વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

અંતિમ ઉદ્ગારોનું વિશ્ર્વ કેવું અનોખું છે…

ધરતી પરથી વિદાય લેતી વખતે કોઈ અજાણી કે પછી કોઈ જાણીતી વ્યક્તિના અંતિમ શબ્દોનું પૃથક્કરણ જીવન-મૃત્યુના મર્મ સમજાવી જાય ખરું?

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

આ વખતે કોલમની શરૂઆત એક અંગત વાતથી કરું છું. મારા એક બહુ જ નજીકના મિત્ર કહી શકાય એવી એક વ્યક્તિની વાત છે. અમે નાનપણના ‘ચડ્ડી બડી’ કહી શકાય એવા મિત્ર નહીં, પણ મારાથી એ પાંચેક વર્ષ મોટા અને મારી તરુણવયે એમની સાથે ઓળખાણ થઈ,પણ પછીના પાંચેક દાયકા સુધી એક નજીકના મિત્ર તરીકે જ રહ્યા. મારી જેમ એ મૂળ કોલકાતાના. પરિવારથી અલગ રહીને વર્ષોથી પોતાનો અચ્છો એવો વ્યવસાય કરે અને એકાકી જીવન ગાળે. શ્રી શ્રી રવિશંકરના નજીકના શિષ્ય. ‘આર્ટ ઓફ લિવિંગ’ના એ શિક્ષક. કોવિડ પછી અસાધ્ય કેન્સરનું નિદાન થયું. ભાઈઓનો પરિવાર હૈદરાબાદ રહે. વધુ સુશ્રેવા માટે એમને ત્યાં લઈ જ્વામાં આવ્યાં. એમની તબિયત ઝડપથી લથડતી જતી હતી. એકાએક એમને રૂબરૂ મળવાની મને તીવ્ર ઈચ્છા થઈ. હું હૈદરાબાદ પહોંચી ગયો. સખત અશક્તિને લીધે અવાજ ન સમજાય એવો ક્ષીણ થઈ ગયો હતો. મને અચાનક આવેલો જોઈને એ રાજી થયા.આંખોમાં સ્પષ્ટ વાંચી શકાય એવો રાજીપો ડોકાયો-ચહેરા પર ખુશાલી પ્રગટી. ત્રણ દિવસ સતત સાથે ગાળ્યા. હું બોલું-એ સજાગપણે સાંભળે. ક્યારેક હાથના ઈશારે તો ક્યારેક હોઠ ફ્ફડાવી જ્વાબ આપે. છૂટ્ટા પડવાની વેળા આવી. અમારા બધાના આશ્ર્ચર્ય વચ્ચે એ સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા: ‘આ રીતે અચાનક આવીને મળવા માટે થેંક્સ… ફરી મળીશું..દોસ્ત!’ ચારેક દિવસ પછી એમનાં શ્ર્વાસ ખૂટયાં.

એમનાં દેહાવસાન પછી અમારી એ મુલાકાતના એમના શબ્દો હજુ ગૂંજે છે: ‘ફરી મળીશું..દોસ્ત!’. હકીકતમાં એ વખતે અમે બન્ને જાણતા હતા કે આ જ કદાચ અમારી છેલ્લી મુલાકાત છે, છતાં એ મિત્રએ દ્રઢતાથી વ્યકત કરેલી એમની ઈચ્છા: ‘ફરી મળીશું..દોસ્ત!’ શું સૂચવી જાય છે? મારી જેમ અનેકનાં મનમાં આ જ પ્રશ્ર્ન ઘુમરાતો હશે ખાસ કરીને આપણી નજીકની વ્યક્તિ વિદાય લે ત્યારે આપણી સાથેની એની છેલ્લી મુલાકાતના શબ્દો એક યા બીજી રીતે સૂચક બની જતા હોય છે. બીજી તરફ, આપણા મિત્ર કે પછી મિત્ર ન હોય, છતાં આપણે જેમને નજીકથી ઓળખતા હોઈએ એવી વ્યક્તિ જયારે આ ધરતી પરથી વિદાય લે એ વખતે એની આખરી ઈચ્છા શું હતી-અંતિમ શબ્દો શું હતા એ જાણવાની જિજ્ઞાસા બધાને રહે એ સહજ છે. જ્ઞાનીઓ કહે છે કે અંતિમ પળ વખતે એક ફલેશ-એક ઝબકારામાં આપણું આખું જીવન એક ફિલ્મ પટ્ટીનાં દ્રશ્યોની જેમ પસાર થઈ જાય છે.અગત્યની ઘટના ‘ઍકશન રિ-પ્લે’-ની જેમ પલકવારમાં તાદ્રશ્ય થાય..માણસના છેલ્લાં શ્ર્વાસ હજુ ચાલતા હોય ત્યારે એને પણ ખ્યાલ જાય કે હવે વિદાયની ઘડી આવી પહોંચી છે ત્યારે લગભગ પૂરતી સભાનતા સાથે જે કંઈ બોલે એ જ એના છેલ્લા શબ્દ બની જતા હોય છે.

