મહેનતાણાને મુદ્દે માથામાં હથોડો ફટકારી મજૂરે કરી મુકાદમની હત્યા
થાણે: મહેનતાણાને મુદ્દે થયેલા વિવાદમાં મજૂરે માથામાં હથોડો ફટકારી મુકાદમની કથિત હત્યા કરી હોવાની ઘટના અંબરનાથમાં બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
શિવાજી નગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સલીમ યાકુબ શેખ (49) તરીકે થઈ હતી. પશ્ર્ચિમ બંગાળનો વતની શેખ અંબરનાથ પૂર્વમાં નિર્માણાધીન ઈમારતમાં મજૂર તરીકે કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર લેબર મુકાદમ અબ્દુલ અકાલુ રહમાન (37) ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરવા માટે શેખ અને તેના મિત્રને પશ્ર્ચિમ બંગાળથી લાવ્યો હતો. મહેનતાણા તરીકે તેમને રોજના 900 રૂપિયા આપવાની ખાતરી રહમાને આપી હતી. જોકે કામે લાગ્યા પછી રહમાન બન્નેને રોજના માત્ર 700 રૂપિયા આપતો હતો. આ મુદ્દે તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
દરમિયાન શેખે તેનો પુત્ર બીમાર હોવાથી 15 દિવસ કામ કર્યાના રૂપિયા રહમાન પાસે માગ્યા હતા. રહમાને રૂપિયા આપવાનો ઇનકાર કરતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
આ પણ વાંચો : થાણેમાં મેટ્રોના થાંભલા સાથે બસ અથડાઇ
રોષે ભરાયેલા આરોપીએ રવિવારના મળસકે 4 વાગ્યાની આસપાસ અંબરનાથના હાલ્યાચા પાડા સ્થિત દત્તસાંઈ હાઉસિંગ સોસાયટીના પહેલા માળે આવેલા ગાળામાં સૂતેલા રહમાન પર હુમલો કર્યો હતો. માથા પર હથોડો ફટકારવાને કારણે રહમાન લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. બનાવની જાણ થતાં શિવાજી નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આરોપીને તાબામાં લઈ રહમાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો