તરોતાઝા

પાતરાંના પાનમાં છુપાયેલાં છે બિમારીથી લડવાના અનેક ગુણો

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ચોમાસું શરૂ થાય તેની સાથે ઠેર ઠેર લીલોતરી જોવા મળે. સામાન્ય રીતે નિયમિત ખવાતી ભાજીનો ઉપયોગ ચોમાસામાં ટાળવામાં આવતો હોય છે. પરંતું એવી કેટલીક ભાજી તથા પાનનો ઉપયોગ ખાસ ચોમાસામાં કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ મેળવી શકાય છે. આજે આપણે વાત કરીશું હૃદય આકારના પાન જેને `પાતરાના કે અળવીના પાન’ તરીકે ઓળખવામાં આવે છે. પાતરાંના પાન વિશે એવું કહેવાય છે કે તેનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરને સુરક્ષા કવચ મળે છે. તેનું મુખ્ય કારણ છે પાનમાં ભરપૂર પ્રમાણમાં સમાયેલાં ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો. જે શરીરને હાનિ કરતાં રેડિકલ્સની સામે લડવામાં મદદ કરે છે. વળી પાતરાંના પાનમાં સારી માત્રામાં વિટામિન્સ સમાયેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી બને છે. આ પાનની ખાસ વાત એટલે કે તેની નસને કાપવી આવશ્યક છે. અન્યથા હાથ તથા મોંમાં ખંજવાળ પેદા કરે છે.

આંખોના સ્વાસ્થ્ય માટે ગુણકારી
પાતરાંના પાન ખાવાથી આંખના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. તેનું મુખ્ય કારણ છે પાનમાં સમાયેલું બીટા કેરોટિન તથા વિટામિન એના ગુણો.

ત્વચા ચમકદાર બને છે
અળવીના પાનના રસમાં વિટામિન એ, બીટા-કૈરોટિન તથા ક્રિપ્ટોક્સૈન્થિન નામક સત્ત્વ સમાયેલું છે. જે ત્વચાની ચમક તથા તેનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. 100 ગ્રામ પાનમાં વિટામિન સીનું પ્રમાણ 35.5 મિલીગ્રામ, કૅલ્શ્યિમની માત્રા 86 મિલી ગ્રામ, પ્રોટિનનું પ્રમાણ 2.72 ગ્રામની આસપાસ સમાયેલું જોવા મળે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી
સામાન્ય રીતે મોસમ પ્રમાણે શાકભાજીનો આહારમાં ઉપયોગ કરવાનું આહારતજજ્ઞો વારંવાર જણાવતા હોય છે. તાજા શાકભાજી હૃદયની તંદુરસ્તી માટે આવશ્યક ગણાય છે. લીલા શાકભાજીમાં પોષકગુણોનો ખજાનો સમાયેલો જોવા મળે છે. પાનમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોવાથી તેનો ઉપયોગ હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી ગણાય છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે નિયમિત લીલા શાકભાજીનો ઉપયોગ આહારમાં કરવાથી હૃદય સંબંધિત બિમારીથી છુટકારો મેળવી શકાય છે.

કૉલેસ્ટ્રોલને નિયંત્રીત કરવામાં ગુણકારી
પાતરાંના પાનનો ઉપયોગ કરવાથી કૉલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાથી બચાવમાં લાભકારક બને છે. પાનમાં કૉલેસ્ટ્રોલનું પ્રમાણ જરાપણ હોતું નથી. આથી પ્રાકૃત્તિક રીતે કૉલેસ્ટ્રોલને ઘટાડવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિએ અરબીના આહારમાં ઉપયોગ કરવો જોઈએ. પશુઓને પાતરાંના પાન આહારમાં આપ્યા બાદ તેમનાં સ્વાસ્થ્યમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યા હતા. એવું પણ શોધ દ્વારા જાણવા મળ્યું હતું કે પાતરાના પાનનું ચૂર્ણ ખાવાથી લિપિડ પ્રોફાઈલને સામાન્ય બનાવવામાં મદદ મળી હતી.

પાચનતંત્રને માટે લાભકારક
અળવીના પાનમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. ફાઈબરયુક્ત આહાર લેવાથી પાચનતંત્રની લાંબા સમયથી ચાલી આવતી તકલીફમાં લાભકારક બને છે. તેનું મુખ્ય કારણ ફાઈબર પાચનશક્તિને વધારવામાં મદદ કરે છે.

એનિમિયાની તકલીફમાં ગુણકારી
એનિમિયાની તકલીફ હોય ત્યારે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થવા લાગે છે. શરીરમાં આયર્નની માત્રા ઘટવાથી ધીમે ધીમે લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટવા લાગે છે. તેના ઉપાય તરીકે પાતરાના પાનનો ઉપયોગ ગુણકારી ગણાય છે. પાતરાના પાન આયર્નથી સમૃદ્ધ ગણાય છે. પ્રમાણભાન રાખીને પાનનો આહારમાં ઉપયોગ કરવાથી એનિમિયાની તકલીફમાં સુધારો જોવા મળે છે.

