10 હજારની લાંચમાં મોઢું નાખેલા ગાંધીધામ પાણી પૂરવઠા બોર્ડના કર્મીને 3 વર્ષની કેદ
![Gandhidham water supply board worker jailed for 3 years in bribery case](/wp-content/uploads/2024/09/gandhidham-court.webp)
ભુજ: ચૌદ વર્ષ જુના લાંચના એક કેસમાં કસૂરવાર એવા ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વર્ક આસિસ્ટન્ટ એવા કિશન આત્મારામ ટહેલિયાણીને ગાંધીધામની સ્પેશિયલ એન્ટી કરપ્શન કૉર્ટે દોષી ઠેરવીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા સાથે ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસનો ફરિયાદી કમલ કિશોર એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ગાંધીધામ બસ સ્ટેન્ડ ખાતે બનાવાયેલા સુલભ શૌચાલયનું સંચાલન કરતો હતો. શૌચાલયને પાણી પૂરું પાડવા પાણી પુરવઠા બોર્ડે જે નળ જોડાણ આપ્યું હતું તેનું માસિક બિલ વધુ પડતું આવતું હતું. જેથી ફરિયાદી શૌચાલયમાં વપરાતા પાણીનું રીડીંગ લઈને બિલ બનાવવા પાણી પુરવઠા બોર્ડને આપતો હતો. કચેરીના વર્ક આસિસ્ટન્ટ કિશન ટહેલિયાણીએ ફરિયાદીને વધુ પડતું બિલ નહીં બનાવવા અને શૌચાલયનું નળ જોડાણ કટ નહીં કરવાનું જણાવી તેની અવેજમાં ૧૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
કમલ કિશોરની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવીને ગત ૧૧-૦૩-૨૦૧૦ના રોજ કિશનને લાંચ લેતાં રંગેહાથ દબોચી લીધો હતો.
આ કેસમાં આજે સ્પેશિયલ એસીબી કૉર્ટના જજ એ.એમ. મેમણે કિશનને દોષી ઠેરવી પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ ૭ તથા ૧૩ (૧) (ઘ) અને ૧૩ (૨) હેઠળ ૩-૩ વર્ષની સખ્ત કેદની સજા અને ૫-૫ હજારનો દંડ ફટકાર્યો છે. કેસમાં એસીબી વતી સરકારી વકીલ એસ.જી. રાણાએ હાજર રહીને સંપૂર્ણ ટ્રાયલ ચલાવી હતી.