વરસાદથી માંડ રાહત છે, ખેડૂતોને આઠને બદલે 12 કલાક આપો વીજળી: મોઢવાડિયા
સમગ્ર ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લેતા ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ હોવાથી પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરુ મુલાકાત કરીને ખેડૂતોને દૈનિક 8 ને બદલે 12કલાક વિજળી આપવાની રજુઆત કરી છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબજ ભારે સારો વરસાદ થતાં ખેડૂતોને મગફળી સહિતનો પાક ખૂબ જ સારો થાય તેવી સંભાવના છે. છેલ્લા વરસાદ પછી વરાપ નીકળતા કૃષિ પાકો ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકોમાં પાણી આવવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે પાકના વિકાસ માટે દબાઈ ગયેલ જમીનને છૂટી પાડવા પાણી આપવાની તાકીદે જરૂરિયાત ઉભી થઈ છે.
ધારાસભ્ય મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર – કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકમાં એક સાથે કુવા – બોરમાં મોટરો ચાલુ થવાથી એક સાથે વીજ ડિમાન્ડ ઉભી થઈ છે એટલે લાઈનોમાં પણ વિક્ષેપ ઊભો થાય છે. આ વિક્ષેપ – ફોલ્ટ નિવારવા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની સૂચના મુજબ વીજ વિત્તરણ કંપનીઓએ વધારે ટીમોને પણ કામે લગાડી છે. જો કે હજુ પણ વધારાની ટીમો અને વીજ ઉપકરણો પૂરા પાડીને ખેડૂતોને મદદ કરવી જરૂરી છે. ઉપરાંત તાકીદે વીજ પુરવઠો 8 કલાક ને બદલે સતત 12 કલાક આપવામાં આવે તે જરૂરી છે. જે અંગે રજુઆતના સંદર્ભમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ વધુ વીજળી પુરી પાડવા અને વીજ ફોલ્ટ થાય છે તેનું તત્કાલીક રીપેર થઈ શકે તે માટે વધુ ટીમો ફાળવવા સકારાત્મક જવાબ આપ્યો છે.