશુઓ મૃત્યુ પામ્યાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો.
આ અંગે માલધારી આગેવાનએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનામાં 756 પશુઓ એટલે કે, ગાય માતાનાં મોત થયા છે. આ પશુઓની જવાબદારી સંભાળતા ટ્રસ્ટને છેલ્લા ત્રણ મહિનામાં રૂ. 17 લાખથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. છતાં ઘાસચારો અને પાણીની સુવિધાના અભાવે ગાય માતાનાં મોત થઈ રહ્યા છે.
આ પણ વાંચો : ગેમઝોન કાંડનું ભૂત હજુ’ય ધૂણશે, રાજકોટમાં મેળા પછી ‘નવરાત્રિ’ માટે નવી SOP: આયોજકોને આવશે ‘અંધારા’!
કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, 15મી જૂન-2024 સુધીમાં ઢોર ડબ્બામાં કેટલા ઢોર હતા અને કેટલા ઢોર આજ સુધીમાં મૃત્યુ પામ્યા છે. આ સવાલનો લેખિત જવાબ આપતાં મનપાની એ.એન.સી.ડી શાખા દ્વારા જણાવાયું હતું કે, 15મી જૂન-2024નાં ઢોરના ડબ્બામાં કુલ 1345 ઢોર હતા, જેમાં 166 ગાય, 85 વાછરડી, 210 બળદ-ખૂંટ, 875 વાછરડા, પાંચ પાડી અને ચાર બકરીનો સમાવેશ થાય છે. આ પૈકી 12મી સપ્ટેમ્બર 2024 સુધી 756 ઢોર મૃત્યુ પામ્યા છે.