તબેલા માલિકોનું આરે કોલોનીમાં પુનર્વસન કરવું કે નહીં તેનો નિર્ણય ડેરી કમિશનરનો : સુધરાઈનો પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને તબેલા મુક્ત કરવાની યોજના સામે તબેલાના માલિકાઓ તેમને મુંબઈ બહાર મોકલવાથી તેમના ધંધાને ફટકો પડવાની શક્યતા હોવાથી તેમનું પુનર્વસન મુંબઈમાં જ કરવાની માગણી કરી કરી છે. મુંબઈ મિલ્ક પ્રોડયુસર વેલફેર અસોસિએશને દૂધ ઉત્પાદકોને વ્યવસાયને થનારા નુકસાન બાબતે ચિંતા વ્યક્ત કર્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ડેરી કમિશનરને લખીને કહ્યું છે કે આરે કોલોનીમાં દૂધ ઉત્પાદકોનું પુનર્વસન કરવું કે નહીં તે નક્કી કરવાની સત્તા ડેરી કમિશનરની છે.
મુંબઈ મિલ્ક પ્રોડયુસર વેલફેર અસોસિએશને સુધરાઈને એક પત્ર લખ્યો હતો કે તેમનું પાલઘરના દાપચારીમાં સ્થળાંતર કરવાથી તેમના વ્યવસાયને મોટો ફટકો પડી શકે છે. મુંબઈની હદમાં હાલ માંડ ૧૦,૦૦૦ની આસપાસ પશુઓ બચ્યા છે. તેમને આરે કોલોનીમાં રાખી શકાય છે. મહારાષ્ટ્ર સરકારે આરે કોલોનીને પ્રતિબંધિત વિસ્તારમાંથી બાકાત રાખ્યો છે, તેથી પશુઓનું આરે કોલોનીમાં સ્થળાંતર કરી શકાય છે.
મુંબઈ મહાનગપાલિકાએ મુંબઈ શહેરને ‘તબેલા મુક્ત’ બનાવવા માટે મુંબઈના ૨૬૪ તબેલાઓને નોટિસ આપવાની યોજના બનાવી છે.
સુધરાઈની યોજના મુજબ જો તબેલાઓને પાલઘરમાં ખસેડવામાં આવે છે, તો ભેંસના દૂધનો વ્યવસાય કરનારા ડેરીના માલિકોને તેમની દુકાન બંધ કરવાની ફરજ પડશે અને તેમનો વ્યવસાય ભાંગી પડશે એવો ડર તેમને સતાવી રહ્યો છે. ગયા મહિને ૨૬ ઑગસ્ટના મુંબઈ મિલ્ક પ્રોડયુસર વેલફેર અસોસિએશને સુધરાઈને પત્ર લખીને જણાવ્યું હતું કે મુંબઈથી ત્રણ કલાક દૂર દાપચારી જો તબેલાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું તો તેમના દૂધની તાજગી જાળવી રાખવું મુશ્કેશ થઈ પડશે. આટલા દૂરથી દરરોજ મુંબઈ સુધી દૂધને લાવવું પણ મુશ્કેલ થઈ પડશે.
પત્ર વ્યવહાર અને ઉપરાઉપરી બેઠક બાદ હવે સુધરાઈએ ડેરી કમિશનરે પત્ર લખ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે મુંબઈ મિલ્ક પ્રોડયુસર વેલફેર અસોસિએશને આરે કોલોનીમાં તેમનું પુનર્વસન કરવાની વિનંતી કરી છે અને તેના પર વિચાર કરવો અને નિર્ણય લેવાનો અધિકાર ડેરી વિભાગનો છે. તેથી તેમની વિનંતી પર યોગ્ય કાર્યવાહી કરવી.