રાજકીય પક્ષો લાગ્યા કામે: કેન્દ્રીય ચૂંટણી પંચની મુલાકાત માં જાહેર થશે તારીખો?
(અમારા પ્રતિનિધ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ લગભગ નક્કી થઈ ગયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 27 અને 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ રાજ્યના મુખ્ય અધિકારીઓની બેઠક યોજશે અને આ બેઠક બાદ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે લીલી ઝંડી આપવામાં આવશે.
દરમિયાન રાજ્યના તમામ રાજકીય પક્ષો આગામી વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્યમાં ત્રીજું ગઠબંધન પણ રચાયું છે જ્યારે એવી ધારણા છે કે વિધાનસભામાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે લડાઈ થશે. થોડા દિવસો પહેલા રાજુ શેટ્ટી, પ્રકાશ આંબેડકર, સંભાજી રાજે અને કેટલાક અન્ય નેતાઓએ ‘પરિવર્તન મહાશક્તિ’ નામનું ત્રીજું ગઠબંધન બનાવ્યું છે. તેથી આગામી વિધાનસભાની ચૂંટણી વધુ રસપ્રદ બની છે.
દરમિયાન, રાજ્યના મુખ્ય પક્ષો હાલમાં સીટ વહેંચણીના વિવાદને ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે સીટોની ફાળવણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ, શાસક મહાગઠબંધનમાં પણ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે સીટ ફાળવણીને લઈને ટગ ઓફ વોર જોવા મળી રહી છે. ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા છે.