ગર્ભાવસ્થામાં લાભકારક
ગર્ભાવસ્થામાં અનેક વખત પેટમાં ચૂક આવવી કે ઊલટી જેવી તકલીફ થતી જોવા મળે છે. પ્રસવ દરમિયાન થતી તકલીફમાં પણ અળવીના પાનનો ઉપયોગ લાભકારક ગણાય છે, તેમ સંશોધન દ્વારા જાણવા મળે છે. આ સમયે પાનને ઉકાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. પાનમાં ફોલેટનું પ્રમાણ સારા પ્રમાણમાં સમાયેલું હોય છે. અનેક વખત એવું પણ જોવા મળ્યું છે કે ફોલેટની ઉણપને કારણે એનિમિયાની સમસ્યા થતી જોવા મળે છે. આથી અરબીના પાનનો ગર્ભાવસ્થામાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ બાદ ઉપયોગ કરવો જરૂરી છે.


પાતરાંના સ્વાસ્થ્ય વર્ધક ગુણ વિશે જાણી લઈએ

પાનનો ઉપયોગ કરતાં પહેલાં તેની સફાઈ યોગ્ય રીતે કરવી જરૂરી છે. જેથી ચોમાચાને કારણે પાન ઉપર ચોંટી ગયેલાં વિષેલાં જીવાણુંથી બચી શકાય. પાતરાંનો પાનનો ઉપયોગ આયુર્વેદિક ઔષધીના રૂપમાં વર્ષોથી થતો આવ્યો છે. પાનની નસ કાઢી લીધા બાદ જ તેનો વિવિધ રીતે ઉપયોગ કરવો હિતાવહ ગણાય છે. તેનું મુખ્ય કારણ અનેક વખત નસ રહેવા દેવાને લીધે ગળામાં ખંજવાળ ઉપડતી હોય છે. ચણાના લોટમાં પૂરતાં મસાલા કરીને પાન ઉપર લગાવીને બાફ્યા બાદ ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. પાનનો રસ પણ પ્રમાણભાન રાખીને પી શકાય છે. પાનની ચટણી બનાવીને ખાઈ શકાય છે. અડદના લોટમાં પાનને બારિક સમારીને ભેળવવાથી તેના ભજિયા બનાવી શકાય છે. પાનમાં ઝેરી સત્ત્વ સમાયેલાં જોવા મળે છે. તેથી પાનને પકાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે.
વિવિધ વિટામિન જેવા કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-6ની માત્રા સમાયેલી જોવા મળે છે. મૈંગેનિઝ, આયર્ન, કૉપર, પોટેશ્યિમ તથા કૅલ્શ્યિમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વળી પાતરાં કે અરબીના પાનમાં કુદરતી રીતે ફાઈબરની માત્રા સમાયેલી છે. પાનમાં સમાયેલું વિટામિન સી, કોલન કેન્સરના ખતરાથી શરીરને બચાવે છે.
પાતરાંના પાન બનાવવાની રીત
2 ઝૂડી પાન, 2 વાટકી ચણાનો લોટ, 1 મોટી ચમચી મકાઈનો લોટ, 1 મોટી ચમચી જુવારનો લોટ, વાટેલાં આદુ, મરચાંની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું- ખાંડ, 1 વાટકી મોળું દહીં, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 નાની સમચી અજમો, 2 ચમચી શેકેલા તલ, 1 નાની ચમચી હિંગ, 1 મોટી ચમચી શેકેલી સિંગનો અધકચરો ભૂકો. 1 ચમચી તલના તેલનું મોણ, વઘાર માટે મીઠો લીમડો, તલ, લીંબૂનો રસ, દળેલી ખાંડ. સજાવટ માટે લીંબૂ.
બનાવવાની રીત: પાનને સ્વચ્છ પાણીથી સાફ કરીને કોરા કરી લેવાં. કાતર કે અણીદાર ચાકૂની મદદથી પાનની જાડી નસોને કાપી લેવી. હવે એક બાઉલમાં ચણાનો લોટ, જુવારનો લોટ તથા મકાઈનો લોટ લેવો. તેમાં ઘાણાજીરુ, લાલ મરચું, અજમો, હિંગ, સ્વાદાનુસાર મીઠું-ખાંડ ભેળવવા. શેકેલી સિંગનો અધકચરો પાઉડર ભેળવવો. મોળા દહીંથી મિશ્રણ ઘટ્ટ તૈયાર કરવું. પાનને હૃદય આકારમાં રહે તે પ્રમાણે ગોઠવીને ચણાનો લોટ લગાવવો. તેની ઉપર બીજું પાન ગોઠવીને વિંટો વાળી લેવો. તેની ઉપર શેકેલા તલ ભભરાવી દેવા. ઉપર મુજબ બધા વિંટા વાળી લેવાં. ચારણીમાં ગોઠવીને વરાળથી બાફી લેવાં. ઠંડા થાય ત્યારબાદ તેને વઘારવા. એક મોટી ચમચી તેલ કડાઈમાં લેવું. તેમાં તલ, મીઠો લીમડો વગેરે ભભરાવીને પાતરાના એક સરખા ગોળઆકાર ટૂકડાં કરીને ધીમા તાપે વઘારી લેવાં. તલ, ખાંડ તથા મીછું ભભરાવીને ધીમા તાપે કડક બને ત્યાર બાદ કોથમીરથી સજાવીને ગરમાગરમ સ્વાદ માણવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button