ક્ષત્રિય સમાજના સંમેલનને પહેલા ભાવનગર યુવરાજે કહ્યું “રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજોનો ઉપયોગ ન કરવો”

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા એક થયેલા ક્ષત્રિયો હવે ફરી એકવખત હવે અમદાવાદ ખાતે સંમેલન યોજીને પુનઃ સમાજને એક કરવા જઈ રહ્યા છે. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી આવતીકાલે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ઓગણજ ગામ નજીક ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવા જઈ રહ્યું છે. જેમાં દેશી રાજ્યોના વારસદારોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતના આજના લોકશાહી યુગમાં વિકાસનો ભાગીદાર હોવા છતાં આજદિન સુધી વિકાસના ફળ પામી શક્યો નથી અને સાથે જ પોતાની ઓળખ કે અસરકારકતા પણ ઉભી કરી શક્યો નથી, આથી આર્થિક, સામાજિક, શૈક્ષણિક કે રાજકીય ક્ષેત્રોનો લાભ મળી શકે તે માટે “સમસ્ત ક્ષત્રિય શક્તિ એકતા મંચ”ને સ્થાપવામાં આવી છે. જેનું આવતીકાલે 20 મીએ અમદાવાદના ઓગણજ ગામ નજીક ગોતા ખાતે આવેલા હરેન્દ્રસિંહ જે. સરવૈયા રાજપૂત સમાજ ભવન ખાતે યોજાવાનું છે.
આ સંમેલનના મોભી તરીકેનું સ્થાન ભાવનગર મહારાજ વિજયરાજસિંહ ગોહિલને સાંભળવા સમિતિએ તેમની સાથે મુલાકાત કરી હતી, અને સમાજના આગેવાનોના નિમંત્રણને સ્વીકાર્યું હતું. રાજપૂત સમાજે આ પદ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના રહેલા પ્રદાનને ધ્યાને લઈને આપવામાં આવ્યું છે. જો કે તે પહેલા જ ભાવનગર મહારાજાના પુત્ર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.
https://www.facebook.com/share/p/14Aq1RybB8
તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું છે:
જય માતાજી,
હું કોઈ સમિતિ કે સમીતિનો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્યમાં કે કાર્યક્રમમાં સામેલ નથી.
હું હંમેશા મારા ક્ષત્રિય સમાજને વફાદાર રહ્યો છું અને રહીશ અને મારા સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ.
હું આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓ એ પોતાના સમુદાય માટે શિક્ષણ, નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે.
અને હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.
રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતા નો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિથી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ, ખાસ કરીને સરકારી નોકરીઓ અને ઉદ્યોગસાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત છે.
સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે.
બધાને મારી શુભેચ્છાઓ અને આદર સહિત
જયવીરરાજસિંહ ગોહિલ (યુવરાજ ભાવનગર)