AI & Data Analytics અભ્યાસ કરવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે વકીલોને કર્યો અનુરોધ…
દેશની કોર્ટમાં 5.5 કરોડ કેસ પેન્ડિંગ હોવાનું સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું નિવેદન
છત્રપતિ સંભાજી નગર: આધુનિક ટેકનોલોજી સાથે તાલ મિલાવી આગળ વધવા માટે વકીલોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પ્રપોર્શનાલિટી અને ડેટા એનાલિટિક્સ જેવા અદ્યતન વિષયનો અભ્યાસ કરી એનાથી માહિતગાર થવું જોઈએ. એમ કરવાથી આગળ જતાં તેમને પુષ્કળ તકો મળશે જેનો લાભ કારકિર્દીમાં થશે એવો અભિપ્રાય સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આજે વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટી ઔરંગાબાદના ત્રીજા પદવીદાન સમારંભને સંબોધતા તેમણે કહ્યું હતું કે ‘દેશભરની અદાલતોમાં સુપ્રીમ કોર્ટના 83 હજાર કેસ સહિત 5 કરોડ 5 લાખ કેસ પેન્ડિંગ છે. દેશમાં 1700 લો કૉલેજો છે.
દર વર્ષે લગભગ ૧ લાખ વકીલની નોંધણી થાય છે. બાર કાઉન્સિલમાં આશરે ૧૫ લાખ વકીલ નોંધાયેલા છે. માત્ર કેસની દલીલ કરવાથી વકીલોનું કામ પૂરું નથી થતું, તેમણે ન્યાયમૂર્તિ અને ટ્રિબ્યુનલ્સના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવવી પડશે. પરિણામે વકીલ સામે પુષ્કળ તક રહેલી છે.’
ન્યાયમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે ‘ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા ક્રિએશન અને ડેટા એનાલિસિસ જેવા ઉભરતા ક્ષેત્રો કાયદાકીય અને વહીવટી નીતિ તેમજ અપીલ ન કરી શકાતા ચુકાદા માટે મહત્વપૂર્ણ છે.
કાયદાને અલગ પાડી સમજી નથી શકાતો. અન્ય શાખાના અભ્યાસની જરૂર પડશે. કાનૂની વ્યવસાય એ બિઝનેસ નથી, પરંતુ અખંડિતતા, ખંત અને જવાબદારીઓ એમાં જળવાય એ જરૂરી છે. એનો મુખ્ય ઉદ્દેશ નૈતિકતા, સન્માન અને ગૌરવ જાળવવાનો છે.’
(પીટીઆઈ)