માથા પર પથ્થર ફટકારી યુવાનની હત્યાના કેસમાં વ્યંડળની ધરપકડ
પાલઘર: વસઈમાં માથા પર પથ્થર ફટકારી યુવાનની હત્યા કરવાના કેસમાં પોલીસે મૃતદેહ મળ્યાના 24 કલાકમાં જ વ્યંડળની ધરપકડ કરી હતી.
મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ-અમદાવાદ હાઈવે પર વસઈ પાસેના સાતિવલી ખાતેથી ગુરુવારની બપોરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે 30 વર્ષના યુવાનનો મૃતદેહ ઝાડીઝાંખરાંમાંથી મળી આવ્યો હતો. પથ્થર મારી મોં છૂંદી નાખવામાં આવ્યું હોવાથી યુવાનની ઓળખ થઈ શકી નહોતી.
મૃતદેહ મળતાં જ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે સીસીટીવી કૅમેરા ન હોવાથી આરોપીની ઓળખ મેળવવી મુશ્કેલ હતી. જોકે ઘટનાસ્થળેથી પોલીસને એક સાડી અને અમુક ગર્ભનિરોધક સામગ્રી મળી આવી હતી. આ સામગ્રીને આધારે પોલીસે આરોપીની ઓળખ મેળવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વ્યંડળ રૂપા શેખને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. શેખે ગુનો કબૂલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નાણાં મામલે થયેલી દલીલને પગલે આરોપીએ યુવાનની હત્યા કરી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)