મહારાષ્ટ્રને 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે થાણેએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે 2047 સુધીમાં રાજ્યને 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે આઠ વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે થાણેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.
‘એમએમઆર થાણે ડેવલપમેન્ટ કોન્ફરન્સ 2024’ને સંબોધતા શિંદેએ જણાવ્યું હતું કે તેમની સરકાર મુંબઈ મેટ્રોપોલિટન રિજનની અર્થવ્યવસ્થા 2030 સુધીમાં 300 બિલિયન ડોલરના આંકને સ્પર્શે તે સુનિશ્ર્ચિત કરવા માટે કામ કરી રહી છે.
આ આઠ વ્યૂહાત્મક ક્ષેત્રો નીતિ આયોગ દ્વારા સૂચવવામાં આવ્યા છે અને તેમને હાંસલ કરવા માટે માસિક સમીક્ષાઓ, સમર્પિત વોર રૂમ વગેરેને સમાવતું એક મિકેનિઝમ વિકસિત કરવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ ક્ષેત્રોમાં એઆઈ અને રોબોટિક્સ, ગ્લોબલ કેપેસિટી સેન્ટર અને ડેટા સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે અટલ સેતુ, કોસ્ટલ રોડ અને ઈસ્ટર્ન ફ્રી-વે જેવા પ્રોજેક્ટ પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે અને ખાસ કરીને થાણેની અર્થવ્યવસ્થાને વેગ આપશે.
તેમણે જણાવ્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિવિધ પરીક્ષણો અને ટ્રાયલ સપ્ટેમ્બરના અંત સુધીમાં શરૂ થશે, જ્યારે પાલઘર સાથે એર કનેક્ટિવિટી લાવવા અને દહાણુ નજીક વાઢવાણમાં મેગા પોર્ટ સ્થાપિત કરવાની યોજનાઓ છે.
2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશને મળેલા એફડીઆઈમાં મહારાષ્ટ્રનો હિસ્સો બાવન (52) ટકા હતો, જ્યારે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન સહિત સેમિક્ધડક્ટર અને અન્ય ઉચ્ચ તકનીકી ક્ષેત્રો માટે 5.8 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે 2030 સુધીમાં થાણેની અર્થવ્યવસ્થા 150 બિલિયન ડોલરના આંકને સ્પર્શે તે સુનિશ્ર્ચિત કરવા તમામ પ્રયત્નો કરવા જોઈએ અને ભાગધારકોને તેમની સરકારના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. (પીટીઆઈ)