મહારાષ્ટ્ર

વર્ધામાં એકતરફી પ્રેમમાં યુવતીની ક્રુર હત્યા

ઘરના આંગણામાં બોલાવી ગળા પર માર્યા ચાકૂના ઘા

વર્ધા: એક તરફી પ્રેમમાં વર્ધામાં એક 23 વર્ષની યુવતીની તેના જ ઘર બહાર હત્યા કરવામાં આવી છે. આ અરેરાટીભરી ઘટના વર્ધાના સેલૂ તાલુકામાં આવેલ દહેગામ ગોસાવીમાં બની છે. સોમવારે રાત્રે આ ઘટના બની હતી. જોકે આ ઘટનાને કારણે ગામમાં તનાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. હત્યાનું ચોક્કસ કારણ હજી સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી. એકતરફી પ્રેમમાં આ યુવતીની હત્યા થઇ હોવાની ચર્ચા ગામલોકોમાં થઇ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વર્ધાના નાલવાડીના બે યુવાનો દહેગામ ગોસાવીમાં આવ્યા હતાં. આ બે યુવાનો સાથે બે યુવતીઓ પણ હતી. આ બે યુવતીઓએ મૃતક યુવતીના ઘરના ગેટ પાસે જઇને તેને બહાર બોલાવી હતી. બહારથી કોઇ બોલાવી રહ્યું છે તેથી મૃતક યુવતી ઘરની બહાર આવી હતી. ઘરના આંગણામાં છૂપાઇને બેઠેલા યુવકે આ યુવતી બહાર આવતા જ તેના ગળા પર ચાકૂથી એક પછી એક ઘા કર્યા હતાં. ચીસો સંભળાતા ઘરના લોકો બહાર આવ્યા. પોતાની દિકરીને લોહીલુહાણ હાલતમાં જોઇ પરિવારજનો ગભરાઇ ગયા હતાં. તેમણે તાત્કાલીક આ યુવતીને સારવાર અર્થે સેવાગ્રામ હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે ત્યાં સારવાર દરમીયાન તેનું મૃત્યુ થયું હતું.

ચાકૂનો વાર કરીને ભાગી રહેલા યુવાન તેના મિત્ર અને સાથે આવેલી બંને યુવતીઓનો પીછો કરી ગામલોકોએ આ ચારેયને પકડી લીધા હતાં. ગામલોકોએ આ ચારેયને પોલીસને હવાલે કર્યા છે. આ વાત આખા ગામમાં ફેલાતા હોબાળો મચી ગયો હતો. ગામના લોકોના ટોળાં ને ટોળાં પોલીસ સ્ટેશન પર ઉમટી આવ્યા હતાં. ગ્રામજનોએ ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેની માંગણી કરી હતી. અગાઉ પણ વર્ધામાં એક શિક્ષિકાની હત્યાને કારણે હોબાળો થયો હતો. ત્યારે આ ઘટના બાદ ફરી એકવાર મહિલાઓની સૂરક્ષા સામે પ્રશ્ન ઊભો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button