હેં ભગવાન, શું રાંધુ ને શું ખવરાવું?: ગૃહિણીઓની વ્યથાને વિડંબણા કોઈ સાંભળે છે?
અમદાવાદઃ સંતાનો ભૂખ્યા હોય અને મા પાસે ખાવાનું માગે, પણ સાવ નાની આવકમાં ઘર ચલાવતી મા શું રાંધે ને શું ખવરાવે?…આ વ્યથા દેશ અને ગુજરાતના દરેક મધ્યમવર્ગીય અને ગરીબ વર્ગની છે. મહિનાની મર્યાદિત આવકમાં ઘર ચલાવતા કે રોજનું રોજ કમાઈ ખાતા લોકો માટે ખાદ્ય સામગ્રીના ભાવ એકાદ અઠવાડિયા માટે ઉપર-નીચે થાય તો ગમે તેમ ચાલ્યુ જાય, પણ મોંઘવારી સતત દામ દેતી રહે તો જીવવું કેમ તે સવાલ થઈ જાય.
મોંઘવારીએ પહેલેથી જ કરડી ખાધા છે ત્યારે હવે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે શાકભાજી સહિતના ભાવોમાં ઉછાળો આવતા પરિવારનું પેટ ભરનારા માતા-પિતા માટે ઘર કેમ ચલાવવું તે સવાલ સામે આવીને ઊભો રહે છે. કોરોના બાદ મોટા ભાગના પરિવારોની આર્થિક સ્થિતિ હજુ જોઈએ તેટલી સ્થિર થઈ નથી, ત્યારે મોંઘવારીએ માજા મૂકી છે.
તેલ-શાકભાજી મોંઘા થતાં રસોડાની રંગત ફિક્કી
જોકે વરસાદને રોકાયે એકાદ અઠવાડિયું થયું પણ શાકભાજીના ભાવ નીચે ઉતરતા નથી. તેલ સાથે શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીઓના રસોડામાં રસોઇની રંગત હવે ઉડી રહી છે. એક બે શાકભાજીને બાદ કરતા મોટા ભાગની શાકભાજી રૂ.100થી 400 સુધીના ભાવે વેચાઈ રહી છે, જેમાં શહેરોમાં કોથમીર પ્રતિકિલો રૂ. 200 થી રૂ. 240 છે, લીંબુ પ્રતિકિલોએ રૂ. 120 થી રૂ. 140 સૂકા લસણના રૂ. 400 સુધીનો ભાવ, ડુંગળી પ્રતિકિલો રૂ. 70 થી રૂ. 80 થતાં હવે રડાવી રહી છે. બટાટાના ભાવ 45 થી 50, રીંગણાં 80 થી 120, લીલાં મરચાં 50 થી 60, ગિલોળા 50 થી 70, કોબીજ 80 થી 100, ફૂલેવાર 100 થી 120, પાલક 60 થી 80, પરવળ 60 થી 70, સરગવો 80 થી 100, ટામેટાં 70 થી 80, કારેલાં 80 થી 100, ચોરી 70 થી 80, ગાજર, બીટ, કાકડી 80 થી 100, લીલી મેથી 100 થી 120 સુધીનો ભાવ બોલાઈ છે.
વેપારીઓના મતે ગુજરાતમાં આ વર્ષે સતત વરસાદ અને કેટલાક જિલ્લામાં જે રીતે અતિવૃષ્ટિ થઇ છે જેના કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થતાં શાકભાજીની પેદાશો નષ્ટ થઇ છે ખૂબ ઓછી જગ્યાએ શાકભાજી નું ઉત્પાદન રહ્યું છે જેના કારણે શાકભાજીની આવક ઘટી છે. ગલકાં દૂધી ભીંડા સસ્તા છે પરંતુ બીજા શાકભાજીના ભાવોમાં ખૂબ વધારો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થી આવતા શાકભાજી, ટ્રાન્સપોર્ટેશન, મજૂરી મોંઘી હોય અહીં મોટા વેપારીઓ માલ ઓછો ખરીદે છે પછી પોતાનો નફો કાઢી છૂટક વેપારીઓને આપે છે આમ ભાવમાં ખૂબ વધુ ભાવ આ વર્ષે બોલાઈ રહ્યો છે. આમ પણ મોટે ભાગે જથ્થાબંધ માલ સસ્તો હોય છે, પણ લોકો સુધી પહોંચતા તે ઘણો વધી જતો હોય છે. છૂટક વેપારીઓ પર સરકારની કોઈ લગામ નથી અને દરેક માટે મુખ્ય બજાર જઈ ખરીદવું શક્ય નથી હોતું, આથી ન છૂટકે તેઓ છૂટક વેપારી પાસેથી ખરીદવા મજબૂર થાય છે.
છેલ્લા 50 દિવસમાં ખાદ્યતેલમાં 400 થી 450 રૂપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં છેલ્લા 50 દિવસમાં કપાસિયા, સહિત અન્ય તેલ 400 થી 450 રૂપિયાનો ધરખમ વધારો થયો છે. પામ ઓઈલની ઈમ્પોર્ટમાં શોર્ટ સપ્લાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત તહેવારની ઘરાકી ચાલુ હોય ત્યારે ખાદ્ય તેલની અવેલિબિલીટી ઓછી હોવાને કારણે પણ ખાદ્ય તેલમાં તેજી આવી છે. આ ઉપરાંત સરકારે 20 ટકા જેટલી ડ્યુટી લગાવતા એક ટીન ઉપર 300 રૂપિયા ડ્યુટી લાગી ગઈ છે. તેને કારણે ખાદ્ય તેલમાં સાઈડ તેલમાં પામ ઓઈલ, સનફ્લાવર, મકાઈના તેલમાં સારા પ્રમાણમાં તેજી આવી છે.