1 ઓક્ટોબર સુધી દેશમાં બુલડોઝર એક્શન નહીં થઈ શકે, સુપ્રીમ કોર્ટે રોક લગાવી
નવી દિલ્હી: દેશમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યના આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવાનો ટ્રેન્ડ (Bulldozer action) વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અગાઉ બુલડોઝર એક્શન સામે લાલ આંખ કરી હતી. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં બુલડોઝર ડિમોલિશનને 1 ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી છે, જોકે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલ્વે લાઇન પર ડિમોલિશન કરી શકાશે.
સુપ્રીમ કોર્ટ કહ્યું કે મ્યુનિસિપલ કાયદા હેઠળ મિલકતોને ક્યારે અને કેવી રીતે તોડી શકાય તે અંગે અમે નિર્દેશો બનાવીશું.
ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભાટીની બનેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે “બુલડોઝર જસ્ટીસ”ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાયદો સર્વોચ્ચ હોય તેવા દેશમાં આ રીતે ઘર તોડી પાડવું અસ્વીકાર્ય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ‘બુલડોઝર કાર્યવાહી’ પર સુપ્રીમની લાલ આંખ: કોણ ગુનેગાર તે નક્કી કરવાનું કામ કોર્ટનું…
ગુજરાતમાં ખેડા જિલ્લાના કાઠલાલમાં પ્રશાસને એક પરિવારના ઘરને બુલડોઝ કરવાની ધમકી આપી હતી, પરિવારના એક સભ્યનું નામ FIRમાં છે. જમીનના સહ-માલિક અરજદારે પ્રસાશન એક્શન સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેમના પરિવારની ત્રણ પેઢીઓ આ મકાનોમાં લગભગ બે દાયકાથી રહે છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “એક દેશમાં જ્યાં રાજ્યના એક્શન કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, ત્યાં પરિવારના એક સભ્ય દ્વારા કરાયેલા કાયદાના ઉલ્લંઘન બદલ પરિવારના અન્ય સભ્યો પર કે તેમના કાયદેસર રીતે બાંધવામાં આવેલા નિવાસસ્થાન સામે કાર્યવાહી કરી શકાય નહીં. ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવા માટે કારણ ન હોઈ શકે.”