ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ચાઇનીઝ કોથમીર – આદું- મીઠો લીમડો ને દાતણ બજારમાં ક્યારે આવશે ?

વ્યંંગ -ભરત વૈષ્ણવ

‘આ લઇ જાવ.તમને ફાયદો થશે.’ કવિ કનુ કાછિયાએ સામેથી રાજુ રદીને સૂચન કર્યું. જયારે ગ્રાહકના ફાયદાની વાત વેપારી કરે ત્યારે સમજી લેવું કે છેવટે તો ગ્રાહકના નામે વેપારીને ફાયદો થતો હોય છે.રાજુ રદી આજે ઝપટે ચડી ગયેલો . ‘ગરાશિયો વેઠે પકડાઇ ગયો’ એવી કહેવત છે. રાજુ રદી પહેલીવાર શાક લેવા ગયેલો. વાસ્તવમાં રાજુને ધકેલવામા આવેલો .

એ શું છે ? કંઇક શોભાના ગાંઠિયા જેવું કશુંક હતું .રાજુ રદીને કંઇ ખ્યાલ ન આવ્યો એટલે પૂછયું :
‘સાહેબ એ લસણ છે.’ કવિ કનુ કાછિયાએ જવાબ આપ્યો.

તમને કવિ અને કાછિયો ઉત્તર- દક્ષિણ ધ્રુવ જેવું લાગશે. કનુ ફૂલટાઇમ કવિ હતો અને પાર્ટટાઇમ કાછિયો હતો.’ નભ ઝૂક્યું તે કાનજી ને પગલી પડે તે રાધાજી જેવું અદ્ભુત ગીત લખનાર પ્રિયકાંત મણિયાર બંગડી વેચતા હતા.

‘કનુભાઇ, તો પછી આ શું છે?’ રાજુએ બીજી ટોપલી તરફ આંગળી ચીંધી.

‘સાહેબ, એ પણ લસણ છે.’ કનુએ જવાબ આપ્યો.

કનુભાઇ, તમારી શોપમાં બે પ્રકારના લસણ? હજુ ત્રીજો પ્રકાર છે? રાજુએ આશ્રર્ય પામીને પૂછયું.

ના, સર, બે જ પ્રકારના લસણ છે. કનુએ સ્પષ્ટતા કરી.

‘બંને લસણ લીલા છે કે સૂકા છે?’ રાજુએ નવો સવાલ વહેતો મુકયો.

‘સાહેબ, બંને સૂકા લસણ છે.’ કનુએ ફરી સ્પષ્ટતા કરી.

‘બંનેના ભાવ શું છે? ’ રાજુએ ભાવતાલ શરૂ કર્યા.રાજુ લહણ ખાઇને લસણ પાછળ પડ્યો. કેટલાક સાત્ત્વિક નેતા લસણ ડુંગળી જેવા તામસિક પદાર્થો ગ્રહણ કરતા નથી અને તેના વઘતા ભાવથી વ્યથિત પણ થતા નથી.

‘સાહેબ, આ લાલ ટોપલીમાં છે તે લસણ ચારસો રૂપિયે કિલો છે. કાળી ક્રેટમાં લસણ છે તે દોઢસો રૂપિયે કિલો છે.’

‘શું? બંને લસણ છે, પરંતુ બંનેના ભાવમાં જમીન-આસમાનનો કેમ ફરક છે? દોઢસો રૂપિયે કિલોવાળું લસણ નકલી છે? આજકાલ નકલીનો ધંધો ઉકરડાની જેમ ફૂલ્યોફાલ્યો છે.’ રાજુએ તફાવતના કારણ પૂછ્યા.

‘સાહેબ,કોઇ લસણ નકલી નથી. કોઇ બેનંબરી નથી.’ કનુએ ખુલાસો કર્યો પછી ઉમેર્યું :
‘સાહેબ, ચારસો રૂપિયે કિલોવાળું લસણ સ્વદેશી છે.’

‘કનુભાઇ, દોઢસો રૂપિયે કિલોવાળુ કડી કે છત્રાલ જીઆઇડીસીની ફેકટરીમાં બનાવેલું છે?’ રાજુએ પ્રશ્ર્નનો બાઉન્સર ફેંક્યો .

‘સાહેબ, તમે તો ઘરના માણસ છો. દોઢસો રૂપિયે કિલોવાળું આર્ટિફિશલ કે ફેકટરી મેઇડ લસણ નથી.’ કનુએ નમ્રતાથી રહું.

