ઈશ્ર્વરને શરણે જવું જરૂરી છે. ઈશ્ર્વર પ્રત્યે શરણાગતિનો ભાવ જરૂરી છે. આ શરણાગતિ સંપૂર્ણતામાં હોવી જોઈએ. ઈશ્ર્વરને જો સોંપી દેવાનું હોય તો બધું જ સોંપી દેવાનું હોય, કેટલીક બાબતો પોતાના હસ્તક ન રખાય. ઈશ્ર્વરનું શરણું એટલે માથા સહિત સમગ્ર દેહનું સમર્પણ, સૂક્ષ્મ અસ્તિત્વના દરેક સ્વરૂપનું સમર્પણ, કારણગત કારણનું પણ સમર્પણ. ઈશ્ર્વર પ્રત્યેની શરણાગતિમાં કશું શેષ ન રહેવું જોઈએ, કશું વિશેષ ન બનવું જોઈએ, બધું નિ:શેષ થઈ જવું જોઈએ. પૂર્ણતામાં શરણાગતિ એટલે જ ઈશ્ર્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, તેના પ્રત્યેનો અપાર વિશ્વાસ.
દેવી વંદનામાં પણ કહેવાયું છે કે “શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણે, સર્વસ્યાર્તિહરે દેવી નારાયણી નમોસ્તુતે. અર્થાત્ હે શરણ આપનારી, ગરીબ અને દુ:ખીના રક્ષણ માટે તત્પર, બધાના દુ:ખ દૂર કરનારી નારાયણી દેવી, તમને નમસ્કાર છે’. જ્યારે ઈશ્ર્વરની વાત થાય ત્યારે શિવ અને શક્તિ બંનેનો સમાવેશ થઈ જાય. ઈશ્ર્વરને નર સ્વરૂપે જ જોવો એ પણ મનની એક મર્યાદા છે. દેવીની સ્તુતિમાં કહેવાયું છે કે તે શરણ આપનારી છે. જે પણ વ્યક્તિ શરણે જાય, ઈશ્ર્વર તેનો અસ્વીકાર ન કરે. ઈશ્વર વિરાટ શરણ છે, સર્વનું અંતિમ આશ્રય સ્થાન છે, સર્વનું અંતિમ શરણ છે, સર્વનું અંતિમ ધ્યેય છે. જે પણ શરણે આવે તેમના રક્ષણ માટે ઈશ્વર સદાય તત્પર છે.
અચાનક વિપત્તિ આવી પડે ત્યારે, ઉપદ્રવ વધી જાય ત્યારે, મનની અશાંત સ્થિતિ અપાર તકલીફ આપે ત્યારે, સંસારના વ્યવહારથી ત્રસ્ત થઈ જવાય ત્યારે, જીવનનિર્વાહના પ્રાથમિક સાધનો પણ પ્રાપ્ય ન થાય તે સ્તરનું દુ:ખ ઊભું થાય ત્યારે, આધિ – વ્યાધિ – ઉપાધિ અકલ્પનીય મુશ્કેલી સર્જે ત્યારે, જન્મ – મૃત્યુ – જરા – વ્યાધિમાં અપાર દોષની પ્રતીતિ થાય ત્યારે, કોઈપણ સ્વરૂપે જીવન જીવવાની કોઈ પણ ઈચ્છા બાકી ન રહે ત્યારે, સૃષ્ટિનો પ્રપંચ પૂરેપૂરો સમજાઈ જવાથી મુક્તિની ઈચ્છા જાગ્રત થાય ત્યારે, ખોખલા સંબંધોના સમીકરણો તેમનું વાસ્તવિક રૂપ પ્રગટ કરે ત્યારે, જેનો ઉકેલ સંભવ ન હોય તેવા પ્રશ્ર્નો સામે આવીને ઊભા રહે ત્યારે ઈશ્ર્વર યાદ આવે.
આ સમયે ઈશ્ર્વરનું શરણું એકમાત્ર વિકલ્પ બાકી રહે. જોકે ગીતામાં જણાવ્યા પ્રમાણે ઈશ્ર્વરને શરણે દુ:ખી, જિજ્ઞાસુ, અર્થાર્થી, અને જ્ઞાની જતા હોય છે. આ બધા ઈશ્વરનું શરણું ઈચ્છે છે.
પછી તે જે કરે તે યોગ્ય, તે માન્ય, તે સ્વીકાર્ય, તે મંજૂર અને તે શ્રેષ્ઠ. ઈશ્ર્વરને સમગ્રતામાં બધી ખબર હોય છે. ઈશ્ર્વર વ્યક્તિના જન્મની શૃંખલાને જાણતો હોય છે, પ્રવર્તમાન પરિસ્થિતિ માટે પણ તેને સંપૂર્ણ માહિતી હોય છે, ભવિષ્યની સંભાવનાઓ માટે પણ તે સજાગ હોય છે. ઈશ્ર્વર સ્થળ અને સમયથી પર હોવાથી તે વિરાટતામાં સમગ્ર ચિત્રનું અવલોકન અને આકલન કરી શકે છે. તેનાથી કશું છૂપું નથી. તેની આગળ કશાનો પડદો નથી. પડદાની પાર પણ જોવાની તેની ક્ષમતા છે. અને તેથી ઈશ્ર્વરનું શરણું લીધા પછી તેના કાર્ય બાબતે, આવનારા સંભવિત પરિણામ બાબતે, કોઈ શંકા ન હોવી જોઈએ. ઈશ્ર્વર સંપૂર્ણ છે, તેનું અવલોકન સંપૂર્ણ છે, તેનો નિર્ણય પણ સંપૂર્ણ જ રહેવાનો. તેના પ્રત્યેની શરણનો ભાવ સંપૂર્ણ હોવો જરૂરી છે.
