અમદાવાદથી મહેસાણા-પાલનપૂર રોડ પર ગાડીઓ દોડશે સડસડાટ….હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત થશે વિકાસ
ગાંધીનગર: રાજ્ય સરકારે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યુ છે. ત્યારે સરકારે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે 262.56 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ પ્રાવધાન અંતર્ગત વટામણ-પીપળી, સુરત – સચિન- નવસારી, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ, રાજકોટ-ભાવનગર, અને મહેસાણા-પાલનપૂર સહિત ૬ જેટલા હાઈ સ્પીડ કોરીડોર વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આ હેતુસર ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા-સિધ્ધ્પૂર-પાલનપૂર હાઈવે પર અગાઉ ૨૦૨૩-૨૪માં અલગ-અલગ ૯ જેટલા ક્રોસીંગ સ્થળો પર ફ્લાયઓવર તેમજ વ્હીક્યુલર અન્ડરપાસ અને ૩ નદીઓ પર નવિન બ્રીજ મંજૂર કર્યા છે. સરકારે એક ફ્લાયઓવર અને બે વ્હીક્યુલર અન્ડરપાસના નિર્માણ માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે
તદનુસાર, મહેસાણા શહેરમાં રાધનપૂર સર્કલ પરના વધારે પડતા ટ્રાફિકના નિવારણ માટે રૂ. 136 કરોડના ખર્ચે નવો સિકસ લેન ફ્લાયઓવર બ્રિજ, નાગલપૂર ક્રોસ રોડ પર અકસ્માત નિવારી શકાય તે માટે અંદાજીત રૂ.54.40 કરોડના ખર્ચે સિક્સ લેન વ્હીક્યુલર અન્ડરપાસ અને ઉનાવા ખાતે બંને ક્રોસ રોડ પર રૂ. 72.16 કરોડના અંદાજિત ખર્ચે નવો 6-માર્ગીય વ્હીક્યુલર અન્ડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરાશે.
સરકારના આ નિર્ણયને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટીવીટી મળશે.