સ્પેશિયલ ફિચર્સ

વેર – વિખેર પ્રકરણ -૬૩

તારો બાપ જો મારા વિશે નહીં વિચારે તો મને પણ ઘી કાઢવા માટે આંગળી કેટલી વાંકી કરવી પડે એ ખબર છે…!

કિરણ રાયવડેરા

કારના કાચની બહાર પસાર થતાં દૃશ્યોની ગતિ ધીમી પડી ગઈ હતી. જગમોહનના વિચારોની વણઝાર પણ થંભી ગઈ.
‘શું થયું, જાદવ?’ એણે ડ્રાઇવરને પૂછ્યું.

‘આગળ કોઈ અકસ્માત થયો હોય એવું લાગે છે. હું જોઉં છું’ જાદવ બહાર નીકળવા જતો હતો ત્યાં એણે પાછળથી કોઈ અવાજ
સાંભળ્યો:
‘ગાડી મોડ લો સાહેબ, આગે કિસીને
આત્મહત્યા કી હૈ.! ’
જગમોહન સ્તબ્ધ થઈ ગયો.

બે દિવસ પહેલાં આ જ રીતે રસ્તામાં કોઈએ આત્મહત્યા કરી હતી. જગમોહનને લાગ્યું હતું જાણે એને એની સમસ્યાનો ઉકેલ મળી ગયો હતો. એ વખતે એણે પોતે આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો.
‘જાદવ, ગાડી ફરેવી લે… અને બીજો રસ્તો પકડી લે…’
ખુદ જગમોહને પણ હવે બીજો રસ્તો પકડી લીધો હતો. જિંદગી ફરી જીવવાનો રસ્તો.

રસ્તામાં જેણે આપઘાત કર્યો હતો એણે મૃત્યુનો રસ્તો પસંદ કર્યો હતો.દરેકના નસીબમાં ગાયત્રી લખાયેલી નથી હોતી. અણીને સમયે દરેકને મદદનો હાથ નથી મળતો,જે જગમોહનને મળ્યો હતો એટલે જ એણે બીજો રસ્તો પસંદ કરી લીધો હતો.

જોકે આ રસ્તાના અંતે નિયતિએ કેવી મંઝિલ નક્કી કરી રાખી છે એ તો કોઈને નહોતી ખબર…!


‘તારું તો માથું ફરી ગયું છે… આ તું શું બકવાસ કરે છે એનું ભાન
છે?’ રેવતીની વાત સાંભળીને જતીનકુમાર ખિજાઈ ગયા હતા.

‘આ વારંવાર આત્મસમ્માન, ગૌરવ જેવા ભારેખમ શબ્દોનો ઉપયોગ શા માટે કરે છે? કયા મહાત્માનું પ્રવચન સાંભળીને આવી છે?’

‘કોઈ મહાત્માને મેં સાંભળ્યા નથી, પણ મારી વાત માનો, ગાયત્રીની વાત સાચી છે…’ રેવતીથી અનાયાસ ગાયત્રીનું નામ બોલાઈ ગયું.

‘ઓહ, તો એમ વાત છે. મારા શ્વસુરજીની ગર્લફ્રેન્ડે
તારા કાન ભંભેર્યા છે. એ છોકરી બહુ જ શાણી છે. એ દેખાય છે એટલી માસૂમ નથી…’ જતીનકુમારે મોઢું કટાણું કર્યું .

‘એવું નથી, એ બિચારીને આપણને કાઢીને શું મળવાનું છે? એ તો સાચી સલાહ આપે છે. એ તો એમ કહેતી હતી કે ઘણી વાર સ્વેચ્છાએ આપણે જગ્યાનો ત્યાગ કરીએ તો એ જગ્યા કાયમ માટે આપણી થઈ જાય…’

રેવતીએ લાગ્યું કે પતિદેવ જે ભાષા સમજે છે એ જ ભાષામાં એમને સમજાવવા જોઈએ.

‘ઓહ, ગાયત્રીએ એવું કહ્યું? વાહ, સલાહ તો સારી આપી છે. તારો બાપ પણ ઇચ્છતો નથી કે આપણે અહીં રહીએ… મને
વારંવાર પૂછ્યા કરે છે કે હવે શું કરવાનો વિચાર છે?’ જતીનકુમાર વિચારમાં પડી ગયા હતા.

‘એટલે જ કહું છું. આપણી ઇજ્જત આપણા હાથમાં છે. આપણે અહીં નહીં રહીએ તો આપણું માન જળવાશે. મારા પપ્પા આપણા બારામાં વિચાર કરવા પ્રેરાશે અને બની શકે કોઈ રસ્તો પણ મળી જાય…’
‘હં… અ… પણ રેવતી, તને ખાતરી છે કે એ છોકરી આપણી સાથે કોઈ ચાલ નથી રમતી?’

