સરકારે ખાદ્યતેલના ઉછળતા ભાવ અંગે કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માગી
નવી દિલ્હી: સરકારે ખાદ્યતેલ કંપનીઓ પાસેથી નીચી ડ્યુટી પર આયાત કરવામાં આવતા અને પર્યાપ્ત સ્ટોકની ઉપલબ્ધતા વચ્ચે ભાવમાં સ્થિરતા સુનિશ્ર્ચિત કરવાની તાકીદ કરી હોવા છતાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં જોવા મળી રહેલા ઉછાળા માટે સ્પષ્ટતા માગી છે.
કેન્દ્ર સરકારે ૧૪ સપ્ટેમ્બરના રોજ, સ્થાનિક તેલીબિયાંના ભાવને ટેકો આપવા માટે વિવિધ ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ ૧૭ સપ્ટેમ્બરે ખાદ્ય મંત્રાલયે ખાદ્ય તેલ ઉદ્યોગ સંસ્થાઓ સાથે બેઠક બોલાવી એમની પાસેથી એવી ખાતરી લ્ધી હતી કે આને કારણે તેલની છૂટક કિંમતોમાં કોઈ વધારો ન થવો જોઇએ. ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નઉદ્યોગને તાજેતરના ભાવ ઉછાળા અંગે સ્પષ્ટતા કરવા અને કારણો આપવાનું કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા આગામી તહેવારોની સિઝનમાં છૂટક કિંમતો જાળવી રાખવાના નિર્દેશો હોવા છતાં, આયાત ડ્યુટીમાં વધારો કરવાની જાહેરાત બાદથી ભાવમાં શા માટે વધારો થઈ રહ્યો છે, તેનો જવાબ કંપનીઓએ આપવો પડશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગત સપ્તાહે ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં વધારો કરાતાં રિટેલ બજારના વેપારીઓએ તેલના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. ગત સપ્તાહે જ સિંગતેલ, કપાસિયા, પામ તેલના ભાવમાં રૂ. ૧૦૦ સુધીનો વધારો કર્યા બાદ આ સપ્તાહે વધુ રૂ. ૫૦ સુધીનો વધારો ઝીંક્યો છે. જો કે, કેન્દ્ર સરકારે રિટેલ વેપારીઓને આડેધડ ભાવ ન વધારવા અપીલ કરી છે. કેન્દ્ર સરકારે જણાયું છે કે, રિટેલ વેપારીઓ ખાદ્ય તેલના ભાવોમાં તોતિંગ વધારો ન કરે. કારણકે, ડ્યુટીમાં વધારો કર્યો તે પહેલાં દેશમાં ૪૦થી ૪૫ દિવસ સુધી ચાલી શકે તેટલા રિફાઈન્ડ ઓઈલની આયાત થઈ ચૂકી છે. અર્થાત ઝીરો કસ્ટમ ડ્યુટી પર ૩૦ લાખ ટનથી વધુ રિફાઈન્ડ ઓઈલ આયાત કરવામાં આવ્યું છે. જેથી તેના પર ભાવ વધારો અયોગ્ય છે.
સિંગતેલ માટે તો ભારત સ્વનિર્ભર છે અને આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષથી ચાર લાખ હેક્ટર વધીને ૪૭.૪૯ લાખ હેક્ટરમાં થયું છે. ગુજરાતમાં પણ ગત વર્ષે ૧૬.૩૫ લાખ હે.થી વધીને ૧૯.૧૦ લાખ હે.વાવેતર છે. ગત વર્ષે રાજ્યમાં એટલા વાવેતરમાં પણ ૪૬.૪૫ લાખ ટન મગફળીનું મબલખ ઉત્પાદન થયું હતું. આમ છતાં, સૌરાષ્ટ્રના તેલમિલરોએ ગત સપ્તાહે ભાવમાં રૂ. ૪૦નો વધારો ઝીંકી દીધો હતો. આ સપ્તાહે પણ ભાવ વધ્યા છે. ક્રુડ પામ, સોયા, સૂર્યમુખી તેલ પર ૨૦ ટકાની કસ્ટમ ડ્યુટી લાદવામાં આવતાં સૌરાષ્ટ્ર તેલ બજારમાં બેફામ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. કપાસિયા અને પામ તેલના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. સનફ્લાવર, મકાઈ, સરસવ તેલના ભાવ પણ ૫૦ રૂપિયા વધ્યા છે. ચાલુ સપ્તાહમાં જ ભાવમાં ૨૨૫થી ૨૭૫ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને રૂ. ૨૧૩૦, પામ તેલના ડબ્બાનો ભાવ વધીને રૂ. ૧૯૩૫ થયા છે.