તરણેતરના ભાતીગળ મેળામાં ભોજપુરી ડાન્સરોના અશ્લીલ વીડિયો મામલે તપાસના આદેશ
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સૌથી વધુ મેળા સૌરાષ્ટ્રમાં યોજાય છે, તેમાં પણ તરણેતરનો મેળો તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મેળામાં હજારો લોકો પરિવાર સાથે આવે છે. એક સમયે આ મેળો યુવાનીયાઓના સગપણ માટેનું જાણે એક સ્થળ હતો. પરંતુ આ વખતે તરણેતરના મેળામાં ગુજરાતની સંસ્કૃતિ ભુલાઈ હોય તેમ ડાન્સરોએ અશ્લિલ ડાન્સ કરીને ગ્રામીણ સાંસ્કૃતિને લાંછન લગાવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવું દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો બાદ વિવાદ વકરતાં રાજ્યના કેબિનેટ પ્રધાન મુળુ બેરાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં યોજોતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે આ ભાતીગળ મેળાની ગરિમાને બદનામ કરે તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિવાદ વકરતાં રાજ્યના કેબિનેટ પ્રધાન મુળુ બેરાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ જવાબદારો સામે જરૂરી પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું છે.
સરકાર અને ગુજરાત ટુરિઝમ સામે લોકોનો રોષ ભભૂક્યો
ગુજરાતમાં એક તરફ, સાંસ્કૃતિક ધરોહર જળવાય તે માટે મેળા યોજવામાં આવી રહ્યાં છે જેને ખુદ રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન પ્રોત્સાહન આપે છે. બીજી તરફ, આ ભાતીગળ મેળામાં અશ્લીલ ડાન્સ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશને આ બાબતે બેદરકારી દાખવતાં લોકો સરકારની આકરી ટીકા થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, તરણેતરના મેળામાં આવુ જ ચાલશે તો, એ દિવસો દૂર નથી કે, લોકનૃત્ય, દુહા-છંદની ઓળખ ભૂંસાઈ જશે. મેળાનું સમગ્ર કલ્ચર બદલાઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તરણેતરના મેળામાં મોતના કૂવા નજીક ઊંચા સ્ટેજ પર ચાર થી પાંચ યુવતી ડાન્સ કરતી દેખાઈ રહી છે. મેળો માણવા આવતા લોકોનું મનોરંજન કરવા માટે આ યુવતીઓને ખાસ ભોજપુરથી બોલાવવામાં આવી હોવાનું કહેવાય છે. વીડિયોમાં યુવતીઓ ‘મુજ કો રાના જી માફ કરના’ ગીત પર અશ્લિલ ઠુમકા લગાવી રહી છે. જ્યારે કેટલાક યુવકો તેમના પર રૂપિયા ઉડાવી રહ્યા છે.