નેશનલ

કોલકાતા રેપ અને મર્ડર કેસઃ CJIએ કહ્યું -મહિલા ડૉક્ટરોને નાઈટ શિફ્ટ કરતા રોકી શકાય નહી

નવી દિલ્હીઃ 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસ મામલે આજે (17 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મહિલા ડોકટરોની નાઈટ ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણય બદલ સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને બંગાળ સરકારને આ આદેશને બદલવા માટે પણ કહ્યું છે. આરજી કાર હૉસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડૉક્ટરની રેપ અને હત્યા બાદ બંગાળ સરકારે મહિલા ડોકટરોની સુરક્ષા માટે તેમને હોસ્પિટલોમાં નાઇટ શિફ્ટ ન આપવા સૂચના આપી હતી.

ચીફ જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સુનાવણી દરમિયાન બંગાળ સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, તમે કેવી રીતે કહી શકો કે મહિલાઓ રાતના સમયે કામ કરી શક્તી નથી? તેઓ એક જ શિફ્ટમાં કામ કરવા તૈયાર છે. પાયલટ, આર્મી જેવા અનેક વ્યવસાયોમાં મહિલાઓ નાઇટ શિફ્ટમાં કામ કરે છે. સરકારનું કામ તેમને સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. તમે શા માટે મહિલાઓ પર મર્યાદા લાદી રહ્યા છો? તમે આવી રીતે તમારી જવાબદારીમાંથી છટકીને મહિલાઓને રાત્રે કામ કરતા રોકી શકો નહીં.

આ પણ વાંચો: કોલકાતા રેપ & મર્ડર કેસઃ આંદોલન કરી રહેલા ડોક્ટર ‘ટસના મસ’ થયા નહીં અને..

સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોમાં ડોક્ટરો અને અન્ય લોકોની સુરક્ષા માટે કોન્ટ્રાક્ટ પર ખાનગી એજન્સીઓના સુરક્ષા કર્મચારીઓની નિમણૂક પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેઓ સમગ્ર હોસ્પિટલમાં ફરે છે. આના દ્વારા સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં પોલીસ દળો તૈનાત કરવા જોઈએ. હૉસ્પિટલોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ અપૂરતી છે. (નોંધનીય છે કે આરજી કર મેડિકલ કૉલેજમાં 415 વધારાના સીસીટીવી કેમેરા લગાવવાની મંજૂરી મળી છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 36 જ લગાવવામાં આવ્યા છે.)

કોર્ટની આકરી ઝાટકણી બાદ બંગાળ સરકાર વતીથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે રકાર મહિલા ડૉક્ટરોની ડ્યૂટીને 12 કલાક સુધી મર્યાદિત કરવા અને નાઈટ ડ્યૂટી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને પાછો ખેંચી લેશે.
સુનાવણી દરમિયાન જુનિયર ડૉક્ટરો પણ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તેમને ફરજ પર પાછા ફરવામાં કોઇ વાંધો નથી, પણ તેઓ કામ પર પાછા ફરતા પહેલા તેમના એસોસિયેશન સાથે એક વાર બેઠક કરશે. બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે વિરોધ કરી રહેલા ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: કોલકાતા રેપ મર્ડર કેસ: બે ડોકટર સસ્પેન્ડ, પૂર્વ પ્રિન્સિપાલનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે

કોર્ટે જણાવ્યું હતું કે બેંચ ખુલ્લી અદાલતમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર ટિપ્પણી કરવા માંગતી નથી, કારણ કે તેને કારણે આગળની તપાસ જોખમમાં મૂકાશે. ખંડપીઠે સીબીઆઈને 24 સપ્ટેમ્બરે બળાત્કાર-હત્યા અને નાણાકીય ગેરરીતિઓની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો અને પીડિતાના માતા-પિતા પાસેથી મળેલા ઈનપુટની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. નિર્દેશ આપ્યો છે.

પ. બંગાળ સરકાર વતી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને સોશિયલ મીડિયા પર બળાત્કાર અને એસિડ એટેકની ધમકીઓ મળી રહી હોવાની વાત કહી આ કેસના નાવણીના લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે જો કોઇને આવી ધમકીનો સામનો કરવો પડશે તો અમે પગલા લઇશું, પણ જાહેર હિતમાં લાઇવ સ્ટ્રીમિંગને રોકી શકાશે નહીં.

આ ઉપરાંત કોર્ટે વિકિપીડિયાને પીડિતાના નામ અને તેની ઓળખ ઉજાગર કરતા ફોટો પણ તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…