ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

વલો કચ્છ : લોકઘડતરના હેતુથી મનોરંજન પૂરું પાડતા ભાતીગળ ભવાઇ વેશો

-ડૉ. પૂર્વી ગોસ્વામી

સિનેમા, ટીવી, રેડિયો જેવાં સાધનો ન હતાં તે યુગમાં વિભિન્ન વેશો (ભવાઈ) દ્વારા લોકઘડતરના હેતુથી મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું પરંતુ રંગભૂમિના આધુનિકીકરણ અને ડિજિટલ યુગના પ્રવેશ સાથે આજે આ વેશ ભજવાતા ખૂબ ઓછા થઈ ગયા છે. જૂના સમયના કઠપૂતળી, ડાયરો, ભવાઈ, રામલીલાનાં નાટકો જેવા આયોજનો ગ્રામીણ વિસ્તારમાં પ્રચલિત મનાય છે પરંતુ એ ગ્રામીણ ખૂબસૂરતી જ્યારે શહેરી માંગરા ઊભા કરે ત્યારે વિશેષ આનંદ થાય છે. વીસરાતી જતી આ કલા સંદર્ભે સઆનંદ કહેવાનું મન થાય છે કે કચ્છમાં તો મુખ્ય શહેરોને બાદ કરતાં પ્રતિ વર્ષ ચારેક મહિના માટે ભવાઇના આવા આયોજનો ઠેરઠેર યોજાતાં રહે છે, જે ખારા રણમાં મીઠી વિરડી સમાન છે. હમણાં ગણેશ ઉત્સવ દરમિયાન ભુજ શહેરમાં સનસિટી સોસાયટીના રહેવાસી નરેશભાઇ જે. સોમૈયા પરીવાર દ્વારા ભવાઇનું ભવ્ય આયોજન થયું હતું.

ભવાઇની મુખ્ય વિશિષ્ટતા છે એનાં પાત્રો, વેશભૂષા અને ભાતીગળ ભાષાશૈલી. જેમાં નાટકની અંદર સ્ત્રીનું પાત્ર પણ પુરુષો જ ભજવે છે. પહેલા સંગીત માટે મુખ્યત્વે ભૂંગળ, તબલાં, મંજીરા, ઝાંઝ, ઢોલક, સારંગી જેવાં વાજિંત્રો સાથે પદ્ય અને ગદ્ય રજૂ કરવામાં આવતા પરંતુ હવે હર્મોનિયમ અને ઢોલક અથવા તબલા જ વાપરવામાં આવે છે. તત્કાલીન યુગમાં ગીત-સંગીત અને અભિનય વડે જે-તે સમયની સામાજિક રૂઢિઓ પર ચાબખા મારીને લોકોને ખડખડાટ હસાવવાનું કામ તેઓ ભવાઈના માધ્યમથી કરે છે તે ખરેખર સરાહનીય બાબત છે. અહીં આવેલા પાટણ જિલ્લાના ‘ચામુંડા કલા મંડળ’ના કલાકારો ગોવિંદ મારાજ, મનોજ મારાજ, જયેશ મારાજ, શના મારાજ, વિષ્ણુ મારાજ, અજય અને દીપક મારાજ દ્વારા ‘કરિયાવર’ વિષય સાથે ભવાઈ રજૂ કરી હતી. તે પૈકીના એક જશુ મારાજ એ અસાઈત ઠાકરના વંશજ છે જે આધુનિકતા સાથે હાસ્યરસનો સર્જનાત્મક વિનિયોગ સાધવા સતત પ્રયત્નશીલ છે. તેમનું માનવું છે કે, ભવાઈ વેશ એ જ ભજવી શકે જેમનામાં અભિનયકળાની સૂઝબૂઝ, સંગીતનું જ્ઞાન અને પ્રેક્ષકો સાથે સંવાદ સાધવાની કળા હોય. હજાર વર્ષ જૂની ભવાઈની કેટલીક લાક્ષણિકતાઓ જેવી કે પૂર્વરંગ, આવણું, પ્રેક્ષકો સાથે સીધો સંવાદ અને હાસ્યરસનો સર્જનાત્મક વિનિયોગ સાથેના સંવાદો રજૂ કરવામાં આવે છે. આ ભવાઈથી પહેલા હાલરડાં લેવાય છે એની પણ ખાસ વિશેષતા છે કે જે પણ બાળકના હાલરડાં લેવાય તે વ્યંઢળ નથી બનતો, તેનું અપમૃત્યુ નથી થતું અને દારિદ્રયનો નાશ થાય છે.

