ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

મોર્નિંગ મ્યૂસિંગ: આધુનિક કે ગમાર, સ્ત્રીને આજે પણ બુદ્ધિમાં કમતર ગણવામાં આવે છે

-રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં પોતાના નવા પુસ્તક ‘નેક્સસ’ના પ્રકાશન નિમિત્તે ઇઝરાયલી ઇતિહાસકાર અને ‘હોમો સેપિયન્સ’ના
લેખક યુવલ નોઆ હરારીનો એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો. તેમાં એમણે માનવ ઈતિહાસની વિભિન્ન ક્રાંતિઓની વાત કરતી વખતે એક નોંધપાત્ર બયાન કર્યું હતું કે
પ્રત્યેક પ્રમુખ ક્રાંતિ દરમિયાન મનુષ્યએ કોઈને કોઈ રીતના અત્યાચાર કર્યા છે. કાં તો તે અત્યાચાર માનવ સમુદાયમાં થયા છે અથવા અન્ય પ્રાણીઓ પર થયા છે, પરંતુ કોઈ ક્રાંતિ શાંત અને અહિંસક નથી રહી, એમાં લોહી રેડાયું છે. પ્રોફેસર હરારીએ કહ્યું એ બધામાં નારીવાદી અંદોલન એકમાત્ર એવી ક્રાંતિ હતી જેમાં લોહી નથી વહ્યું. નારીવાદી ક્રાંતિ સૌથી અહિંસક ક્રાંતિ રહી છે. નારીવાદીઓએ ન તો લડાઈઓ કરી છે, ન તો તોડફોડ કરી છે, ન તો નેતાઓની હત્યા કરી છે.

નારીવાદી ક્રાંતિ વીસમી સદીની સૌથી મોટી રાજકીય અને સામાજિક ક્રાંતિ હતી. નારીઓએ સમાનતા અને હકની માગણી કરી એટલે સ્ત્રી-પુરુષો વચ્ચેના હજારો વર્ષ જૂના સંબંધ ધરમૂળથી બદલાઈ ગયા,પણ એમાં કોઈનું ખૂન નહોતું થયું. તેની સામે, ફ્રેંચ ક્રાંતિ, સામ્યવાદી ક્રાંતિમાં કે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલા લોકોના જીવ ગયા હતા. કૃષિ ક્રાંતિમાં હજારો વર્ષો સુધી પ્રાણીઓ પર અત્યાચાર થયા હતા. ઔદ્યોગિક ક્રાંતિમાં મજદૂરોનું શોષણ થયું હતું. તેની સામે નારીવાદી ક્રાંતિએ સાબિત કર્યું છે કે હિંસા વગર પણ ક્રાંતિ શક્ય છે.

હજારો વર્ષોથી પૂરી દુનિયામાં લોકો માનતા હતા કે પુરુષ કરતાં સ્ત્રી કમતર છે- ઊતરતી છે અને એ પુરોહિત, વેપારી, શિક્ષક, શાસક કે વૈજ્ઞાનિક બની શકે તેમ નથી. પશ્ર્ચિમમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં નારીવાદી ચળવળ શરૂ થઇ અને ધીમે ધીમે પુરુષસત્તાક માનસિકતામાં પરિવર્તન આવતું ગયું. નારીવાદી અંદોલન સ્ત્રીઓ દ્વારા સંચાલિત હતું (જે આમ પણ કમજોર અવસ્થામાં હતી) અને બિનઆક્રમક હતું એટલે તેનો પ્રભાવ ધીમો રહ્યો છે.

આજે પણ એ આંદોલન સંપૂર્ણપણે સફળ થઇ ગયું છે એમ ન કહેવાય. હજુ પણ સ્ત્રીઓએ ઘણી મંજિલ કાપવાની છે.

