તમે ખોબો માંગો અને હું દઉં દરિયો
આજે આટલું જ -શોભિત દેસાઈ
શોધ સુખની કરવા નીકળે છે સમગ્ર સમુદાય નામે દુનિયા નામની એક નાનકડી વસ્તી અને સરી પડે છે સમૃધ્ધી કે લક્ષ્મી ફંફોસવામાં અને માલિક બનવાને બદલે ચોકીદાર બનીને હવાતિયા મારતાં વિતાવે છે જીવન શું કરીએ ? આખી દુનિયાને સુધારવાનો ઠેકો તો લીધો નથી આપણે !!! પણ જેટલાં સમજે છે એમને સુખ , સમૃદ્ધિ , આનંદ , વિલાસ ઇત્યાદિનો ફરક તો બતાડીએ !!! મહાકવિ રમેશ પારેખના આ અપ્રતિમ શબ્દદસ્તા દ્વારા
સુખ
સમજ્યા, ચંદુભાઈ !
એને ટેવ નડી, ટેવ …
ખોતરવાની.
એ કાન ખોતરવાની ટેવ.
દાંત ખોતરવાની ટેવ.
નાક ખોતરવાનું તો બંધાણ…
નખ નવી નવાઈના એને જ હોય જાણે
બધું ખોતર ખોતર કર્યા જ કરે.
ઘડીય જંપ નહીં.
ખોતર ખોતર કરવું કાંઈ સારું છે ?
અરે, સાલો સાથળ ખોતરે, સાથળ.
કેમ જાણે એમાંથી ગગો નીકળવાનો હોય !
આપડને એમ,
છો ખોતરે
એની જાંઘ ઈ ખોતરે એમાં આપડે સું ?
પણ ચંદુભાઈ,
આ ખુસાલિયો કાંઈ ખોતરવે ચડ્યો, કાંઈ ખોતરવે ચડ્યો…
છેવટે ઈણે એનું મગજ ખોતાર્યું
મોટામોટા ખાડા કર્યા ઈમાં.
ઘરઘરાઉ ખોતરણા કરતોતો
ત્યાં સુધી તો જાણે ઠીક,
પણ પછી તો એનો હાથ
મૂળો વધે એમ મૂળમાંથી વધવા લાગ્યો…
આપડને ઈમ કે ઈનો હાથ છે તે વધે
એમાં આપડે સું?
પણ વધતો વધતો હાથ નીકળ્યો બહાર.
કેછ સેરીમાં કોઈને દીઠો ન મેલે.
માણસનાં હાડકાં ખોતરી નાખે,
ઊંઘ ખોતરી નાખે,
વિચાર –
ઈનો હાથ કોલંબસ થઇ ગ્યો !
મૂળે ખુસાલિયાને ગોતવુંતું સુખ.
જોવુંતું નજરોનજર.
પછી પારકું હોય કે પોતાનું – પણ સુખ.
ઈ અડબાઉને એમ કે
ચોપડીયુંમાં લખ્યું હોય ઈ બધું જ સાચું હોય.
સુખના ઝાડવાં ફિલ્મુંમાં ઊગે
સુખના ફુવારા કવિતામાં ઊડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગ્યું કે સુખ હોય.
દીકરો અહિયાં જ થાપ ખાઈ ગ્યો…
એને એમ કે
સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ !
ટપુભાઈને તરવેણીબહેનની જેમ
સુખેય આપડે ત્યાં આવે…
અક્કલના ઇસ્કોતરાને કહેવુંય સું ?
આપણે તો જાણીએ, ચંદુભાઈ કે
સસલાને સિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે ડાહી ડાહી વાતું કરીએ
ચોપડીયું વાંચીએ
પણ ખુસાલીયા, સુખો માટે આવી ખોતરપટ્ટી?
જે નથી એને માટે આવો રઘવાટ ?
અભણ હતો, સાલો,
જે વાંચવું જોઈએ ઈ વાંચ્યું નહીં.
નવલકથાયું નહીં, ઈતિહાસ.
પૂછજો એને, ઈતિહાસ વાંચ્યો છે એણે ?
એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને ?
આપડા આ ખુસાલિયાનાં હાથ
જેને જેને અડે ઈ પદારથ દુખ થઇ જાય-
એક દિવસ ખુસાલિયો
પોતાના સપનાંને અડ્યોતો !
ત્યારથી છે આવી દિમાગને ચાટી જતી બળતરાઉં !
પણ હાળો, મરસે !
સુખ
નથી આઠેય બ્રહ્માંડમાં.
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઈ જાણતો નથી
ઈ જ એનું સુખ !
આપડે સું, મરસે, હાળો ઢ્ઢ
આપડે તો એના વધ થતા હાથની દયા આવે,
આવે કે નહીં, ચંદુભાઈ ?
બસ આજે આટલું જ…