‘ના… ના… એ બિચારીએ આપણા સારા માટે સલાહ આપી. મને એમ લાગે છે કે અહીં પડ્યાપાથર્યા રહેશું તો આપણે આપણું માન ગુમાવશું… અને સાથે બીજું ઘણું બધું પણ ગુમાવશું…’
‘હા, આમેય તારો બાપ અહીં ઝાઝા દિવસ રહેવા દે એવું
લાગતું નથી. એ સામેથી જાકારો આપે એ પહેલાં આપણો રસ્તો કરી લઈએ એ વધુ યોગ્ય રહેશે, પણ એક વાત કહી દઉં છું રેવતી,તારો બાપ જો મારા વિશે નહીં વિચારે તો મને પણ ઘી કાઢવા માટે
આંગળી કેટલી વાંકી કરવી પડે એ ખબર છે.’

‘એ બધું પછી વિચારશું… મને લાગે છે કે આપણે આજે જ મમ્મીને કહીને રવાના થઈ જઈએ…’

‘અરે… એમ આજે જ ભાગી ન જવાય. રાતના ડાઇનિંગ ટેબલ પર વિધિવત્ બધાંની વિદાય લઈને રવાના થશું… કંઈ ચોરી થોડી કરી છે?’

રેવતી સમસમી ગઈ. એનો આત્મા કહેતો હતો કે એ લોકોએ આજે જ નીકળી જવું જોઈએ…પણ ફરી એક વાર પતિદેવને ખુશ કરવા એણે એના આત્માના
અવાજને ઘોંટી નાખ્યો.


‘મિ. વિક્રમ દીવાન, હું ઇન્સ્પેકટર પ્રમાણિક બોલું છું…’
‘સાહેબ, હજી તો ગઈકાલે આપણી વાતચીત થઈ છે. મેં તમને કહ્યુંને કે એક-બે દિવસમાં પેકેટ તમારે ત્યાં પહોંચી જશે.’ ઇન્સ્પેક્ટર પ્રમાણિકનો ફોન એના પર આવે એ વિક્રમ દીવના ગમ્યું નહીં.

‘સાહેબ, તમે બહુ આધીરા છો. મેં પેકેટ માટે ફોન કર્યો જ નથી.અમારા ધંધામાં અમને લેવાની ન હોય એના કરતાં વધુ ઉતાવળ દેવાવાળાને હોય છે…’ ઇન્સ્પેક્ટરના અવાજમાં નારાજગી હ્તી.

‘ઓહ, એમ સોરી સાહેબ, બોલો, બોલો અચાનક શું કામ આવી પડ્યું?’ વિક્રમને બોલવામાં ઉતાવળ કરવા બદલ જાત પર ગુસ્સો ચડ્યો.

‘દીવાનસાબ, યાદ છે તમે એક દાઢીવાળા વિશે વાત કરતા હતા?’ સહેજ થોભીને એણે ઉમેર્યું :
‘ગઈકાલે એ શ્યામલી ચક્રવર્તીને મળવા આવ્યો હતો … દોઢેક કલાકની અંદર એ બહાર નીકળી ગયો હતો. મારા માણસે એનો પીછો કર્યો હતો.’ ઇન્સ્પેક્ટર પ્રમાણિક જાણે સસ્પેન્સ
વધારવા ધીમે ધીમે પાનાં ઊતરી રહ્યો હતો.

‘ઓહ! તમે તો બહુ ફાસ્ટ નીકળ્યા. વેરી ગુડ…’ વિક્રમ ખુશ થઈ ગયો.

ઇન્સ્પેક્ટર પ્રમાણિકનું મોઢું લાળથી ભરાઈ ગયું. ઘરાક માલનાં વખાણ કરે એટલે પૈસા તો વધુ જ આપશે.