આપણે અહીં દુનિયાના ધનાઢ્ય અને સૌથી સફળ ઉદ્યોગપતિ બિલ ગેટ્સની પત્નીની વાત કરીશું, જેથી ખબર પડે કે નારીવાદીઓની લડાઈ ૨૧મી સદીમાં અને સૌથી આધુનિક સમાજમાં પણ કેટલી કપરી છે.
નારીવાદને હંમેશાં મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટેના આંદોલન તરીકે જોવામાં આવે છે તેથી એક ભ્રમ ખૂબ જ મજબૂત બની ગયો છે કે નારીવાદનો હેતુ પુરુષની શક્તિને દૂર કરીને સ્ત્રીની શક્તિ સ્થાપિત કરવાનો છે. આ પણ એક કારણ છે કે પુરુષો પણ નારીવાદી હોવાના ટેગથી દૂર રહ્યા છે.

Why women are still considered secoundary?

લૈંગિક સમાનતાને ટેકો આપવા માટે કોઈની જેન્ડર મહત્ત્વની નથી. નારીવાદની વ્યાખ્યા પણ એ જ કહે છે કે લૈંગિક સમાનતાના અધિકારોની હિમાયત કરતી દરેક વ્યક્તિ નારીવાદી છે, પછી ચાહે એ સ્ત્રી હોય કે પુરુષ.

જોકે, નારીવાદી ચળવળનું કેન્દ્ર હંમેશાં પિતૃસત્તાથી પીડિત મહિલાઓની મુક્તિ પર રહ્યું છે. પુરુષોએ પિતૃસત્તાક માનસિકતાને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પિતૃસત્તાક માળખાથી પુરુષોને હંમેશાં આર્થિક, રાજકીય અને સામાજિક રીતે ફાયદો થયો છે. તેથી જ નારીવાદનો એક વિભાગ માને છે કે લૈંગિક સમાનતામાં કોઈ પણ યોગદાન વિના પુરુષો પોતાને નારીવાદી કેવી રીતે માની શકે છે. આ જૂથ માને છે કે પુરુષ નારીવાદનો સમર્થક હોઈ શકે છે, પરંતુ કોઈ નારીવાદી નહીં.

પિતૃસત્તાક માળખામાં સત્તા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાં દરેક પુરુષ મજબૂત હોય અને દરેક સ્ત્રી નબળી હોય તે જરૂરી નથી. પિતૃસત્તાક માળખામાં કમજોર પુરુષને પણ આપોઆપ સરસાઈ મળે છે અને મજબૂત સ્ત્રીને પણ પ્રતિકૂળતા સહન કરવી પડતી હોય છે.

આ વાતને હમણાં સમાજસેવી મેલિંડા ગેટ્સે સાબિત કરી છે. મેલિંડા અબજોપતિ વ્યવસાયિક છે અને ‘માઈક્રોસોફ્ટ’ કંપનીની ભૂતપૂર્વ સંચાલક છે. એ પોતાના ભૂતપૂર્વ પતિ બિલ ગેટ્સ સાથે મળીને આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિસ્તારોનો વિકાસ , વગેરે જેવાં ઘણાં ક્ષેત્રોમાં કામ કરી રહી છે. મેલિંડા યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતી હોવા છતાં, એનું કાર્ય સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. ભારત માટે એનું યોગદાન અપાર છે.
દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓ પૈકીની એક હોવા છતાં, મેલિંડાને લૈંગિક ભેદભાવનો સામનો કરવો પડ્યો છે,

એ પિતૃસત્તાક વ્યવસ્થાની તાકાતનું ઉદાહરણ છે. હમણાં ‘વેનિટી ફેર’ નામના મહિલાઓ માટેનાં જાણીતા મેગેઝિન સાથે વાતચીતમાં મેલિંડાએ કહ્યું હતું એ જયારે એના પતિ અને ‘માઈક્રોસોફ્ટ’ ના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે કામ કરતી હતી ત્યારે એણે લૈંગિક ભેદભાવ એવી રીતે સહન કરવો પડ્યો હતો કે સૌ લોકોને એમ લાગતું હતું કે મારામાં બિલ ગેટ્સ કરતાં ઓછું જ્ઞાન છે. અને તે પણ એવી જગ્યાઓએ જે સામાન્ય રીતે સૌથી પ્રગતિશીલ અને જેન્ડર રહિત માનવામાં આવે છે.

