Ratan Tata બાદ 34 વર્ષની આ યંગ ગર્લ સંભાળશે Tata Groupની જવાબદારી? કોણ છે એ?
ટાટા ગ્રુપ (Tata Group) અને ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને ખાસ કોઈ પરિચયની જરૂર નથી. વિશ્વસનીયતા અને ગુણવત્તાના પર્યાયીવાચી શબ્દો બની ગયા છે. ટાટા ગ્રુપને આ ઊંચાઈ સુધી પહોંચાડવાનો શ્રેય જો કોઈને આપવો હોય તો જેઆરડી ટાટાથી લઈને રતન ટાટા સુધીના લોકોનો સિંહ ફાળો છે. રતન ટાટા બાદ ટાટા ગ્રુપની ડોર સાયરસ મિસ્ત્રીએ સંભાળી લીધી, પરંતુ અકસ્માતમાં તેમનું નિધન થતાં હવે ટાટા ગ્રુપની કમાન એન. ચંદ્રશેખરના હાથમાં છે. પરંતુ એન. ચંદ્રશેખર બાદ કોણ ટાટા ગ્રુપની કમાન સંભાળશે? એવો સવાલ જો તમને પણ થતો હોય તો ચાલો આજે તમને જણાવીએ કે એમના બાદ ટાટા ગ્રુપની કમાન કોણ સંભાળશે.
અલગ અલગ મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર 34 વર્ષની માયા ટાટા (Maya Tata) ભવિષ્યમાં ટાટા ગ્રુપને લીડ કરશે. લાઈમલાઈટથી દૂર રહેતી માયા ટાટા પોતાના જ કામમાં વ્યસ્ત છે અને તમારા મારા જેવા લોકો જો જવા જ દો પણ માયા ટાટાને ટાટા ગ્રુપમાં પણ ખૂબ ઓછો લોકો ઓળખે છે.
રતન ટાટા અને માયા ટાટા વચ્ચે ખાસ સંબંધ છે અને ટાટા ગ્રુપમાં માયાને ખૂબ જ મહત્ત્વની અને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંબંધમાં રતન ટાટા માયા ટાટાના કાકા લાગે છે. માયાના પિતા નોએલ ટાટા અને રતન ટાટા ભાઈ છે. માયાએ ખૂબ જ નાની વયે ટાટા ગ્રુપની જવાબદારીઓ ઉઠાવી છે. યુકેના વારવિક યુનિવર્સિટી અને બેયસ બિઝનેસ સ્કુલમાંથી એજ્યુકેશન લેનાર માયાએ કરિયરની શરુઆત ટાટા કેપિટલના પ્રમુખ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ, ટાટા ઓપોર્ચ્યુનિટી ફંડ્સથી કરી હતી.
માયા ટાટા ડિજિટલમાં કામ કરીને ટાટા ન્યુ એપને લોન્ચ કરવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને ગ્રુપ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. આગળ આવીને જવાબદારી લઈને સફળતા મેળવવાના માયાના પ્રયાસને ટાટા ગ્રુપે નજરઅંદાજ કરવાને બદલે તેને વધુ સારું મંચ પૂરું પાડ્યું છે. હાલમાં માયા ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના છ બોર્ડ મેમ્બરમાંથી એક છે અને ભવિષ્યમાં ટાટા ગ્રુપની બાગડોર માયા ટાટાના હાથમાં સોંપવામાં આવશે એવો દાવો અનેક રિપોર્ટ્સમાં કરાઈ રહ્યો છે.