‘સાહેબ, કંઈક ગરબડ છે. આ માણસે પહેલાં ટેક્સી પકડી. પાર્કસર્કસથી ચાંદની આવ્યો. ત્યાં એણે ટેક્સી છોડીને બીજી ટેક્સી પકડી. સિયાલદાહના મૌલાલી વિસ્તારમાં કોઈ ડિવાઈન ગેસ્ટ’ હાઉસ પાસે એ ઊતર્યો. ટેક્સીમાંથી ઊતરતી વખતે એણે
આજુબાજુ જોઈ લીધું હતું. થોડી વાર ગેસ્ટ હાઉસની બહાર
ઊભો રહ્યો પછી ગેસ્ટ હાઉસમાં દાખલ થયો હતો. કાઉન્ટર
પર ઇન્કવાયરી કરતાં ખબર પડી કે છેલ્લા ચારેક દિવસથી એ અહીં રોકાયો છે. એણે એનું નામ અજીત ઉપાધ્યાય લખાવ્યું છે, જે ખોટું
હોઈ શકે. એ ચાઈબાસાથી આવ્યો છે એવું એણે હોટલવાળાને કહ્યું છે.’
‘વેરી ગુડ… આઈ એમ ઇમ્પ્રેસ્ડ…’ વિક્રમ ખુશ થઈ ગય :
‘હવે ઇન્સ્પેક્ટર, એ ગેસ્ટ હાઉસનું સરનામું અને ફોન નંબર મને લખાવી દો… બાકીનું હું ફોડી લઈશ. હા, પણ તમારા માણસને કહેજો કે શ્યામલીને મળવા એ ફરીવાર આવે તો આપણને ઇન્ફોર્મ કરે…’
‘હા હા તમે નચિંત રહો, સાહેબ… તમે એડે્રસ લખી લો…’
ઇન્સ્પેક્ટરે ગેસ્ટ હાઉસનું સરનામું વિક્રમને લખાવ્યું.

‘દીવાનસાબ , હવે બીજું એક સરનામું પણ લખી લો…’ ઇન્સ્પેક્ટરે કહ્યું.
‘બીજું સરનામું? કોનું?’ વિક્રમ સમજ્યો નહીં.

‘અરે ભાઈ, મારા ઘરનું… તમે પેકેટ થાણામાં મોકલાવીને આ કેશ ઇન્સ્પેક્ટર પ્રમાણિકને આપી દેશો એવું તો નહીં કહો…’
ઓહ…’ વિક્રમ સમસમી ગયો :
‘હા, હા, તમારા ઘરનું સરનામું પણ લખાવો…’
ઇન્સ્પેક્ટરના રહેઠાણની વિગતો લખ્યા બાદ વિક્રમે પૂછ્યું:
‘સાહેબ, તમારી અટક કોણે રાખી? બહુ પ્રભાવશાળી છે..! ’
ઇન્સ્પેક્ટર સળગી ઊઠ્યો, પણ ઘરાક સાથે કોઈ દિવસી જીભાજોડીમાં ઊતરવું નહીં એ એનો નિયમ હતો.
‘સાહેબ, તમારી અટક પણ કેવી બઢિયા -મોભેદાર દી-વા..ન.. છે !બાકી,
મારી અટક કોણે પાડી એ તો ખબર નથી… હા, જરૂર પડ્યે કોઈને પણ અટકમાં લઈ શકું ખરો..!.’
વિક્રમ દીવાનનું મોઢું પડી ગયું : આ ઇન્સ્પેક્ટરને છંછેડવા જેવો નથી.

‘ઠીક છે… ઠીક છે… તમારું પેકેટ આજે મળી જશે, ઇન્સ્પેક્ટર પ્રમાણિક…’ વિક્રમે ફોન કટ કર્યો.


કુમાર ચિંતામાં પડી ગયો હતો. એ થોડો ગભરાઈ પણ ગયો હતો. આજનો દિવસ જ એવો ઊગ્યો છે કે બધું ઊંધું પડ્યા કરે છે.શ્યામલીએ એને તાબડતોબ ફ્લેટમાં બોલાવ્યો. મકાનના દ્વાર પાસે જ ઇન્સ્પેક્ટરે રોકીને ધમકાવ્યો. શ્યામલીએ ફ્લેટમાં એને ધધડાવવા માંડ્યો વિક્રમને ફસાવવા માટે પોલીસ સ્ટેશન્ ફોન કરવા માટે.

એ કુમારની ભૂલ હતી એવું એના મનમાં ઠસાવી દીધું પછી શ્યામલીએ ચુકાદો પણ આપી દીધો કે કુમાર, આ ભૂલ માટે તારે સજા ભોગવવી પડશે. ! ’

આટલું જાણે પૂરતું ન હોય તેમ એને લાગતું હતું કે શ્યામલીના ઘરેથી નીકળ્યા બાદ કોઈ એનો પીછો કરી રહ્યું છે….
શ્યામલીના ફ્લેટમાંથી નીકળ્યા બાદ એ હંમેશાં બે ટેક્સી બદલીને ગેસ્ટ હાઉસ પહોંચતો. ગઈ કાલે પણ એણે બે ટેક્સી જ બદલી હતી, છતાંય એને લાગતું હતું કે એક ટેક્સી એનો પીછો કરતી હતી.