મેલિંડા કહે છે, ‘ જો હું રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનના કાર્યાલયમાં જાઉં અને હું મારા ભૂતપૂર્વ પતિ સાથે હોઉં તો એ બધા સૌથી પહેલાં બિલ તરફ વળે અને જ્યાં સુધી હું વાતચીતમાં વિક્ષેપ ન પાડું ત્યાં સુધી એ બધા એવી રીતે વાતચીત કરતા રહે જાણે હું ત્યાં છું જ નહીં અથવા જાણે મને એમાં સમજ પડતી ના હોય. મને ખબર છે કે બિલ જાણીતા હતા અને ટેક ઉદ્યોગમાં બહુ મોટાં કામ કર્યાં હતાં, પરંતુ એ લોકો એવું શા માટે ધારી લેતા હશે કે સમાજસેવા વિશે હું બિલ
કરતાં ઓછું જાણું છું, જયારે હકીકત એ પણ છે કે હું ૨૫ વર્ષથી એમની સાથે કામ કરું છું. આવી ખોટી ધારણા શા માટે ? આ ખરેખર લૈંગિક ભેદભાવ હતો.’

એ પછી મેલિંડાએ નક્કી કર્યું હતું કે મીટિંગોમાં તે સૌથી પહેલાં બોલશે અને લોકોએ એને સાંભળવી પડશે. મેલિંડા પાસે અંગત રીતે એટલી તાકાત છે કે એ પોતાની હાજરીની નોંધ લેવડાવી શકે, પરંતુ એવી લાખો સ્ત્રીઓ છે જેમના માટે આવો અનુભવ એટલો રોજનો છે કે એમણે એવું સ્વીકારી લીધું છે કે જાહેર પ્રસંગોએ કે મીટિંગોમાં કોઈ આપણો મત થોડો પૂછે?! એ તો સાથે જે પુરુષ હોય એનો જ મત મહત્ત્વનો ગણાય!

આપણે ત્યાં કેટલી સ્ત્રી છે જે રોજ પતિ કે પુત્ર કે પિતા કે આસપાસના અન્ય પુરુષોના મોઢે એવું સાંભળતી હોય છે કે ‘તને આમાં સમજ ન પડે.’ હજારો વર્ષોથી બુદ્ધિ પર પુરુષોનો એકાધિકાર રહ્યો છે. પરંપરાગત રીતે સ્ત્રીઓનું મુખ્ય કામ ઘર-પરિવાર સંભાળવાનું હતું અને પુરુષોનું કામ રોજીરોટી કમાવાનું હતું. ધંધો-રોજગારમાં સહજ રીતે જ બુદ્ધિની જરૂર વધુ પડતી હતી એટલે જેટલી પણ વ્યવસ્થાઓ અમલમાં આવી તે પુરુષોને ધ્યાનમાં રાખીને હતી.

દાખલા તરીકે, અડધી સદી પહેલાં સ્ત્રીઓને મતાધિકાર નહોતો કારણ કે એવું માનવામાં આવતું હતું કે એમનામાં રાજકીય નિર્ણયશક્તિ નથી. અથવા સ્ત્રીઓ માટે શિક્ષણ
જરૂરી ગણાતું નહોતું (ભારતમાં આજે પણ ઘણા સમુદાયો અને પરિવારોમાં છોકરીઓને ભણાવામાં આવતી નથી). ‘સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય છે’ તેવી કહેવત
મેલિંડા ગેટ્સની ફરિયાદને જ સાબિત કરે છે કે નારીવાદી અંદોલનની સફળતા છતાં સ્ત્રીઓને આજે પણ પુરુષોથી ઊતરતી માનવામાં આવે છે અને હજુ એમણે ઘણો સંઘર્ષ કરવાનો બાકી છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…