બધા સાથે તે ઈશ્ર્વર તટસ્થ હોય છે, ઈશ્ર્વરને ન્યાય માટે જેમ પ્રીતિ છે તેમ શરણાગત માટે કરુણા છે. ઈશ્ર્વર નિયતિના નિયમોને માને છે અને સાથે સાથે ભક્ત પર કૃપા કરવાનો પણ આગ્રહ ધરાવે છે. ઈશ્ર્વર જે કરે તે આ બંનેના સમન્વય સમાન હોય. અહીં તટસ્થતા પણ જોવા મળે અને પક્ષપાત પણ. અહીં વિશાળ પરિપ્રેક્ષ્યનો દ્રષ્ટિકોણ પણ હોય અને વિશેષ પરિસ્થિતિ માટેની સમજ પણ. અહીં શાસ્ત્રનું વચન પણ પાળવામાં આવે અને ભક્તિગત લાગણી પણ સાચવવામાં આવે. ઈશ્ર્વરનું શરણું લેનારને રક્ષણ પણ પ્રતિત થાય અને કર્મના ફળની અનુભૂતિ પણ થાય છે.
સાચા મનથી પ્રભુના શરણમાં જવું જોઈએ. શરણાગતિમાં સરળતા અને શુદ્ધતા હોવી જોઈએ. ઈશ્ર્વર નિર્દોષ છે અને તે નિર્દોષ વ્યક્તિને જ શરણમાં લે. ઈશ્ર્વર નિષ્પાપ છે અને તેથી તે નિષ્પાપનું જ શરણ સ્વીકારે. ઈશ્ર્વરની પ્રિતીપાત્ર થવા તેમના ભક્ત બની જવું. પણ ભક્તિમાં દેખાડો કરવા, સામાજિક પરિપ્રેક્ષ્યમાં વધુ સ્વીકૃતિ મેળવવા, વિવિધ પ્રકારની વ્યવહારિક સ્થિતિ સુધારવા, કપટ, દંભ, લોભ અને પ્રપંચયુક્ત શરણાગતનો ભાવ ન હોવો જોઈએ.
ઈશ્ર્વરના શરણે જવાની પ્રક્રિયામાં અવિશ્ર્વાસ પણ ન હોવો જોઈએ. સાથે સાથે એ પણ જરૂરી છે કે ઈશ્ર્વર પ્રત્યે સભાનતાપૂર્વક, ઈશ્વરનું મહાત્મ્ય સમજીને, તે જ આખરી મુકામ છે તેવી શ્રદ્ધા સાથે શરણે જવું જોઈએ. અગત્યનું એ છે કે ઈશ્ર્વરનું શરણ સ્વીકારવા પાછળ કોઈ ગણતરી ન હોવી જોઈએ.
એકવાર શરણું સ્વીકાર્યા પછી ઈશ્ર્વર જે કરે તે જ સર્વથા યોગ્ય. પછી મનમાં કોઈપણ પ્રકારના, કોઈપણ સ્વરૂપના વિકલ્પોને સ્થાન ન હોય. પછી કોઈ કર્મણ્યતા શેષ બાકી ન રહે. પછી પાછા વળવાનું કે પાછા જોવાનું ન હોય. વાસ્તવમાં પછી કશું જ બાકી ન રહેવું જોઈએ. ત્યાં અહંકારનો સંપૂર્ણ છેદ ઊડી જાય અને માત્ર ઈશ્વરના અસ્તિત્વની સ્વીકૃતિ જ બાકી રહે. ઈશ્ર્વરનું શરણું પ્રાપ્ત કરવું એટલે એક રીતે જીવન-મરણના ચક્રમાંથી મુક્ત થવું.
ઈશ્ર્વર સાથેનો બધો વ્યવહાર આમ પણ સંપૂર્ણતા અને સમગ્રતામાં હોવો જોઈએ. અહીં કશાની અધુરાશ માન્ય નથી. જો આ વ્યવહાર સંપૂર્ણતા અને સમગ્રતામાં ન હોય તો એનો અર્થ એ કે હજી થોડો અહંકાર બાકી છે, હજી કંઈક કર્તાપણાનો ભાવ જાગ્રત છે, હજુ કેટલીક બાબતો માટે પોતાની ક્ષમતા પર વધુ વિશ્ર્વાસ છે, હજુ સૃષ્ટિના નિયમો સામે પડકાર ઝીલવાની તમન્ના છે, હજુ ઈશ્ર્વરની એટલી જરૂરિયાત નથી જણાઈ. તો પછી ઈશ્ર્વર હજુ દૂર છે.
Also Read –