ફરી ટ્રેન ઉથવલાવવાનું કાવતરું, રેલવે સ્ટાફની સતર્કતાએ બચાવ્યા પ્રવાસીઓને
સુરતઃ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાનો પ્રયાસન કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં આવી પ્રવૃત્તિઓ બહાર આવી હતી ત્યારે હવે ગુજરાતમાં સુરત નજીક ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જોકે રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના સર્જાતા પહેલાં ટળી ગઇ છે. અજાણ્યા શખ્સો દ્વારા કીમ સ્ટેશન નજીક ફીશ પ્લેટ ખોલી નાખવામા આવી હતી. રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા થોડા સમય માટે ટ્રેન વ્યવહાર રોકવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.
પશ્વિમ રેલવે વડોદરા ડિવિઝનને જાણ કરી
સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઈન ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ કાઢી નાખવામાં આવી હતી. પરંતુ રેલવે ટ્રેકના કર્મચારીને આ બાબતની જાણ થતા તેમણે તરત જ ઘટના સ્થળે જઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. એ સમયે કોઈ ટ્રેન આવતી કે જતી ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. બીજી તરફ રેલવે પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી હતી. પશ્વિમ રેલવે વડોદરા ડિવીઝનને શનિવારે તેનો એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બે દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના રામપુરમાં કેટલાક અસામાજિક તત્વોએ રેલવેના પાટા પર ટેલિફોનના તાર લગાવવામાં ઉપયોગ થનાર એક જૂના છ મીટર લાંબા લોખંડનો થાંભલો મુકી દેધો હતો. જોકે દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના ચાલક દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવતાં અકસ્માત ટળી ગયો હતો. આ ઉપરાંત ફરૂખાબાદમાં પણ 24મી ઓગસ્ટના રોજ કાસગંજ-ફરૂખાબાદ રેલવે ટ્રેક પર ભટાસા રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પર મોટા લાકડાં મુકી દેવામાં આવ્યા હતા, જેને ટકરાતા એક પેસેન્જર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. હવે સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું પ્રયાસ કરવામાં આવ્યુ છે. ત્યારે અવાર-નવાર આવી ઘટનાઓને જોતાં ગુજરાત સહિત દેશભરમાં રેલવે સ્ટાફની સાથે જીઆરપી, આરપીફ અને સ્થાનિક પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે.
ગૃહ પ્રધાન અમિત શાહે પણ આ પ્રયાસોની નોંધ લઈ સખત પગલા લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.