ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોનું સાત મહિનાના તળિયે
લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાના ભાવ અંદાજે એક ટકાના ઘટાડા સાથે સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ડૉલરની મજબૂતીથી સોનામાં સલામતી માટેની માગનો પણ અભાવ રહે છે. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજાર ગાંધી જયંતી નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.9 ટકાના ઘટાડા સાથે ગત 10 માર્ચ પછીની સૌથી નીચી આૈંસદીઠ 1831.81 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ એક ટકાના ઘટાડા સાથે 1847.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ પણ 2.7 ટકાના ગાબડાં સાથે છ મહિના કરતાં પણ વધુ સમયગાળાની નીચી આૈંસદીઠ 21.56 ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે ડૉલર ઈન્ડેક્સ 0.1 ટકાના સુધારા સાથે 10 મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની પડતરો વધતાં રોકાણલક્ષી માગ તળિયે બેસી ગઈ હતી. તાજેતરમાં સોનાના ભાવમાં ઑલ ફૉલ ડાઉન જોવા મળવાનું મુખ્ય કારણ ફેડરલ રિઝર્વે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાના આપેલા સંકેતો હોવાનું કિનેસિસ મનીનાં માર્કેટ એનાલિસ્ટ કાર્લો અલ્બર્ટો ડૅ કાસાએ જણાવતાં ઉમેર્યું હતું કે મારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ દબાણ હેઠળ જ રહેશે અને વૈશ્વિક ભાવ ઘટીને આૈંસદીઠ 1800 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત મે મહિનાના આરંભમાં એક તબક્કે સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2000 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનામાં સલામતી માટેની માગ નબળી પડતાં આ ઊંચી સપાટીએથી અત્યાર સુધીમાં ભાવમાં 11 ટકાનો અથવા તો આૈંસદીઠ 230 ડૉલરનો કડાકો બોલાઈ ગયો છે. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજના અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્ત્વ્ય પર સ્થિર થઈ હતી.