તરોતાઝા

સ્નાયુ શૈથિલ્ય (માયેસ્થેનિયા ગ્રેવીસ)

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’

આયુર્વેદની આધારશીલા ત્રિદોષ સિદ્ધાંત ઉપર રચાયેલી છે.

રોગસ્તુ દોષ વૈષમ્યમ્, દોષ સામ્યમ્‌‍ અરોગતા.

અર્થાત રોગ એટલે વાત, પિત્ત અને કફમાં થતી વિકૃતિ.

વાત એટલે વાયુ. વાયુનું કાર્ય શરીરની સમતુલા જાળવવાનું છે. એટલે શરીરની પ્રત્યેક હલનચલનની ક્રિયા વાયુને આધીન છે. `ગતિ’ એ તેની મહત્ત્વની કામગીરી છે. આ ગતિ વધે કે ઘટે ત્યારે જે તે સ્થાનમાં દોષનો સંચય હોય તે વધ-ઘટ થાય ત્યારે તે સ્થાનમાં રોગ ઉદ્ભવે છે. વાયુના જુદા જુદા પ્રકાર અને સ્થાનોનો નિર્દેશ આચાર્યોએ કરેલો છે. વાતવહ સ્રોતોનાં ક્ષયથી વાતવહમાર્ગ ક્ષીણ થાય છે અને તેનાંથી વાયુનાં કાર્યો ક્ષીણ થાય છે એટલે કે સંજ્ઞા, ચેષ્ટા વગેરે ઓછાં થઈ જાય છે. વાયુનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે કે વાયુ સિવાયનાં બીજા ઘટકો જેમ કે પિત્ત, કફ, મળ, ધાતુઓ વગેરે બધાં જ પાંગળા છે. તેને વાયુ જ્યાં દોરે છે, લઈ જાય છે ત્યાં જાય છે.
આધુનિક વિજ્ઞાન જેને નર્વસ સિસ્ટમ કહે છે તે નાડીતંત્ર પર વાયુનું આધિપત્ય છે. વાયુની ક્ષીણતામાં શરીરનું નાડીતંત્ર પણ ક્ષીણ બને છે. જેથી સેન્સર અને મોટર નર્વ્સની કાર્યવાહી તો બગડે જ છે પણ સાથે સાથે લોહીની પરિભ્રમણની ક્રિયામાં પણ શિથિલતા આવે છે.આથી, નસ, સ્નાયુ અને માંસપેશીઓને મળતાં લોહીનાં પુરવઠામાં પણ ઘટાડો થાય છે. જેનાંથી નાડીઓ, સ્નાયુ અને માંસપેશીઓની કાર્યક્ષમતા વધુ નબળી થાય છે. આ ઘટેલી કાર્યક્ષમતા જ્યારે અતિશય શક્તિવિહીન બને છે ત્યારે આંખનાં પોપચાં ઉઘાડબીડ થવામાં અવરોધ પેદા કરે છે. જેથી પોપચાઓ બિડાયેલાં રહે છે. કંઠનાં સ્નાયુઓ પર અસર થવાથી ગળામાં પાણી કે રાંધેલા ખોરાકનો કોળિયો પણ ઊતરતો નથી અને રોગી અનહદ શારીરિક ત્રાસ અને માનસિક હતાશા અનુભવે છે.

આ રોગને અંગ્રેજી વૈદ્યક માયેસ્થેનિયા ગ્રેવીસ કહે છે. આ રોગ શરૂઆતથી જ ચિકિત્સા જગતમાં ચિંતાપ્રદ રહ્યો છે. કોઈ રામબાણ ઉપચાર મળતો નથી અને જે અસરકારક ઉપચાર છે તે કાં તો જનસામાન્યને પરવડે તેવાં નથી ને કાં તો લાંબો સમય ચાલુ રાખતાં આડઅસરવાળાં છે.

આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે સ્ટિગમીન, સ્ટીરોઈડ્સ, ઇમ્યુનોસપ્રેસન્ટ જેવાં ઔષધોથી લઈને પ્લાસમાં ચડાવવું અને થાયમેકટોમી જેવાં સર્જિકલ ઉપાયો છે ત્યારે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં વર્ણવેલ સાદા અને સરળ ઉપચારથી પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે.

આ રોગમાં સ્નાયુ અને નાડીના સ્પર્શ કેન્દ્ર અને સંદેશાવહનનાં કાર્યમાં અવરોધ આવવાથી સ્નાયુની અવાસ્તવિક શિથિલતા થાય છે એટલે કે સામાન્ય રોજિંદા કાર્યથી પણ ચેતાઓ, સ્નાયુઓ અને માંસપેશીઓ થાકી જાય છે અને શિથિલ થઈ જાય છે. થોડો આરામ મળવાથી એમનું તંત્ર પાછું વ્યસ્થિત થઈ જાય છે. એટલે લક્ષણો મટી જાય છે. આ લક્ષણો વારંવાર થાય છે અને મટે છે. રોગનાં એડવાન્સ સ્ટેજમાં કેટલીક વાર સ્નાયુઓમાં કાયમી શિથિલતા આવી શકે છે.

સૌ પહેલાં આંખનાં બહારનાં સ્નાયુઓમાં અસર થાય છે તે પછી અંદરના સ્નાયુમાં અસર થાય છે. પગ અને પેટનાં સ્નાયુઓમાં લગભગ નહીંવત્‌‍ અસર થાય છે.

આંખના સ્નાયુઓમાં શિથિલતા આવવાથી ટોસીસ (આંખનું પોપચું બિડાયેલું રહેવું ), ત્રાંસી આંખ (સ્ક્વિન્ટ), ડબલ દેખાવું (ડિપ્લોપિયા), આંખનો ડોળો બહાર ઊપસેલો દેખાવો (ઓફથેલમોસ એક્સ્ટર્ના) થઈ શકે છે. કીકી અને તેનું હલનચલન મોટેભાગે બરાબર
રહે છે.

આંખની સાથે સાથે ઘણીવાર ચહેરા પરના સ્નાયુમાં પણ શિથિલતા આવે છે. ચહેરાનાં સ્નાયુની શિથિલતાને કારણે મોઢું હસતું હોય તેમ લાગે છે. જેને માયેસ્થેનિયા સ્માઈલ કહે છે. અસર વધતાં ઘણીવાર મોઢા પરનાં હાવ-ભાવ દેખાતાં નથી. આથી ચહેરો સપાટ ને લાગણીશૂન્ય લાગે છે. જેને અંગ્રેજીમાં માયેસથેનિયા ફેઈસ કહે છે.

બલ્બર સ્નાયુમાં અસર થવાથી થોડું ખાધાં પછી ચાવવાની તકલીફ પડે છે અને તે ધીમે ધીમે વધતી જાય છે. ઘણીવાર પ્રવાહી લેતાં તે નાકમાંથી બહાર નીકળે છે. આખા દિવસ પછી સ્નાયુ વધુ શિથિલ થતાં સંધ્યાકાળ સમયે અવાજ ધીમો અને ગુંગણો થાય છે.

આંખ, ચહેરો અને ગળાથી આગળ વધેલાં રોગમાં ઘણીવાર કપડાં તાર ઉપર ભરાવતાં ખભાના સ્નાયુની શિથિલતા કે નબળાઈ જણાઈ આવે છે.

આમ, ચેતાતંત્ર પર હુમલો કરતો આ રોગ શરૂઆતનાં તબક્કામાં જ જો પીછાણીને યોગ્ય વૈદ્ય પાસે સારવાર લેવામાં આવે તો વાયુની ચિકિત્સા દ્વારા નાડીઓ, સ્નાયુઓ અને માંસપેશીઓની યોગ્ય કાર્યક્ષમતા ઘણાં લાંબા સમય સુધી જાળવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button