શિંદે સેનાના નેતાએ આપ્યું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કૉંગ્રેસ ભડકી…
મુંબઇઃ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે શિંદે શિવસેનાના વિધાન સભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અનામત ખતમ કરવાના નિવેદન માટે જે કોઈ રાહુલ ગાંધીની જીભ કાપશે તેને હું 11 લાખ રૂપિયાનું ઈનામ આપીશ. આ વિવાદીત નિવ્દન માટે સંજય ગાયકવાડની ઘણી ટીકા થઈ રહી છે. તે જ સમયે, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું છે કે આ સંજય ગાયકવાડનું અંગત નિવેદન અને અભિપ્રાય છે. તેઓ આ નિવેદનને સમર્થન આપતા નથી.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા મરાઠા અનામત આંદોલન ફરી વેગ પકડશે! મનોજ જરાંગે આજે ફરી ધરણા શરૂ કરશે
ગાયકવાડે જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે દેશના પછાત અને દબાયેલા દલિતો, આદિવાસીઓ અને ઓબીસી લોકોને બંધારણમાં આરક્ષણ આપ્યું છે અને રાહુલ ગાંધી વિદેશ જઇને અનામત ખતમ કરવાની વાતો કરે છે. કૉંગ્રેસનો અસલી ચહેરો સામે આવી ગયો છે. લોકસભાની ચૂંટણી સમયેપણ મોદી બંધારણ બદલશે એવો ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગાયકવાડ વિદર્ભ પ્રદેશની બુલઢાણા વિધાનસભા બેઠકના વિધાન સભ્ય છે.
મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના શિંદે જૂથ સાથે ગઠબંધનની સરકાર બનાવી છે. આ પહેલા કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા તેમની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન શીખોને લઈને કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરતા રવનીત સિંહે રાહુલ ગાંધીને ‘દેશના સૌથી મોટા દુશ્મન અને આતંકવાદી’ ગણાવ્યા હતા.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે સંજય ગાયકવાડે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. તેમની જીભ ઘણી વાર લપસી છે. ગયા મહિને એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પોલીસ કર્મચારી વિધાન સભ્ય સંજય ગાયકવાડની કાર ધોઈ રહ્યો હતો.
આ પણ વાંચો: રાહુલ ગાંધી બંધારણ વિરોધી માનસિકતા ધરાવે છે: ઉપરાષ્ટ્રપતિ
બાદમાં, આ અંગે સ્પષ્ટતા આપતા ગાયકવાડે કહ્યું હતું કે પોલીસ કર્મચારીને કારની અંદર ઉલટી થઈ હતી.એટલે તેણે જાતે કાર ધોવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ફેબ્રુઆરી મહિનામાં ગાયકવાડે દાવો કર્યો હતો કે તેણે વર્ષ 1987માં વાઘનો શિકાર કર્યો હતો. આ પછી તેના દાંતની માળા બનાવીને ગળામાં પહેરી હતી. થોડી જ વારમાં, રાજ્યના વન વિભાગે વાઘના કથિત દાંત પાછા મેળવ્યા અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા હતા અને ગાયકવાડની સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.