મુંબઈ સર્કલમાં JIO નેટવર્ક ડાઉન થતા કરોડો લોકો પરેશાન, JIOએ આપ્યો આ જવાબ….
મુંબઈ ટેલિકોમ સર્કલમાં દેશની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર કંપની Reliance Jioનું નેટવર્ક ડાઉન થઈ ગયું છે. જેના કારણે મુંબઈ, થાણે અને નવી મુંબઈ તેમ જ પુણેમાં કરોડો ગ્રાહકોને નેટવર્ક આઉટેજને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ શહેરોમાં ગ્રાહકોની મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ લગભગ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. અનેક વખત કોલ કરવા છતાં તેમના કોલ લાગતા નથી. સર્વિસ આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ ડાઉન ડિટેક્ટર મુજબ Jioની સેવાઓ આજે સવારથી જ સમસ્યાઓ અનુભવી રહી છે.
આજે ગણેશોત્સવનો છેલ્લો વિસર્જનનો દિવસ છે અને શાળા-કૉલેજોમા રજા આપવામા આવી છે. સરકારી કર્મચારીઓને પણ રજા આપવામાં આવી છે. તે ઉપરાંત અનેક ખાનગી કંપનીઓએ પણ તેમના સ્ટાફને રજા આપી છે. રજાના દિવસે ઘરના કમ્ફર્ટમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવા માગતા લોકોને Jioનું નેટવર્ક ડાઉન હોવાને કારણે ભારે નિરાશા થઇ છે. jio ના વપરાશકર્તાઓએ તેમના પ્રોબ્લેમ્સને શેર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. ઘણા Jio વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા પર જાણ કરી છે કે તેઓ આ સમયે તેમના Jio નંબરોથી કોઈ સેલ્યુલર કૉલ્સ કરી શકતા નથી. નોન- jio નંબર ધરાવતા લોકોને પેચિંગ કોલમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Jioનું નેટવર્ક કયા કારણે ડાઉન થયું છે તે અંગે રિલાયન્સ જિયો દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, ટેકનિકલ નિષ્ણાતોનું કહેવું છે કે યુઝર્સ વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને કોલ કરી શકે છે. મુંબઈમાં ઘણા રિલાયન્સ જિયો યુઝર્સે જાણ કરી છે કે તેઓ કોલ્સ રિસીવ કરી શકતા નથી. ટ્વિટર પર વપરાશકર્તાઓએ જાણ કરી છે કે જ્યારે પણ તેઓ કૉલ કરવાનો પ્રયાસ કરે છે, તેમને “નેટવર્ક પર નોંધાયેલ નથી” (not registered on the network) જેવા સંદેશા મળી રહ્યા છે. આ સિવાય પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે તે છેલ્લા ત્રણ દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. કેટલાક વપરાશકર્તાઓએ એમ પણ કહ્યું છે કે તેઓ મુંબઈમાં એરટેલ નેટવર્ક સાથે આવી જ સમાન સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
એક નેટિઝને લખ્યું હતું કે બાંદ્રામાં Jio નેટવર્કમાં ગંભીર સમસ્યા છે, બે કલાકથી કનેક્શન ડાઉન છે. બધા જિયો કનેક્શન્સમાં કૉલ્સ, મેસેજ અને ઇન્ટરનેટ કામ કરી રહ્યાં નથી.” આના જવાબમાં જિયોએ સોશિયલ મીડિયા પર તેને જણાવ્યું હતું કે, “હાય યુઝર! અમને ખ્યાલ છે કે આ કેટલું અસુવિધાજનક હોઈ શકે છે. તમે ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરીને અથવા તમારા મોબાઇલ કનેક્શન પર કૉલ કરવા અથવા પ્રાપ્ત કરવામાં સમસ્યા અનુભવી શકો છો. જોકે, આ સમસ્યા હંગામી છે. અમારી ટીમ આ સમસ્યાના હલ માટે કામ કરી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે.