વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

સ્વબચાવમાં સ્વરૂપ બદલી શકતું ઇયળિયું…

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
બચાવ પ્રયુક્તિ એ એક કુદરતી વૃત્તિ છે જે માનવ સહિત તમામ પ્રાણીઓમાં જોવા મળે છે. અંગ્રેજીમાં પ્રાણીજગતમાં બચાવ પ્રયુક્તિ માટે ડિફેન્સ મિકેનિઝમ કહે છે. દરેક પ્રાણીઓમાં પોતપોતાનું આગવું ડિફેન્સ મિકેનિઝમ હોય છે. આપણે આ જ કોલમમાં અગાઉ આવા ડિફેન્સ મિકેનિઝમની વાત કરી ચૂક્યા છીએ પરંતુ, આજે આપણે સાવ અનોખા ડિફેન્સ મિકેનિઝમની વાત કરવાના છીએ. પરંતુ મૂળ વાત પર આવીએ તે પહેલા થોડા જાણીતા ડિફેન્સ મિકેનિઝમને યાદ કરીએ. સૌ પ્રથમ ઉદાહરણ એકદમ સૌએ જોયું હશે પરંતુ ખબર નહીં હોય કે એ ખૂંખાર જીવની આ બચાવ પ્રયુક્તિ છે, કારણ કે આપણે તેને આપણી ધાર્મિક આસ્થા સાથે જોડી દીધું છે. કોઈના ઘરે સાપ નીકળે તો કહેશે કે મારા ઘરે શિવજીનું ઘરેણું કહેવાતો નાગ નીકળ્યો’તો, અને એના માથા પાછળ ત્રિશૂળ પણ હતું બોલ… તો નાગ એટલે કે કોબ્રાના ત્રણેક પ્રકાર છે એક બ્લેક કોબ્રા, જેના માથાની પાછળ કોઈ નિશાની નથી હોતી, બીજો ત્રિશૂળવાળો નાગ એટલે કે સ્પેક્ટેકલ્ડ કોબ્રા અને ત્રીજો છે એક આંખવાળો નાગ એટલે કે મોનોકલ્ડ કોબ્રા. તો આપણને થશે કે આ ત્રિશૂળ અને એક મોટી આંખ જેવા નિશાન કોબ્રાના માથા પર શિવજીએ મૂક્યા હશે? બાપલા ના, પરંતુ આપણે ચકિત થઈ જઈશું એ જાણીને કે કોબ્રાની ફેણ પાછળના આ નિશાન હકીકતે તેમની બચાવ પ્રયુક્તિ છે.

નાગ એટલે કે કોબ્રા પોતે ઝેરી અને શિકારી પ્રાણી છે, પરંતુ તે સર્વોચ્ચ શિકારી એટલે કે ટોપ પ્રિડેટર નથી. તેનો શિકાર પણ નોળિયા, સમળી અને ક્યારેક મોર જેવા જીવો કરતાં હોય છે. તેથી જ્યારે તે ડરી જાય અને પોતાના શિકારીઓથી બચાવ માટે જ્યારે ઝેરનો ઉપયોગ નાકામ જાય ત્યારે નાગ પોતાની ફેણ ફુલાવીને દુશ્મનને ડરાવે કે જો હું મોટો છું, ડરતો નથી… પરંતુ તેની ફેણની પાછળનું આ ચશ્મા એટલે કે ત્રિશૂળનું અથવા એક મોટી આંખ જેવું નિશાન માથા પાછળ આંખો હોવાનો ભ્રમ ઊભો કરે છે અને તેના શિકારીઓને લાગે છે કે સાપ તેની જ સામે જોઈ રહ્યો છે. અમુક પ્રાણીઓ હુમલો થાય તો ભયાનક ગંધ છોડે, દરિયામાં ઓકટોપસ પોતાના બચાવમાં કાળી શાહીનો તદ્દન કડવા સ્વાદનો ફુવારો છોડે અને કાળા થઈ ગયેલાં પાણીની આડશમાં નાસી છૂટે છે. આપણે જેને બે મોઢાવાળો સાપ કહીએ છીએ અને એક મોઢે છ મહિના ચાલે અને બીજા મોઢે બીજા છ મહિના ચાલે તે બંબોઈ અથવા તો રેડ સેન્ડ બોઆ તેની આ ખાસિયત પણ બચાવ પ્રયુક્તિ છે. હકીકતે બંબોઈના શરીરની ખાસિયત એ છે કે તેના માથા અને પૂંછડીનો આકાર એકસમાન હોય છે, અને તેના મોં વાળા ભાગે આવેલી તેની આંખો સાવ નાની અને તેની ચામડીના રંગની જ હોવાથી શિકારી છેતરાઈ જાય છે. આવી આવી અનેક બચાવ પ્રયુક્તિઓ કુદરતમાં જોવા મળે છે.

સેંકડો બ્રહ્માંડોમાંના એક બ્રહ્માંડમાં આવેલી અબજો આકાશગંગાઓમાંની એક આકાશગંગામાં આવેલા હજારો તારા અને ગ્રહોમાંનો એક ગ્રહ પૃથ્વી અને તેમા આવેલા સાત ખંડોમાંના એક અમેરિકાના મધ્ય ભાગમાં આવેલા ગ્વાટેમાલા, બિલાઈઝ અને કોસ્ટારિકા નામના નાના નાના અને અડાબીડ વર્ષાવનો ધરાવતા દેશોમાં એક સાવ ઈયળ જેવો જીવ રહે છે, ઈયળ જેવો? અલ્યા ઈયળ જ કહોને… હા તેનું નામ છે હેમેરોપ્લેન ટ્રિપ્ટોલેમસ… સોરી સોરી… હોકસ મોથ અથવા વાઈપર કેટરપિલર. આપણે હમણાં જ એક રૂપાળા ફૂદાં એટલે કે લૂના મોથની વાત કરેલી, તો આ વાઈપર કેતારા પિલર હોકસ મોથનું પ્રારંભિક સ્વરૂપ છે. હોક મોથનું પોતાનું જીવન આમ પણ માત્ર દસ થી ત્રીસ દિવસનું જ હોય છે. ઈયળ સ્વરૂપમાં રહેલા હોક મોથ પાસે કુદરતે પોતાના બચાવ માટે એક સાવ અનોખી બચાવ પ્રયુક્તિ આપી છે. આપનું આ નાનકડું વાઈપર કેટરપિલર પોતાના બચાવ માટે એક એવો પેંતરો અજમાવે છે કે જોવાવાળા હસી હસીને બેવડ વળી જાય. તેના પર હુમલો થાય ત્યારે તે અચાનક ઝેરીલા વાઈપર સાપ જેવું કદ ધારણ કરી લે છે અને ખોટું ખોટું ડંસ મારવાનું નાટક પણ કરે છે. પરંતુ આમ તો કેમ સાપ જેવુ દેખાવાય ? તો આ ઈયળના શરીર પર થોડા રંગો અને નિશાનો છુપાયેલા હોય છે. તે જ્યારે ડરમાં પોતાનું શરીર ફુલાવે છે ત્યારે તેના પગ તે છુપાવી દે છે અને શરીરની ચરબીની સળોમાં છુપાયેલા પીળા રંગ અને શરીર પર રહેલા નિશાન એવી રીતે ગોઠવાઈ જાય છે જેથી જોનારને લાગે કે અરે, આ તો ઝેરીલો વાઈપર છે… આને વતાવવા જેવો નથી હો ! અને મજાની વાત તો એ છે કે તેના મોઢા તરફના ભાગે એક એવી ડિઝાઈન છે જે તે ફુલીને ફાળકો થાય ત્યારે વાઈપરના મોં પર હોય એવી આંખો જેવી લાગે છે. આ નાનકડા ઇયળિયાને જોઈને આપણને પ્રાથમિક શાળામાં બાખડેલાં બાળકો યાદ આવી જાય. જરા યાદ કરો જ્યારે બાળકો ઝગડે ત્યારે બન્નેમાંનું જે બાળક ડરપોક હોય તે પોતાની છાતી ફૂલાવીને, બે હાથ પાછળ તરફ ખેંચીને પોતે મોટો, જોરદાર અને માથાભારે છે એવું દેખાડશે. બરોબર એ જ રીતે આપણા હોક મોથનું બાળ સ્વરૂપ પોતે ઝેરી છે એવો દેખાડો કરીને પોતાનું જીવન બચાવી લે છે. આપણે જાણતા નથી, અથવા આપણને જાણવાની પડીએ નથી, પરંતુ માનવ વર્તનના અનેક રહસ્યો પ્રાણી જગતના વ્યવહાર જગતમાં છુપાયેલા પડ્યા છે, પરંતુ એનું એક કારણ એ પણ છે કે હોમો સેપિયન્સમાંથી ઉત્ક્રાંતિ કરીને આપણે માનવજાત પોતાને પૃથ્વી પર વિચરતા સર્વે જીવસૃષ્ટિના કર્તા-હર્તા અને સમાહર્તા સમજવા માંડ્યા છીએ. અને તેથી કરીને જ આપણી આસપાસની સૃષ્ટિની આવી અજાયબીઓ જોઈને આપણી અંદરનું બાળક જાગતું નથી…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button