થોડાં વર્ષ પૂર્વે મુંબઈના જાણીતા સાહિત્યરસિક એવા અવિનાશ પારેખે કળા-સાહિત્ય, ઈત્યાદિમાં રસ ધરાવતા શ્રોતાઓ માટે ‘કોફી મેટ્સ’ નામે એક ગ્રુપ શરૂ કર્યું હતું. અહીં એમણે એક સાવ નોખો-અનોખો પ્રયોગ પણ કર્યો હતો. અહીં વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓ આવે અને ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન…’ એ શીર્ષક હેઠળ પોતાની વાત રજૂ કરે,જેમાં એ પોતાની સફળતા-નિષ્ફળતાથી લઈને ઈચ્છા- અપેક્ષા-ઉપેક્ષાની નિખાલસ રજૂઆત કરે. આ વિશેષ પ્રવચનશ્રેણીનો સદગત ગાંધીવાદી નારાયણ દેસાઈથી પ્રારંભ કરીને રામકથાકાર મોરારિબાપુ સાથે એની પૂર્ણાહૂતિ થઈ ત્યારે એમાં ૨૫ જેટલાં વિખ્યાત વિચારવંત વક્તાએ પોતાના જીવનનું પૂર્ણવિરામ નહીં,પણ અલ્પવિરામ જેવી ઈચ્છાઓ વ્યકત કરી હતી. કેટલાકના અંતિમ શબ્દમાં પોતાની અધૂરી રહી ગયેલી અપેક્ષા કે અમુક કાર્ય ન કરી શક્યો એનો અફસોસ પણ સ્પષ્ટ તરવરતો દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે, ગાંધીબાપુના અંતિમ ઉદ્ગાર: ‘હે રામ..!’ તો વિશ્ર્વવિખ્યાત છે.

એક હિંદુએ પોતાના પર ગોળી ચલાવી એ જોઈને બાપુ અવાક થયા કે પછી પોતાનાં કાર્ય અધૂરાં રહી ગયાંનો અફસોસ થયો એ વ્યકત કરવા બાપુ ‘હે રામ ..’ બોલ્યા હશે? આપણે નથી જાણતા..! આ જ રીતે, કેટલીક વિખ્યાત વિભૂતિઓનાં અંતિમ ઉદ્ગાર-કથન શું હતા અને કેવા સંજોગોમાં એ બોલાયા તે અહીં ઝડપથી જાણી લઈએ. ઉદાહરણ તરીકે… ફ્રાન્સના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટ વિશ્ર્વવિજેતા તો બન્યો, પણ છેલ્લી ક્ષણે જાણે એને સમજાયું હોય કે આ રાજપાટ બધું અહીં છોડીને જ જવાનું છે ત્યારે આંખો મીંચતા પહેલાં એણે ત્રૂટક ત્રૂટક માત્ર એટલું જ કહેલું: ‘મારો દેશ મારું સૈન્ય..મારા ભગવાન!’ એજ રીતે કેવળજ્ઞાન સાથે નિર્વાણ પામી રહેલા ભગવાન બુદ્ધને એમના શિષ્યોએ અંતિમ આદેશ અને ઉપદેશ આપવા કહ્યું ત્યારે ગૌતમ બુદ્ધએ માત્ર એટલું જ કહ્યું હતું: ‘ઈચ્છા એક જાતનું અજ્ઞાન છે… ઈચ્છા જ બધાં દુ:ખ-પાપનું મૂળ છે.