અમે ઘાઘરી પેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઇ ન મળ્યા કવિ કાગબાપુના આ શબ્દોને ખોટા પાડતા અને ડિજિટલ યુગમાં પણ લોકશિક્ષણ અને મનોરંજન પીરસતી આ નાટ્યકળાને આસપાસની કોલોનીના ૫૦૦ થી વધુ લોકોએ માણી ત્યારે પ્રોત્સાહક પહેલ કરનાર નરેશભાઇના પ્રયાસોને અભિનંદન આપવા ઘટે. અંતે આવી વિસરાતી જતી કલાઓને ‘પરંપરાથી પ્રયોગ સુધી’ લાવવા સૌએ પ્રયાસ કરવા રહ્યાં.

ભાવાનુવાદ: ટોકીઝ, ટીવી, રેડિયો જેડ઼ા સાધન ન વા હૂન જુગમેં નિડારા નિડારા વેશ (ભવાઈ) ભરાં લોકઘડ઼તરજે હેતુસેં મનોરંજન ડિનેમેં અચીંધો હો પ રઙભૂમિજે આધુનિકીકરણ ને ડિજિટલ યુગજે પ્રિવેશ ભેરો આજ હી વેશ ભજવાઇંધા ઓછા થિઈ વ્યા ઐં. જૂને સમોમેં કઠપૂતલી, ડાયરો, ભવાઈ, રામલીલાજે નાટકેં જેડ઼ા આયોજનો ગામડ઼ેગામમેં પ્રિખ્યાત આય પ હી ગ્રામીણ ખૂબસૂરતી જેર સેરમેં માંગરા ઉભા કરીયેં તેર અજાઉ ખુસિ જુડ઼ેતિ. ભૂંસાતી વિનંધી હી કલાજે બારેમેં રાજીપે ચેજો મન થિએતો ક કચ્છમેં ત મેન સેરેંકે બાદ કઇંધે હર વરે ચારોક મેણેંલા ભવાઇજા ઍડ઼ા આયોજન યોજાંધા રેંતાં, જુકો ખારે રિણમેં મિઠી વિરડી સમાન આય. હેવર ગણેશ ઉત્સવ ટાંણે ભુજજે સનસિટી સોસાયટીજા નરેશભાઇ જે. સોમૈયા પરીવાર ભરાં ભવાઇજો ભવ્ય આયોજન થ્યો હો.

ભવાઇજી મેન ખાસિયત ઇ આય ઇનજા કિરધાર, પેરવેશ ને ભાતીગડ઼ ભાષાશૈલી. જેમેં નાટકજી અંધર બાઇમાડૂ જો પાત્ર પ ભાઇમાડૂ જ ભજવેંતા. પહેલા સંગીતલા ભૂંગરો, તબલાં, મંજીરા, જાંજ, ઢોલક, સારઙી જેડ઼ા વાજિંધ્ર સેં પદ્ય ને ગદ્ય રજૂ કરેમેં અચીંધા વા પણ હાણે હાર્મોનિયમ ને ઢોલક કા ત તબલા જ વજાયમેં અચેતા. તત્કાલીન જુગમેં ગીત-સંગીત ને અભિનય ભેરો સમાજજી રૂઢિએંતે ચાબખા મારેને માડૂએંકે ખિલખલાટ હસાયજો કમ હિની ભવાઈજે માધ્યમસેં કરેંતા ઇ ખરેખર સૂંઠી ગ઼ાલ ચોવાજે. હિત પાટણ જિલ્લાજા ‘ચામુંડા કલા મંડલ’ જા કલાકારો ગોવિંદ મારાજ, મનોજ મારાજ, જયેશ મારાજ, શના મારાજ, વિષ્ણુ મારાજ, અજય ને દીપક મારાજ ભરાં ‘કરિયાવર’ વિષયતે ભવાઈ રજૂ કરેમેં આવઇ હૂઇ.

અમે ઘાઘરી પેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઇ ન મળ્યા કવિ કાગબાપુજે હિન સબધકે ખોટા સાભિત કરીંધલ નેં ડિજિટલ જુગમેં પણ લોકશિક્ષણ ને મનોરંજન પિરસધિ હિન નાટ્યકલાકે ઓર્યાકોર્યાજી કોલોનીજા ૫૦૦ કનાં વધુ લોક માણ્યો હો તેર પ્રોત્સાહક પહેલ કરીંધલ નરેશભાજે પ્રયાસેંકે અભિનંદન ડીણા ખપે. નેં છેલે હિકડ઼ી ભરામણ કે ઍડ઼ી વિસરાંધી કલાએંકે ‘પરંપરાસે પ્રયોગ સુધી’ ગ઼િની અચેલા મિણીકે પ્રિયાસ કેંણા પોંધા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button