ભાજપના ‘ગઢની રાંગ’ પરથી જૂનાગઢમાં ખરે છે કાંગરા: નવી સનસનાટી

જુનાગઢ: જુનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર પેથલજી ચાવડા હવે ફરી ચર્ચામાં છે. આ પહેલા પોરબંદરથી મનસુખ માંડવિયાની સાંસદ તરીકેની જીત બાદ તેની સામે જવાહર ચાવડાએ બાંયો ચડાવી હતી. જ્યારે હવે આ જુનાગઢમાં ભાજપના કાર્યાલયના જમીન વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રને લઈને ફરી ચર્ચામાં છે. તેમણે હવે જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે.
જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાની હૈયાવરાળ ઠાલવી છે. તેમણે પત્રમાં કિરીટ પટેલના બે હોદાને લઈને પણ પ્રશ્નો કર્યા છે અને આરોપ કર્યો છે કે છેલ્લા નવ વર્ષથી એક જ હોદ્દા પર અને સ્થાન પર રહી દુરુપયોગ કરે છે. આ અગાઉ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પ્રહારો સામે આવ્યા હતા. તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ થયા હતા. દિનેશ ખટારીયાએ જણાવ્યું છે કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમાં કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે.
કિરીટ પટેલ સામે જુનાગઢ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખના આરોપ:
જુનાગઢ જિલ્લા ભાજપમાં ઉકળી રહેલા વિવાદના આંધણમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ભાજપ નેતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આક્ષેપ લગાવ્યાં બાદ હવે આ વિવાદમાં જુનાગઢ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કડવાભાઈ દોમડિયાએ પણ ઝંપલાવ્યું છે. તેમણે જાહેર કરેલા વિડીયોમાં કડવાભાઈ કહી રહ્યાં છે કે કિરીટ પટેલે જુનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી છે અને સિનિયર કાર્યકર્તાઓને દફનાવ્યા છે. કિરીટ પટેલે બેંક અને યાર્ડની ભરતીમાં એક ઉમેદવાર દીઠ 20-20 લાખ રૂપિયા લઈને 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે.
કિરીટ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપોના જવાબ આપ્યા:
ભાજપનું કાર્યાલય સરકારના નીતિનિયમો મુજબ જ બંધાયું છે, કાર્યાલયના બાંધકામમાં કાયદાની મર્યાદાનો ભંગ કરવામાં નથી આવ્યો. પાર્ટીનું આ કાર્યાલય એ ભાજપની સંપતિ છે મારી કોઇ વ્યક્તિગત માલિકી નથી. તેના બે બે હોદાને લઇને ઉઠેલા સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે કયા કાર્યકર્તાને કેટલા હોદા આપવા તે પક્ષ નક્કી કરે છે. અમે ચૂંટણીઓ જીતીએ છીએ તે અમારી તાકાત છે. તેણે બેંક અને યાર્ડના નાણાકીય હિસાબો માધ્યમોને જણાવ્યા હતા.
દિનેશ ખટારીયાએ આપ્યો પ્રહારોનો જવાબ:
જો જવાહર ચાવડાએ દિનેશ ખટારીયા પર કરેલા પ્રહારોનો જવાબ આપતા કહ્યું, ‘જવાહર ચાવડા વર્ષોથી આક્ષેપબાજી કરવા ટેવાયેલા છે. ભાજપમાં પોતાને મળતીયાને સાચવી ન શક્યા તે માટે હવે ભાજપનો વિરોધ કરે છે. જવાહર ચાવડા પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં આવ્યા છે. દિનેશ ખટારીયાએ આરોપ કરતાં કહ્યું હતું કે જ્યારે મંત્રી હતા, સરકારમાં હતા ત્યારે કેમ ધ્યાનમાં ન આવ્યું. મારુ નામ માત્ર એટલા માટે જ લેવામાં આવે છે કારણ કે અમારું કામ વાવેલું છે એટલે જીતીએ છીએ. જવાહર ચાવડા ચૂંટણી લડીને જીતી બતાવે.