આમચી મુંબઈ

ગણપતિ બાપ્પાને વિદાય આપવા મુંબઈ સજ્જ:ગણેશ મૂર્તિના વિસર્જન માટે ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા

ભક્તોની સેવા માટે ૧૨ હજાર અધિકારી-કર્મચારીઓની ફોજ તહેનાત , ઘર નજીકના કૃત્રિમ તળાવની માહિતી ક્યૂઆર કોડ સ્કેન કરીને મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાના લાડલા ગણપતિ બાપ્પાને મંગળવારે અનંત ચતુર્દશીના વિદાય આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા તમામ સુવિધા અને વ્યવસ્થા સાથે સજ્જ થઈ ગઈ છે. ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મુંબઈમાં ૬૯ નૈસર્ગિક અને ૨૦૪ કૃત્રિમ તળાવની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની સાથે જ ભક્તો પોતાના ઘરની નજીકના કૃત્રિમ તળાવની માહિતી પણ ક્યૂઆર કોડથી મેળવી શકશેે. બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન નિર્વિધ્ન રીતે પાર પડે તે માટે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરથી લઈને ૧૨,૦૦૦થી વધુ અધિકારી, કર્મચારીઓ ખડે પગે તહેનાત રહેવાના છે.

ગણેશ વિસર્જન માટે પાલિકાએ ખાસ તૈયારીઓ કરી છે. સુધરાઈના ૧૨ હજાર કર્મચારી- અધિકારી, ૭૧ કંટ્રોલ રૂમ તેમ જ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ વર્ષે ગણેશ મૂર્તિના વિસર્જન માટે ૬૯ નૈસર્ગિક સ્થળ સહિત કુલ ૨૦૪ કૃત્રિમ વિસર્જન સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પાલિકાના ડેપ્યુટી કમિશનર અને ગણેશોત્સવ સમન્વયક સમિતિના પ્રશાંત સપકાળેએ જણાવ્યું હતું.

ગણેશ મૂર્તિના વિસર્જન પહેલા ભક્તોએ અર્પણ કરેલા હાર, ફૂલ જેવો નિર્માલ્ય જમા કરવા માટે ૧૬૩ નિર્માલ્ય કલશ સહિત ૨૭૪ નિર્માલ્ય વાહનોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : PM મોદીએ CJIના ઘરે બાપ્પાની આરતી ઉતારી: રાજકારણ ગરમાયું, ચંદ્રચુડે કરી સ્પષ્ટતા…

સુધરાઈના જુદા જુદા ખાતાના કર્મચારીઓમાં યોગ્ય સમન્વય સાધવા માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત પ્રશાસકીય વોર્ડ સ્તર પર ૧૯૨ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. તેમ જ સુરક્ષાની દૃષ્ટિએ ૬૬ વોચ ટાવર ઊભા કરવાની સાથે જ જુદા જુદા સ્થળે ૭૨ સ્વાગત કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે.

સુધરાઈના આરોગ્ય વિભાગ તરફથી ૭૫ પ્રથમોચાર કેન્દ્ર સહિત ૬૭ ઍમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. સાંજે અંધારું થયા બાદ ભક્તોને તકલીફ થાય નહીં તે માટે ઊંચાઈની જગ્યા પર તથા થાંબલા પર ૧,૦૯૭ ફ્લડલાઈટ અને ૨૭ સર્ચલાઈટ લગાડવામાં આવી છે. વિસર્જન માટે આવનારા ભક્તો માટે ૧૨૭ ફરતા મોબાઈલ ટોઈલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ ઈમરજન્સીની પરિસ્થિતિ નિર્માણ થાય તો તેનો સામનો કરવો માટે ફાયરબ્રિગેડને વાહનો સહિત પ્રશિક્ષણ આપેલા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.

૭૬૧ લાઈફગાર્ડ અને ૪૮ મોટરબોટ
મુંબઈમાં સૌથી મોટી ગણેશ મૂર્તિઓ અને પ્રખ્યાત ગણેશમંડળોના મૂર્તિઓના વિસર્જન પ્રખ્યાત વિસર્જન સ્થળ ગિરગામ ચોપાટી પર કરવામાં આવે છે. વિસર્જન માટે અહીં બે મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી. ગણેશ મૂર્તિના વિસર્જન માટે આવતા વાહનો ચોપાટીની પરની રેતીમાં ફસાઈ જાય નહીં તે માટે ચોપાટીના કિનારાઓ પર ૪૭૮ સ્ટીલની પ્લેટ તેમ જ નાની ગણેશ મૂર્તિના વિસર્જન કરવા માટે જુદા જુદા ઠેકાણે ૪૩ જર્મન તરાપાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચોપાટીઓની સુરક્ષા માટે ૭૬૧ લાઈફગાર્ડ સહિત ૪૮ મોટરબોટ તહેનાત કરવામાં આવી છે.

ક્યૂઆર કોડ સ્કેન કરી કૃત્રિમ તળાવની માહિતી મળશે
પર્યાવરણપૂરક ગણેશોત્સવની ઊજવણી કરવા માટે સુધરાઈએ આ વર્ષે લગભગ ૨૦૪ કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે. ‘ક્યૂઆર કોડ’ દ્વારા ભક્તોને કૃત્રિમ તળાવની માહિતી મળશે. ‘ક્યૂઆર કોડ’ સ્કેન કરવાથી કૃત્રિમ તળાવની માહિતી અને ગૂગલ મૅપ લિંક પણ ભક્તોને ઉપલબ્ધ થશે.

ભક્તોએ રાખવી પડશે આ કાળજી
મૂર્તિના વિસર્જન માટે દરિયામાં ઊંડે જવું નહીં. વિસર્જન માટે સુધરાઈએ નીમેલા પ્રશિક્ષિત કર્મચારીની મદદ લેવી. અંધારું હોય એવી જગ્યાએ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવું નહીં. સુધરાઈએ જયાં તરવા પર પ્રતિબંધ મૂક્યો ત્યાં પાણીમાં જવું નહીં. કોઈ ડૂબતું નજર આવે તો તેની જાણ તરત પોલીસ અને ફાયરબ્રિગેડ અથવા લાઈફગાર્ડને કરવી. અફવા પર વિશ્ર્વાસ કરવો નહીં. મુંબઈની ચોપાટીઓ પર ‘બ્લૂ બટન જેલીફિશ’, ‘સ્ટિંગ રે’ પ્રજાતિની માછલી હોવાની શક્યતા હોવાથી માટીમાં ખુલ્લા પગે ચાલવાથી તે ડંખ મારી શકે છે. તેથી નાગરિકોએ કાળજી રાખવાની રહેશે.

આ સમયે દરિયામાં ભરતી હશે
મંગળવાર, ૧૭ સપ્ટેમ્બરના અનંંત ચતુર્દશીના દિવસે દરિયામાં સવારના ૧૧.૧૪ વાગે ૪.૫૪ મીટરની ભરતી હશે તો સાંજના ૫.૨૨ વાગે ૦.૮૬ મીટરની ઓટ હશે. રાતના ૧૧.૩૪ વાગે ભરતી હશે એ સમયે મોજાં ૪.૩૯ મીટર ઊંચા ઉછળશે. ૧૮ સપ્ટેમ્બરના વહેલી સવારના ૫.૨૭ વાગે ઓટ હશે તો સવારના ૧૧.૩૭ વાગે ભરતી હશે ત્યારે ૪.૭૧ મીટર ઊંચા મોજાં ઉછળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button