એને દૂર રાખો તો જીવન-મૃત્યુ બન્ને મંગળમય બનશે…’ જાણીતા હાસ્યકાર તારક મહેતા અને વિનોદ ભટ્ટ – બન્નેના પ્રિય લેખક હતા અમેરિકન લેખક સેમ્યુલ ક્લિમેન્સ, જે ‘માર્ક ટ્વેન’ના ઉપનામે લખતા. જે સાંજે માર્ક ટ્વેનનું અવસાન થયું એ પહેલાં બપોરની ઊંધ લઈને ઊઠ્યા.ફ્રેશ થયા પછી પોતાની પુત્રી સાથે વાત કરતાં કરતાં શ્ર્વાસ ચઢ્યો એટલે એક કાગળ પર પેન્સિલથી લખ્યું: મારા ચશ્માં લાવ..મારે કઈંક લખીને કહેવું છે…’ અને એ લખેલાં શબ્દ એમનાં છેલ્લાં બની રહ્યા.. -તો ગુરુત્વાકર્ષણના શોધક-વિજ્ઞાની સર આઈઝેક ન્યૂટનની અંતિમ વાત એક કવિ જેવી હતી.

એ કહે: ‘હું તો જ્ઞાનના ઘૂઘવાતાં વિશાળ સમુદ્ર કિનારે નાના બાળક્ની જેમ રૂપકડાં છીપલાં શોધું છું..!’ આ બધા વચ્ચે બોલીવૂડના સર્વપ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની વિદાય એમના જીવન જેવી જ નાટ્યાત્મક હતી. ‘કાકા’ની લથડ્તી તબિયત વખતે અમિતાભજી એમને જોવા ગયા ત્યારે રાજેશ ખન્નાએ એમના ચિરપરિચિત રોમેન્ટિક સ્ટાઈલમાં, પણ લથડતાં સ્વરે કહેલું: ‘બાબુમોશય, અબ અપન કા પેકઅપ ટાઈમ હો ગયા..!’ -અને થોડા કલાકમાં જ એમણે ખરેખર જિંદગીનું આખરી પેકઅપ કરી લીધું..! અંતિમ અવસ્થા વેળાએ આવા ઉદ્ગારોના ઉદાહરણો તો ઘણા છે, જેમકે પ્રખર સામ્યવાદી કાર્લ માર્ક્સને તો જાણે પોતાની અંતિમ વિદાય પહેલાં જ જાણે સ્વર્ગની ઝલક મળી ગઈ હોય તેમ એના આખરી શબ્દો હતા: યાર, ઉપર (સ્વર્ગમાં) તો કેવું બધું મજાનું છે..! કયારેક કેટલાકને પોતાનાં અધૂરાં રહી ગયેલાં કાર્યોનો વસવસો હોય છે.

વિશ્ર્વપ્રવાસી તરીકે જાણીતા માર્કો પોલોએ અંતિમ વાર આંખો મીંચી લેતા પહેલા અફસોસભર્યા અવાજે કહ્યું હતું: ‘હું આ જગતમાં શું શું શીખ્યો- કેટકેટલું જોયું એમાંથી તો અરધી વાત તો મેં હજુ કરી જ નથી..!’ આ બધા વચ્ચે, કયારેક દેહ અચાનક છોડવો પડે ત્યારે કેટલાક લોકો કશું બોલી નથી શક્તા, પણ અચાનક આવનારા મોતના થોડા કલાક પહેલાં કે એક-બે દિવસ પહેલાં કહેલી વાત એમની આખરી વિદાયનો અણસાર આપી જતી હોય છે. ઉદાહરણ તરીકે, ડલ્લાસ (ટેકસાસ) શહેરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીનો કાર કાફલો નીકળવાની તૈયારીમાં હતો ત્યારે કારમાં ગોઠવાતી વખતે કેનેડીએ પત્ની જેકલિનને કહ્યું: ‘અહીંની ઊંચી ઈમારતો પરથી મોટરકેડ પર ફાયર કરીને પ્રેસિડેન્ટની હત્યા સરળતાથી થઈ શકે..’ એકાદ કલાકમાં જ આ શબ્દો ખરા પડ્યા. કેનેડીને બરાબર આ જ રીતે વીંધી નાખવામાં આવ્યા…! (સંપૂર્ણ)

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…