Breaking: મેટ્રો-થ્રીને મળ્યું નવું મુહૂર્ત PM Modi કરશે હવે આ તારીખે ઉદ્ધાટન
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. દરમિયાન પીએમ મોદી ચોથી ઑક્ટોબરના રોજ મુંબઇ આવવાના છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં તેઓ મુંબઇને અનેક પ્રોજેક્ટની ભેટ આપશે. આ દરમિયાન, વડા પ્રધાન થાણેથી ખાડી બ્રિજ કોરિડોરના અંતિમ તબક્કાનું અને સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે તેમ જ થાણે રિંગ મેટ્રોનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ સીપ્ઝથી બીકેસી સુધીની મુંબઈ મેટ્રો-3ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે. મેટ્રો-3 મુંબઈગરા માટે મહત્ત્વાકાંક્ષી ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. સૂત્રોએ માહિતી આપી છે કે આ 12 કિલોમીટર લંબાઈના પ્રથમ તબક્કાનું ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈગરાઓને ખુશખબર આપતા કહ્યું હતું કે મુંબઈ મેટ્રો-3નો પ્રથમ તબક્કો સપ્ટેમ્બરના અંત સુધીમાં શરૂ થઈ જશે. આ મેટ્રો સેવા આરેથી બીકેસી અને બીકેસીથી આરે સુધી ચાલશે. મેટ્રોના આ પ્રથમ તબક્કામાં દસ સ્ટેશન હશે. મુંબઈ મેટ્રો 3 લાઈન 33.5 કિમી લાંબી છે અને મુંબઈની ઉત્તર-દક્ષિણ દિશાને વધુ સારી રીતે જોડવા માટે બનાવવામાં આવી છે. આ મેટ્રો લાઇન છ મુખ્ય વ્યાપારી વિસ્તારો, 30 ઓફિસ વિસ્તારો, 11 હોસ્પિટલો, 12 શૈક્ષણિક સંસ્થાઓ અને 10 ટ્રાન્સપોર્ટ હબને જોડશે,જેને કારણે લોકોને સારી કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત આ મેટ્રો લાઇન શહેરના બંને એરપોર્ટને પણ જોડે છે, જેનાથી મુસાફરીના સમયની પણ બચત થશે. ખાસ વાત તો એ છે કે આ મેટ્રો અંડરગ્રાઉન્ડ છે. અને એથી ય ખાસ વાત તો એ છે કે આ મેટ્રો ડ્રાઈવરલેસ (ડ્રાઇવર વિનાની) છે. ઉપરાંત મરોલ નાકા ખાતે હાલની મુંબઈ મેટ્રો 1 સાથે ઇન્ટરચેન્જ આપવામાં આવ્યું છે, જેનાથી મુસાફરોને અન્ય મેટ્રો દ્વારા પૂર્વ અને પશ્ચિમના ઉપનગરોનો સરળ એક્સેસ મળશે.
આ પણ વાંચો : Mumbai Metropolitan Region ને ‘એજ્યુકેશન હબ’ બનાવવાની નીતિ આયોગની યોજના…
મેટ્રો-3 એ કોલાબા-બાંદ્રા-સીપ્ઝની 33 કિમી લાંબી ભૂગર્ભ મેટ્રો લાઇન છે જેના માટે તત્કાલીન મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ અને તત્કાલીન કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુ દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં 2016માં તેનું બાંધકામ શરૂ થયું હતું.
મુંબઇગરાઓ 2014 થી ભૂગર્ભ મેટ્રોની રાહ જોઈ રહ્યા છે. ઘણી પરેશાનીઓ અને પર્યાવરણવાદીઓના વાંધાવચકાઓ બાદ, આરેથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સનો પ્રથમ તબક્કો આખરે તૈયાર થઇ ગયો છે, જેનું પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. બીજા તબક્કાનું કામ આવતા વર્ષે પૂર્ણ થશે.
મેટ્રોમાં પ્રવેશવા માટે પ્લેટફોર્મ પર જ ફુલ સ્ક્રીન ડોર હશે. ટ્રેક પર અકસ્માતો અથવા આત્મહત્યાની શક્યતા નહિવત છે. આ સ્ટેશનો ઈન્ડીકેટર, એક્સિલેટર, સીસીટીવી જેવી સુવિધાઓથી સજ્જ હશે. મેટ્રો પ્લેટફોર્મ પર લિફ્ટ આપવામાં આવી છે. દિવ્યાંગો માટે ખાસ શૌચાલય, બેબી ડાયપર ચેન્જીંગ રૂમ, ફ્રી ઈન્ટરનેટ, વાઈ-ફાઈની સુવિધા પણ રાખવામાં આવી છે. આ આખી મેટ્રો ભારતના આંધ્ર પ્રદેશના શ્રી સિટીમાંબનાવવામાં આવી છે હાલમાં મેટ્રો 3ની 12 ટ્રેનો મુંબઈ આવી છે.
આ પ્રોજેક્ટ, જે 2021 માં પૂર્ણ થવાનો હતો, તે હવે ત્રણ વર્ષના વિલંબ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. વિલંબને કારણે તેના ખર્ચમાં બારથી પંદર હજાર કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે.