મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની આ હોસ્પીટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, મૃતકોમાં 12 નવજાત શિશુઓ પણ સામેલ

મહારાષ્ટ્ર જેવા દેશના મહત્વના રાજ્યમાં સ્વાસ્થ્યની સુવિધાઓ પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો છે. નાંદેડ જિલ્લામાં આવેલી શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓ મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે. રોષે ભરાયેલા દર્દીઓના સ્વજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવતા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.
મહારાષ્ટ્રની હાફકિન તાલીમ, અનુસંધાન અને પરીક્ષણ સંસ્થાને દવાઓની ખરીદી બંધ કરતા મહારાષ્ટ્રની તમામ સરકારી હોસ્પીટલોમાં દવાઓની ભારે અછત ઉભી થઇ છે. સમયસર દવા ન મળવાને કારણે દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યા છે. ઘટના અંગે શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલના અધિક્ષક એસ આર વાકોડેને પૂછપરછ કરવામાં આવતા તેમણે દાવો કર્યો હતો કે દર્દીઓને અંતિમ સમયે હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. હાલમાં દવાઓની અછત હોવાથી આસપાસની અન્ય હોસ્પીટલોમાંથી ઉપલબ્ધ દવાઓ લખી આપીને દર્દીઓને સારવાર અપાઇ રહી છે. રવિવારે પણ 24 કલાકમાં 12 બાળકોના મોત નીપજ્યાં હતા. શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલની આસપાસના 70થી 70 કિમી વિસ્તારમાં રહેતા લોકો આ જ હોસ્પીટલમાં સારવાર માટે આવે છે.

“હાફકિનમાંથી દવાઓની ખરીદી કરવાની હતી પરંતુ તે થઇ ન શકી. આથી થોડી હેરાનગતિ થઇ રહી છે. ઉપરથી દર્દીઓની સંખ્યા વધી જતા બજેટ પર ખોરવાઇ ગયું હતું. દવાઓની અછતને કારણે મોત થાય તેવું મોટેભાગે થતું નથી. જે 24 દર્દીઓ મૃત્યુ પામ્યા તેમાંથી મોટાભાગના સાપ કરડવાથી તેમજ વિભિન્ન બિમારીઓને કારણે મૃત્યુ પામ્યા.” તેવું હોસ્પીટલના ડીને જણાવ્યું હતું.

કારણ કોઇપણ હોય પરંતુ આટલી મોટી સંખ્યામાં દર્દીઓ મોતને ભેટ્યા એ ઘટના સરકારને શરમમાં મુકે તેવી બિલકુલ ગણી શકાય. મહારાષ્ટ્રમાં આરોગ્યને મુદ્દે સરકારી ક્ષેત્રમાં કેટલી હદે બેદરકારી છે તે આ પ્રકારની ઘટનાઓને કારણે બહાર આવ્યું છે. આ પહેલી ઘટના નથી જ્યારે આટલા દર્દીઓના મોત થયા હોય, આ પહેલા પણ થાણેના કલવામાં છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પીટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયા હતા. જેમાંથી 10 મહિલાઓ અને 8 પુરુષો હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button