નાશિક જિલ્લામાં કાંદાની લિલામી શરૂ થવાના સંકેત
મુંબઈ: કાંદાના વેપારીઓની હડતાળને કારણે ઊભી થયેલી કાંદાની સમસ્યા દૂર થવાના ચિહ્નો સોમવારે જોવા મળ્યા હતા. લાસલગાંવ બજાર સમિતિ હેઠળ આવતા વિંચુર પછી નિફાડની પેટા બજારમાં પણ સોમવારે લિલામની શરૂઆત થઈ ગઈ હતી. બપોરે વેપારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે થયેલી બેઠક બાદ આગામી એક-બે દિવસમાં નાશિક જિલ્લાની બધી જ એપીએમસીમાં લિલામ ચાલુ થઈ જશે એવો દાવો જિલ્લા ડેપ્યુટી રજિસ્ટ્રાર ફયાઝ મુલાણીએ કર્યો હતો.
જિલ્લાની 15 બજાર સમિતિમાં એક હજારથી વધુ વેપારીઓ લિલામથી દૂર થયા હોવાથી 20 સપ્ટેમ્બરથી કાંદાનું લિલામ સંપૂર્ણ બંધ પડ્યું હતું. માગણીઓ સ્વીકારવામાં આવતી ન હોવાથી વેપારીઓ પાછી પાની કરવા તૈયાર નહોતા, જેને કારણે રોજના એક લાખ ક્વિન્ટલ કાંદાનું લિલામ અટકી પડ્યું હતું.
કાંદાના વેપારીઓના આંદોલનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કામચલાઉ પરવાના આપીને અન્ય જિલ્લાના વેપારીઓને લિલામમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો અને તેને પગલે પહેલાં વિંચુર અને હવે નિફાડમાં વેપારીઓને ઉતારવામાં આવ્યા હતા. વિંચુરમાં ચાર દિવસમાં 80,000 ક્વિન્ટલ કાંદાનું લિલામ સરેરાશ રૂ. 2100ના દરે કરવામાં આવ્યું હતું. નિફાડની માર્કેટમાં 1800 ક્વિન્ટલ કાંદાનું વેચાણ સરેરાશ રૂ. 2000ના દરે થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગુરુવારથી લાસલગાંવ એપીએમસીમાં કાંદાનું લિલામ પુર્વવત્ થઈ જશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.