‘કનુભાઇ , એ લસણ વાસી કે મરી ગયેલું હશે.’ રાજુએ આશંકા વ્યક્ત કરી.

‘સાહેબ , તમે લસણ ખાધા વગર લસણ પાછળ પડી ગયા છો. એટલે પેટ છૂટી વાત કરવી પડશે. આ દોઢસો રૂપિયાનું કિલો લસણ ચાઇનીઝ છે!’ કનુએ શાંતિથી રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.

રાજુ રદીના કાનમાં કોઇએ પરમાણુબોન્બ ફોડ્યો હોય તેમ રાજુના કાન ફાટી ગયા. કાનમાં સનન.. સનન.. સનનન અવાજ ગુંજવા લાગ્યો.

‘શું કહ્યું.. ચાઇનીઝ લસણ? હવે તો ચાઇનીઝ કોથમીર , આદુ મીઠો લીમડો અને દાતણ પણ ચાઇનીઝ આવશે કે શું? ’ રાજુ રદી આખલાની જેમ ભડક્યો . જાણે ચાઇનીઝ’ શબ્દ સાંભળ્યો જ ન હોય તેવી પ્રતિક્રિયા આપી.

‘અરે, સાહેબ યે દુનિયા એક દુલ્હન, દુલ્હન કે માથે કી બિંદિયા એ દેશ ચાઇના જેવું થઇ ગયું છે. ચીન એવો ડ્રેગન છે પોતાના પડોશી દેશમાં મદદના નામે પેટમાં પહોંચી ટાંટિયા પહોળા કરે છે અને એ પાડોશી દેશને ડસી જાય છે. ચાઇનીઝ રમકડાં, રેડિયા, ચીપ, ચાઇનીઝ એપ્સ, પેટીએમ,ચાઇનીઝ ફોન, મોબાઇલ, ચાઇનીઝ કેમેરા, ફટાકડા, ઇલેકટ્રિક સિરીઝ, દીવા, ગણપતિ, લીંબુ મરચાંના તોરણ, ચાઇનીઝ ભેળ, નૂડલ્સ, મંચુરિયન. હવે કોઇ વસ્તુ પૂરેપૂરી ઇન્ડિયન રહી છે ખરી ? ગ્રાહક તરીકે બે પૈસા સસ્તું મેળવવાની લ્હાયમાં ચાઇનીઝ વસ્તુ દિલ અને દિમાગનો કબ્જો કરી રહી છે.’ કવિ કનુ કાછિયાએ દાર્શનિકની જેમ આપણી દુખતી નસ પર હાથ મુકયો .

‘કનુભાઇ, ચાઇનીઝ લસણ હીરાની જેમ ચમકી રહ્યું છે.’ રાજુએ ચાઇનીઝ લસણની ચમકની પ્રશંસા કરી.

‘સાહેબ, દરેક ચમકતી વસ્તુ સોનું ન હોય એવી કહેવત છે. ઊજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં. આ લસણ એટમબોમ્બ જેવું છે. લસણમાં દુર્ગંધ નહિવત્ હોય છે, સ્વાદમાં તીખાશ ઓછી હોય છે અને તેના કદકાઠી નાના હોય છે. તેનો રંગ ગુલાબી હોય છે. લસણનો પાક લેવા માટે ચીનનાં ખેતરોમાં ખતરનાક જંતુનાશકોનો ભારે માત્રામાં વપરાશ કરવામાં આવે છે એટલે આ લસણમાં મિથાઇલ બ્રોમાઇટ,હેવી મેટલ હોય છે, જેનો વપરાશ કરવાથી ઊલ્ટી, શ્ર્વાસની તકલીફ,અલ્સર જેવી તકલીફો થાય છે. લાંબાગાળે કેન્સર થવાની પણ વકી છે.’ કનુએ નિર્દોષ દેખાતા ચાઇનીઝ લસણની ઘાતક અસર વર્ણવી.

‘કનુભાઇ, બે કિલો ચાઇનીઝ લસણ તોલી દો. આમ પણ, આપણે કયાં મરવાની જલ્દી કે ઉતાવળ છે?’ આમ કહી રાજુએ કનુએ ત્રણ સો રૂપિયા પકડાવ્યા.

‘કહે છે કે યમરાજ અને યમદૂતોએ માણસોને મારવા માટે ઉપયોગમાં લેવાનું પાડા નામનું પ્રાણી પણ ચાઇનાથી આયાત કરવાનું એમઓયું’ કરાર ચીન સાથે કર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…