Suratમાં સરથાણામાં નકલી ચલણી નોટો છાપવાનું મિની કારખાનું ઝડપાયુ, ત્રણની ધરપકડ
સુરતઃ ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી અવારનવાર નકલી અધિકારી, નકલી ટોલનાકા ઝડપાઈ ચુક્યા છે. ત્યારે સુરતમાં(Surat)વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેર એસઓજી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઇન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસઓજી પોલીસે એક લાખથી વધુની નકલી નોટ સાથે ત્રણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માત્ર 100 રૂપિયાની નકલી નોટો છાપી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેર એસઓજીએ બાતમીના આધારે સુરતના સરથાણા વિસ્તારમાં યોગીચોક ખાતે આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સની 406 નંબરમાં ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાંથી ત્રણ જેટલા શખ્સો મળી આવ્યા હતા. એસઓજીએ કોમ્પ્યુટર, પ્રિન્ટર, એક લાખની નકલી નોટો સાથે ત્રણેય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શખ્સો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો છાપવામાં આવતી હતી.
નકલીનો કાગળ અસલી નોટ જેવો
ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો છાપવામાં આવી રહી હોવાનું જણાવ્યુ હતું. તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી. નોટનો કાગળ પણ એક દમ અસલી ચલણી નોટ જેવો ઉપયોગમાં લેવાતો હતો. જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કે કોણ આપતું હતું તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપીઓ નકલી નોટ ક્યારથી અને ક્યાં-ક્યાં વટાવી તેની તપાસ
એસઓજી પોલીસ દ્વારા હાલ આ ત્રણેય શખ્સોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, નકલી ચલણી નોટ ક્યારથી છાપી રહ્યા હતા. અત્યાર સુધીમાં કેટલી નકલી ચલણી નોટ છાપી છે અને છાપેલી નકલી ચલણી નોટો ક્યાં વટાવવામાં આવી છે. જેવા સવાલો આ ત્રણે આરોપીઓને કરવામાં આવી રહ્યા છે.