ચાંદખેડાની સરકારી સ્કૂલમાંથી 40 લેપટોપ ચોરાયાઃ 19 વર્ષના બે ગઠિયા પકડાયા
અમદાવાદઃ શહેરમાં ચાંદખેડામાં આવેલી એક સરકારી શાળામાંથી ચોરાયેલા 40 લેપટોપની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરીમાં 19 વર્ષના બે યુવકો સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ઘકપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ ઝડપથી પૈસા કમાવવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો.
આ પણ વાંચો: ચોરીના આરોપમાં પુત્રની ધરપકડ થતાં પરિવારની ત્રણ મહિલાઓનો આપઘાતનો પ્રયાસ
બે આરોપીની ધરપકડ કરી
અમદાવાદમાં 30મી ઓગસ્ટના રોજ ચાંદખેડા વિસ્તારમાં સરકારી ચાવડી પાસે આવેલી જગતપુર અનુપમ સરકારી સ્કૂલમાંથી 40 જેટલા લેપટોપની ચોરીની ઘટના બની હતી. પોલીસને કરેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાધે પટેલ અને અક્ષિતસિંહ વાઘેલા નામના બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, 31 ક્રોમબુક લેપટોપ, 38 નંગ ચાર્જર તેમ જ 15 નંગ હેડફોન મળીને કુલ 3.47 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
મોજશોખ માટે સરકારી સ્કૂલમાં કરી ચોરી
પકડાયેલા આરોપી રાધે પટેલ અને અક્ષતસિંહ વાઘેલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓનો એક મિત્ર ધ્રુવીશ શાહ સરકારી સ્કૂલોમાં કોમ્પ્યુટર અને લેપટોપ મેન્ટેનન્સનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ રાખે છે. બંને ધ્રુવીશ સાથે અનેક વખત અનુપમ પ્રાથમિક સ્કૂલમાં આવ્યા હતા અને જોયું હતું કે કમ્પ્યુટર રૂમમાં ઘણા બધા લેપટોપ પડેલા છે. દરમિયાન સ્કૂલની રેકી કરી રાતના સમયે ચોરીને અંજામ આપ્યો હતો. ઝડપાયેલા બંને આરોપી અભ્યાસ કરે છે અને માત્ર મોજશોખ માટે થોડા રૂપિયા મળે તે માટે આ ચોરી કર્યા હોવાનું કબૂલ્યુ હતું.