એક સત્યનિષ્ઠ, ઈમાનદાર મોમિનની આ રહી પાંચ નિશાનીઓ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
ઈસ્લામ ધર્મની ઈમારત જે પાયા પર સ્થપાઈ છે તે તૌહીદે ઈલાહી (અલ્લાહ એક) હોવાની દઢ માન્યતા પર કાયમ છે.
આધુનિક વિજ્ઞાન કહે છે કે નજરે જુઓ તે સાચું બાકી કોઈ પુરવાર ન કરે ત્યાં સુધી વર્તમાન જમાનાની પેઢી અદ્રશ્ય સત્યોને માનવા તૈયાર નથી. વિજ્ઞાન ગમે તે કહે પરંતુ પ્રમાણિકપણે અક્કલની કસોટીએ વિચારીએ તો દિલ જરૂર કબૂલ કરશે કે કર્તા વગર કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવી શકતી નથી ત્યારે આટલા મોટા વિશ્ર્વનું સર્જન કરીને તેને ચલાવવા પાછળ કોઈ શક્તિ કામ કરતી ન હોય તેમ માનવું એ બુદ્ધિનું દેવાળું કાઢ્યા બરાબર છે.
એવી ઘણી વસ્તુઓ છે જેને વિજ્ઞાન ગમે તેટલી નવી શોધો કર્યા પછી પણ જોઈ શકતું નથી. પામર મનુષ્ય એનો અહેસાસ તો કરે છે પણ તેને જોઈ શકતો નથી. દાખલા તરીકે ઉદાહરણરૂપે રૂહ એટલે કે આત્માને આપણે જોઈ શકતા નથી છતાંય તેના વજૂદ-અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ જ. એવી જ રીતે સુખ-દુ:ખ, પ્રેમ-ભય, લાગણી-ક્રોધની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ પણ તેની આકૃતિને જોઈ શકતા નથી છતાં સૌ કોઈ તેના અસ્તિત્વને માને છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે કોઈ વસ્તુ એકબીજા પદાર્થની સહાય વગર એની મેળે ઉત્પન્ન થતી નથી, ત્યારે અલ્લાહ અને તેની શક્તિને માનવા નાસ્તિકો દૃશ્યહીન શા માટે થઈ જતા હશે?
અલ્લાહતઆલાએ પયગંબરે ઈસ્લામ મારફત જે સંદેશ મોકલ્યો છે તેના પાયાના નિયમો – સિદ્ધાંતો જે કોઈ સમજવા માગે છે તેના માટે તદ્દન આસાન – સરળ છે. અલ્લાહતઆલા ફરમાવે છે કે.
૧) મારા સિવાય કોઈ ખુદા નથી, હું એક અને એકલો છું. મોહમ્મદ (સ.અ.વ.) મારા રસુલ છે, આ હકીકત (કલ્મા)ને દિલથી કબૂલ કરો.
૨) વિશ્ર્વમાં મારા સર્જનોને જોઈ પરખીને બુદ્ધિપૂર્વક મારા વજૂદને કબૂલ કરો.
૩) મારી અમૂલ્ય કિતાબ કુરાન શરીફ અને રસૂલ મારફતે મોકલેલ ધર્મનિયમો એટલે શરિયતને બુદ્ધિપૂર્વક સમજીને તેના પર અમલ કરો.
૪) તમારો અમલ જો રસૂલના બતાવેલ સીધા રસ્તા પર હશે તો આ દુનિયા અને આખેરત (મૃત્યુ પછીના જીવન ‘બરઝખ’ની દુનિયા)માં જન્નતરૂપી ઉમદા બદલો મળશે અને
૫)….અને જો તમારો અમલ દીને ઈસ્લામથી વિરુદ્ધ, ગુનાહિત વિચારો પર હશે તો તેના બદલામાં તમોને સજારૂપે આખેરત (મૃત્યુલોક)માં દોજખ નર્કમાં દાખલ કરવામાં આવશે.
આ પાંચ સિદ્ધાંતોને જે વ્યક્તિ માને અને તેના પર અમલ કરે તે ‘મોમીન’ એટલે કે એક ઈમાનદાર મુસલમાન કહેવાય બાકી નામના મુસલમાન તો ઘણા મળી આવશે.
તૌહીદને સમજ્યા પછી ‘શીર્ક’ને સમજવું પણ એટલું જ જરૂરી છે. શીર્ક એટલે કોઈની સાથે જોડવું, સામિલ કરવું, શરીક કરવું. અલ્લાહની વેહદાનીયત એટલે એક અલ્લાહને સ્વીકાર્યા બાદ તેની જાત સાથે કોઈને શરીક (સામેલ) કરીએ, તેની બરાબરીમાં અથવા તેની ઉપરવટ કોઈને માનીએ તેને ઈસ્લામિક પરિભાષામાં ‘શીર્ક’ કહેવાય છે. આ શીર્ક સંબંધી અલ્લાહતઆલા કુરાન શરીફમાં જે ફરમાવે છે તે અને કર્મકાંડમાં ઈસ્લામના મહત્ત્વ સંબંધી જાણકારી લેખના આવતા અંકના ત્રીજા ભાગમાં હાંસલ કરીશું. ઈન્શાઅલ્લાહ.
- જાફરઅલી ઈ. વિરાણી
નસીહત
‘સાતો આસમાનો અને ધરતી તથા તેઓની અંદર જે કાંઈ છે, તે તેની જ તસ્બીહ (પવિત્રતા બોલવી) કરે છે. કોઈ ચીજ એવી નથી જે તેની પવિત્રતા બોલતી ન હોય, પરંતુ તમે તેની રીત જાણતા નથી (તમો અનભિજ્ઞ અજાણ છો) તે અલ્લાહ હલીમ (સહિષ્ણુ) અને ક્ષમાશીલ છે.’
સાપ્તાહિક સંદેશ:
લોકોએ તમારા પર વિશ્ર્વાસ રાખીને આપેલી અનામત તેઓને માગે ત્યારે પરત કરો.
- કર્ઝ લીધું હોય તો વહેલી તકે અદા કરો અને મજૂરીનું મહેનતાણું શ્રમજીવીનો પરસેવો સૂકાય તે પૂર્વે અદા કરી દો – હદીસ