ચુંટણીની અદાવતમાં પૂર્વ સાંસદનાં ભત્રીજાનું ઢાળી દીધું ઢીમ – એક હત્યારાની ધરપકડ એક ફરાર…
છોટા ઉદેપુર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના જાણે લીરેલીરા ઉડી રહ્યા હોય તેમ છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદિ ગામે ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ફાયરિંગ કરનાર બે આરોપી પૈકી એકની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના 9 લોકોનો આપઘાતનો પ્રયાસ…
પ્રાપ્ત વિગતો અનુસાર કવાંટના પીપલદિ ગામે ગતરાત્રે મોડી રાતના બે સખ્શોએ મોટર સાયકલ પર આવીને રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા પર ફાયરિંગ કરીને નાસી છૂટયા હતા. અગાઉની અદાવતમાં હત્યા કરી દેવામાં આવી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બાઈક સવાર બંને આરોપીઓ વિરુદ્ધ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. બાઈક પર આવીને ફાયરિંગ કરનારા શંકર રાઠવા અને અમલા રાઠવા હોવાનો આરોપ છે.
ફાયરિંગ બાદ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે પોલીસે ફાયરિંગ કરનાર બંને આરોપીમાંથી એક આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે, જેની શોધખોળ ચાલી રહી છે. કુલદીપ રાઠવાનું ફાયરિંગથી મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમના મૃતદેહને પોસ્મોટર્ટમ માટે કવાંટ ખાતે લાવવામાં આવ્યો હતો. માજી ભાજપના સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજાનીથી હત્યા થવાથી પોલીસે પીપલદિ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.