હા, એ ગેસ્ટ હાઉસની સામે ઊતર્યો એ એની ભૂલ હતી. એણે થોડે દૂર ઊતરવું જોઈએ અને પછી ચાલીને ગેસ્ટ હાઉસ પર આવવું જોઈએ,પણ કુમાર એટલો ગભરાઈ ગયો હતો કે એ ભૂલ કરી બેઠો હતો. ગેસ્ટ
હાઉસના ગેટ પાસે એ ઊભો રહ્યો પણ કોઈ નજરે ચડ્યું નહોતું,છતાંય એને ડર હતો કે કોઈ એના પર નજર રાખી રહ્યું છે. એના કપાળ પર પરસેવો ફરી વળ્યો હતો.

રૂમમાં આવ્યા બાદ કુમાર ક્યાંય સુધી પલંગ પર પડ્યો રહ્યો હતો. બધો વાંક શ્યામલીનો જ હતો. એણે એને ઘર પર બોલાવવો જ ન જોઈએ. એ મનોમન ધૂંધવાતો હતો.

ત્યાં જ હોટલના રૂમના દરવાજા પર ટકોરા પડ્યા. કુમાર ધ્રુજી ઊઠ્યો. એણે રિસેપ્શનમાં કડક સૂચના આપી રાખી હતી કે એ એક વાર રૂમમાં જાય પછી કોઈએ એને ડિસ્ટર્બ ન કરવો.
કોણ હશે?

એણે ઊભા થઈને બારણું ખોલ્યું. હોટલનો મેનેજર બહાર ઊભો હતો.

‘સોરી, ઉપાધ્યાય સાહેબ, તમને તકલીફ આપું છું પણ અગત્યની વાત હોવાને કારણે આવવું પડ્યું…’ કુમારે મેનેજરને અંદર આવવા કહ્યું. મેનેજરે રૂમમાં દાખલ થતાં કહ્યું :
‘સાહેબ, તમે કોઈ ગેરકાયદેસર કામ તો નથી કરતાંને? માફ કરજો, તમારા વિશે કોઈ ઇન્કવાયરી કરવા આવ્યું હતું એટલે પૂછવું પડે છે.’
‘કોણ ઇન્કવાયરી કરતું હતું?’ કુમારના મનમાં ધ્રાસકો પડ્યો. એની શંકા સાચી હતી.

‘પોલીસ…’ મેનેજરે ઠંડે કલેજે કહ્યું પછી ઉમેરતાં કહ્યું :
‘સાહેબ, અમારે ગેસ્ટ હાઉસની પ્રતિષ્ઠાનો ખ્યાલ રાખવો પડે એટલે તમને ચેતવવા આવ્યો છું. તમે માણસ તો સીધા લાગો છો… પેલો પોલીસનો માણસ તમારા વિશે બધું પૂછતો હતોતમારું નામ, તમે ક્યાંથી આવ્યા છો વગેરે… વગેરે… મેં કારણ પૂછ્યું તો મને કહે કે તમારે કોઈને કહેવાની જરૂર નથી, પણ મને લાગ્યું કે તમે મારા કસ્ટમર છો એટલે મારે તમને ચેતવી દેવા જોઈએ…’

‘થેન્ક્યુ… સાહેબ… તમે ચિંતા કરતા નહીં. હું કોઈ ગેરકાયેદસર કામ કે પ્રવૃત્તિ નથી કરતો. ચાઈબાસાનો વેપારી છું. કોલકાતા માલ લેવા માટે અવારનવાર આવવું પડે છે. તમે મને ચેતવી દીધો એ બદલ આભાર, પણ તમારે કોઈ ચિંતા કરવી પડે એવી કોઈ વાત નથી.’
મેનેજરને સંતોષ થયો હોય એવું લાગ્યું નહીં, પણ એ હાથ મિલાવીને ચાલ્યો ગયો.

હવે?
કુમાર વિચારતો હતો. જો એ ગેસ્ટ હાઉસ છોડી દે તો બધાને શક પડે… અહીં નહીં તો શ્યામલીના ફ્લેટમાં જતાં – આવતાં આંતરી લે. એટલે ગેસ્ટ હાઉસ હાલના તબક્કે ન છોડાય..
કુમાર મૂંઝાઈ ગયો. એ જ પળે રુમના ફોનની રિંગ વાગી. કુમારે ફોન ઊંચક્યો.

‘સર, તમારો ફોન ..’ એ જવાબ આપે એ પહેલાં જ ઓપરેટર લાઇન ટ્રાન્સફર કરી દીધી.

‘હેલ્લો, કોણ ?’ કુમારના અવાજમાં સ્પષ્ટ ગભરાટ વર્તાતો હતો.

સામે છેડેથી એક પુરુષનો ઘૂંટાયેલો સ્વર અફળાયો :
‘હું જાણું છું કે તમે શ્યામલી ચક્રવર્તીના પતિ છો.’

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…