આમચી મુંબઈ

મુંબઇના ધારાવીમાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવા પહોંચેલી BMC, વિસ્તારમાં તંગદિલી

મુંબઇઃ અત્રેના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને તણાવ ફેલાયો છે. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી ત્યારે ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. BMC ટીમના આગમન બાદ અહીં પરિસ્થિતિ તંગ બની ગઇ હતી. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ધારાવીમાં સ્થિતિ હજુ પણ તંગ છે. BMC અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી અને તેને આજે તોડી પાડવામાં આવનાર છે. આ ધાર્મિક સ્થળ પર ઘણા વર્ષોથી અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યુ છે. BMC અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગઈકાલે રાત્રે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે. મુસ્લિમ સમુદાય દ્વારા અનઅધિકૃત બાંધકામ તોડી પાડવાનો વિરોધ થઈ રહ્યો છે.

મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે, આ મામલે તેઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશનની પ્રક્રિયા બંધ કરવામાં આવશે.

દરમિયાનમાં ટ્રસ્ટીઓએ આ ગેરકાયદે બાંધકામ તોડવા માટે ચારથી પાંચ દિવસનો સમય માગ્યો હતો અને જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન બાંધકામ જાતે જ દૂર કરવામાં આવશે. તેમના દ્વારા કરવામાં આવેલી લેખિત વિનંતીને વહીવટીતંત્ર દ્વારા સ્વીકારવામાં આવી હતી. પાલિકાએ હવે મસ્જિદના ટ્રસ્ટીઓને નિયત સમયમાં અતિક્રમણ દૂર કરવા જણાવ્યું છે. જોકે, દેશમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. તાજેતરમાં હિમાચલ પ્રદેશના સીમલામાં પણ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવા મુદ્દો ભારે હોબાળો થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button