ફક્તને ફક્ત રાહદારીઓ-પર્યટકો માટે જ ખૂલ્લો રહેશે આ વિસ્તાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈનો કાલાઘોડા ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ ધરાવે છે. પર્યટકોની ભીડથી આ વિસ્તાર હંમેશા ભરચક રહેતો હોય છે. હવે નાગરિકોની સાથે જ પર્યટકો અહીં ‘હેરિટેજ વૉક’નો આનંદ લઈ શકે તે માટે હવેથી દર શનિવાર અને રવિવાર આ પરિસરને વાહનવ્યહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ કાલાઘોડા પરિસરમાં ફૂટપાથ બનાવવાની સાથે જ બ્યુટીફિકેશનનું કામ સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. સુધરાઈ કમિશનર ભૂષણ ગગરાણીએ શનિવારે ટ્રાફિક ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અનિલ કુંભારે સાથે સાંજના કાલાઘોડા પરિસરની મુલાકાત લઈને હાલ ચાલી રહેલાં કામનો અહેવાલ લીધો હતો. આ દરમિયાન સુધરાઈ કમિશનરે કાલાઘોડા પરિસરનું ઐતિહાસિક અને હેરિટેજ મહત્ત્વ જાળવી રાખવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે હવેથી દર શનિવાર અને રવિવારે આ વિસ્તાર ફકત નાગરિકો અને પર્યટકો માટે જ ખુલ્લો રહેશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કાલા ઘોડા પરિસરમાં સાઈબાબા રોડ, રોપ વૉક લેન, વી.બી.ગાંઘી માર્ગ/ફોર્બ્સ સ્ટ્રીટ, રુધરફોર્ડ સ્ટ્રીટ અને બી.ભરૂચા માર્ગ આ પાંચ રસ્તા દર શનિવાર અને રવિવારે સાંજે છથી રાતના ૧૨ વાગ્યા સુધીના સમયગાળા માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહશે અને ફક્ત રાહદારીઓ માટે સમગ્ર પરિસર ખૂલ્લો રહેશે અને સપૂર્ણ વિસ્તારનું સુશોભીકરણ કરવામાં આવશે.