અમેરિકામાં ગુંજ્યો ગરબાનો નાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત…
વોશિંગ્ટન: હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના ભાગરૂપે આજે ફિલાડેલ્ફિયા પહોંચ્યા છે. વડા પ્રધાન મોદીનું ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર આગમન સમયે અમેરિકાના ચીફ ઑફ પ્રોટોકોલ એથન રોસેનઝવેગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના ચીફ ઓફ પ્રોટોકોલનું પદ એમ્બેસેડર અને આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટની સમકક્ષ છે. એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ બિનય શ્રીકાંત પ્રધાન પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. અમેરિકામાં રાજકીય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હોય તેવા તે ભારતના ત્રીજા વડાપ્રધાન છે. ન્યૂયોર્ક એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય મૂળના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સમયે ઘણા લોકો હાથમાં તીરંગો લઈને પીએમ મોદીની એક ઝલક મેળવવા આવ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પીએમ મોદીના સ્વાગતમાં ગુજરાતી ગરબા વાગ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ગુજરાત મૂળના લોકોએ ગરબાથી સ્વાગત કર્યું હતું. અમેરિકામાં ગરબાના ગીત સાંભળીને અને રાસ-ગરબા જોઈને ખુદ વડાપ્રધાન મોદી પણ અભિભૂત થઈ ગયા હતા. તેઓ પણ ગરબા જોઈને ખુશ થઈને તાળીઓ પાડતા વિડીયોમાં દેખાઈ રહ્યા છે.
અમેરિકાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડેલાવેયરમાં ક્વોડ નેતાઓના શિખર સંમેલન અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભવિષ્યના શિખર સંમેલન (SOTF)માં હાજરી આપશે. આ સાથે વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ કરવાના છે. PM મોદી ક્વાડ મીટિંગમાં ભાગ લેવા માટે ફિલાડેલ્ફિયાથી ડેલાવેર જવા રવાના થયા છે.